ગુજ્જુ લવ ગુરુના પરિવારને ₹2.96 કરોડ ઓનલાઇન અને ₹53 લાખ રોકડમાં સહાય મળી: ખજૂરભાઈએ આપ્યો હિસાબનો ચિતાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujju Love Guru Assistance: સોશિયલ મીડિયા ફેમ 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે સ્વ. ચંદન રાઠોડના દુઃખદ અવસાન બાદ તેમના પરિવારને આર્થિક રીતે સહારો આપવા લોકો દ્વારા હાથ ધરાયેલા સેવા યજ્ઞ અંગે મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ, 'વિલેજ બોય' ટીમ અને સ્વ. ચંદનના પરિવારે સંયુક્ત રીતે મીડિયા સમક્ષ આવીને લોકો તરફથી મળેલી તમામ આર્થિક મદદનો હિસાબ રજૂ કર્યો હતો. આ સમગ્ર અભિયાન દરમિયાન દેશ અને વિદેશમાંથી લોકોએ ઉદાર હાથે ફાળો આપીને કુલ રૂ. 3.50 કરોડ રકમની આર્થિક મદદ પૂરી પાડી છે, જેમાં રૂ. 2.96 કરોડ ઓનલાઇન માધ્યમથી અને રૂ. 53.71 લાખ રોકડ રૂપે મળ્યા છે.
કેટલી રકમની કોના નામે FD થશે?
એકત્રિત થયેલી આ રકમનો પરિવારના ભવિષ્ય અને સુવિધા માટે ઉપયોગ કરવા માટેનું વિગતવાર આયોજન મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જે મુજબ, સ્વ. ચંદનના ભાઈના નામે રૂ. 1 કરોડ, પિતાના નામે રૂ. 40 લાખ, પત્નીના નામે રૂ. 41 લાખ તથા બંને બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા તેમના નામે રૂ. 41-41 લાખની ફિક્સ ડિપોઝિટ (FD) કરવામાં આવશે. આ ઉપરાંત, ચંદનની ત્રણેય બહેનોના નામે પણ રૂ. 11-11 લાખની એફડી કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે રોકડ સ્વરૂપે મળેલી રૂ. 53.71 લાખની રકમમાંથી ચંદનના નાના દીકરાના નામે જમીન ખરીદવામાં આવશે.
અકસ્માતની જગ્યાએ અંધશ્રદ્ધા ન ફેલાવવા અપીલ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિન જાનીએ જનતાને કેટલીક મહત્ત્વપૂર્ણ અપીલ પણ કરી હતી. તેમણે લોકોને વિનંતી કરી હતી કે, જ્યાં ચંદનનો અકસ્માત સર્જાયો હતો તે જગ્યાએ પાણીની બોટલ, નાળિયેર કે અગરબત્તી મૂકીને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ન ફેલાવે. સાથે જ તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચંદનના પિતાનું QR કોડ/સ્કેનર હવે બંધ કરી દેવામાં આવ્યું છે, તેથી હવે કોઈએ પણ ઓનલાઇન નાણાં ટ્રાન્સફર ન કરવા. આસો નવરાત્રિના બીજા નોરતાથી જ ચંદનના પરિવાર માટે નવું મકાન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સના અંતે આ કપરા સમયમાં પરિવારની વહારે આવેલા તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ, સામાજિક અગ્રણીઓ, કલાકારો અને સહાય કરનાર તમામ દાનવીર જનતાનો નીતિન જાની, વિલેજ બોય ટીમ અને રાઠોડ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.




