રામાયણ કથા ફિલ્મના વાનરસેનાના સભ્યને ચશ્મા સાથે દેખાડાતાં વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત 'રામાયણ' પહેલાં તાજેતરમાં સિનેમાઘરોમાં રજૂ થયેલી ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ વખતે ચર્ચાનું કારણ ફિલ્મની કાસ્ટિંગ કે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ નહિ, પણ એક અણધારી વિગત હતી, પાત્રનો પરિચય કરાવતા પોસ્ટરમાં વાનર સેનાના એક સભ્યને ચશ્મા પહેરેલા દર્શાવવામાં આવ્યા હતા.
આ પોસ્ટર પર ઝડપથી સોશિયલ મીડિયા પર મીમ બનવા શરૂ થઈ ગયા હતા. અનેક યુઝર્સે મજાક કરી કે પ્રાચીન મહાકાવ્યમાં આધુનિક ચશ્મા ક્યાંથી આવ્યા. એક કટાક્ષપૂર્ણ પોસ્ટમાં પ્રાચીન ભારતીય આવિષ્કારોના દાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય લોકોએ ફિલ્મ નિર્માતાઓની સર્જનાત્મક પસંદગીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. એક યુઝરે તો રમૂજમાં પૂછ્યું કે શું હવે ચશ્મા પણ રામાયણનો હિસ્સો બની ગયા છે.
આ ફિલ્મનું ટીઝર રજૂ થયું ત્યારથી જ તેના સર્જકો ઓનલાઈન ટ્રોલ થઈ રહ્યા છે. ખાસ કરીને અંજલિ અરોરાને સીતાના પાત્ર માટે પસંદ કરવા માટે ખૂબ ટીકા થઈ છે. આધુનિક પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને નિર્મિત આ ફિલ્મમાં અંજલિ અરોરાની સાથે દેવ શર્મા, રજનીશ દુગ્ગલ, શીલ વર્મા અને નિર્ભય વાધવા મુખ્ય ભૂમિકામાં છે.




