Valsad

વાપી VUDAની બેઠકમાં 40% જમીન કપાતનો મુદ્દો ગાજ્યો, ડેવલોપમેન્ટ પ્લાનને ઝોન મુજબ તૈયાર કરવા રજૂઆત

By GS Team
13 Aug 20264 mins read
TukuTouch Logo
વાપી શહેરી વિકાસ સત્તામંડળ (VUDA) દ્વારા 88 ચોરસ કિલોમીટર વિસ્તાર માટે તૈયાર થનારા ડેવલપમેન્ટ પ્લાનમાં 40% જમીન કપાતની જોગવાઈ સામે હિતધારકોએ વિરોધ નોંધાવ્યો છે. VUDAના ચેરમેન અને કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 2045 સુધીમાં 11.54 લાખ વસ્તીના અંદાજ સાથે, ઔદ્યોગિક ટાઉનશીપ, 3 ઝોન અને 18 મીટર રોડની પહોળાઈના સૂચનો રજૂ કરાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપી VUDAની બેઠકમાં 40% જમીન કપાતનો મુદ્દો ગાજ્યો, ડેવલોપમેન્ટ પ્લાનને ઝોન મુજબ તૈયાર કરવા રજૂઆત
AI તસવીર

Vapi Development Plan: વાપી શહેરી વિકાસ સત્તામંડળ (VUDA) દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા નવા ડેવલપમેન્ટ પ્લાનમાં 40% જમીન કપાતની જોગવાઈ સામે હિતધારકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. બેઠક દરમિયાન સુચન કરવામાં આવ્યું હતું કે, રાજ્યની અન્ય મોટી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી ત્યારે ત્યાં જમીન કપાત અંગે શું જોગવાઈઓ હતી તેનો અભ્યાસ કરવો જોઈએ. સાથે જ નવા પ્લાનને ત્રણ ઝોનમાં વર્ગીકૃત કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

ડેવલપમેન્ટ પ્લાનની રૂપરેખા રજૂ કરાઇ હતી

વાપી શહેરી વિકાસ સત્તામંડળ માટે વિકાસ યોજના તૈયાર કરવાની કામગીરી અંતર્ગત વિવિધ હિતધારકોના સૂચનો અને અભિપ્રાયો મેળવવા તથા ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરવા માટે આજે VUDAના ચેરમેન અને કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખીને 88 ચોરસ કિલોમીટર વિસ્તારના જીઓગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS) આધારિત તૈયાર થનારા ડેવલપમેન્ટ પ્લાનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. જેમાં રસ્તાઓ પહોળા કરવા, ગંદા પાણીના નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા, પાણી વિતરણ વ્યવસ્થા, તેમજ ઔદ્યોગિકરણને કારણે ઊભી થતી પ્રદૂષણની સમસ્યા સામે ગ્રીન સ્પેસ અને બફર સ્પેસ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

'ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ' ઊભી કરવા સૂચન

આ પ્લાનમાં કુંતામાં ઔદ્યોગિક વિસ્તારનો વધારો, ડુંગરામાં રહેણાંક વિસ્તારનો વધારો, અને કરવડ-મોરાઈ-વટારમાં લોજિસ્ટિક્સ તથા મિક્સ વપરાશના મકાનોના આયોજનનો સમાવેશ કરાયો છે. ડેવલપમેન્ટ પ્લાન અંગે ચર્ચા કરતી વખતે વાપીના પૂર્વ-પશ્ચિમ વિસ્તાર વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે વધુ વિકલ્પો ઊભા કરવા સૂચન કરાયું હતું. બિલ્ડરોએ વાપીના ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી શ્રમિકો (વર્કફોર્સ) પૂરા પાડવા માટે 'ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ' ઊભી કરવા સૂચન કર્યું હતું.

ડેવલપમેન્ટ પ્લાન જૂના ગામ નકશા મુજબ થવો જોઈએ અને પ્રોલોંગેશન મુજબ નહીં: CREDAIના સેક્રેટરી

જ્યારે ક્રેડાઈ (CREDAI)ના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, વાપીનો ડેવલપમેન્ટ પ્લાન જૂના ગામ નકશા મુજબ થવો જોઈએ અને પ્રોલોંગેશન મુજબ ન બનવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, નવા પ્લાનમાં રહેણાંક, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એમ ત્રણ ઝોન જ તૈયાર કરવા જોઈએ અને કોઈ વિસંગતતા ઊભી ન થાય તે માટે તેનો ચુસ્ત અમલ કરવો જોઈએ. આ ઉપરાંત, નવા પ્લાનમાં ઓછામાં ઓછી 18 મીટરની રોડની પહોળાઈ અને આઉટર રિંગ રોડ 30 મીટરનો રાખવો જરૂરી છે. સરકારી આવાસ યોજનાઓ માટે ટીપી (TP) સ્કીમમાં કપાતમાં લેવાતી 40% જમીનમાંથી જ અમલ કરવાનો આગ્રહ રખાયો હતો. કન્સલ્ટન્ટે કેનાલનો વિકાસ કરી શહેરની કનેક્ટિવિટી વધારવા અને હયાત રસ્તાઓને પહોળા કરવા સૂચન કર્યું હતું.

જૂની શરત મુજબ જ કપાત લેવાવી જોઈએ: વાપી પાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ

વાપી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જે જમીનો બિનખેતી (NA) કરાવવા માટે સરકારી ફી ચૂકવી દેવાઈ છે, ત્યાં હવે નવા પ્લાન મુજબ 40% કપાત લેવી યોગ્ય નથી. તેથી જૂની શરત મુજબ જ કપાત લેવાવી જોઈએ અને જ્યાં પહેલેથી વિકાસ થઈ ચૂક્યો છે ત્યાં કોઈ ફેરફાર ન કરવા જોઈએ. વાપી મનપાના સભ્યએ ડુંગરા સ્થિત બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચવા માટે હાલ એક જ રસ્તો હોવાથી અન્ય વૈકલ્પિક રસ્તાઓ બનાવવા રજૂઆત કરી હતી.

2045 સુધીમાં વુડા વિસ્તારમાં 11.54 લાખની વસ્તીનો અંદાજ

VUDAના ડેવલપમેન્ટ પ્લાન માટે રજૂ થયેલા પ્રેઝન્ટેશન મુજબ, વર્ષ 2045 સુધીમાં વાપીની વસ્તી 11.15 લાખ થવાનો અંદાજ છે. જોકે વાપી GIDC, દમણ અને દાદરા તથા નાગર હવેલીના ઔદ્યોગિક વિસ્તારોમાંથી થતા સ્થળાંતર (માઈગ્રેશન)ને કારણે આ વસ્તી 11.54 લાખ સુધી પહોંચી શકે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ વાપીની વસ્તી 2.53 લાખ હતી.

40% કપાતના કારણે મનપાની આવક ઘટીને 30% થઈ

બીજી તરફ એ પણ દાવો થયો હતો કે વર્ષ 1985માં વાપીનો ડેવલપમેન્ટ પ્લાન પાસ થયો હતો અને તે મુજબ જ મંજૂરીઓ અપાતી હતી. નોન-TP વિસ્તારમાં પણ 40% કપાત લેવી વ્યાજબી નથી. ગાંધીનગર કે અન્ય મોટી મનપાઓની સરખામણીએ વાપીનો વિસ્તાર નાનો હોવાથી 40% કપાતની જોગવાઈથી ખેડૂતો અને જમીનદારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કારણે જ વાપીમાં નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા નથી, જેના પરિણામે છેલ્લા 6 મહિનામાં વાપી મનપાની આવક ઘટીને 30% પર આવી ગઈ છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાન જરૂરી

ક્રેડાઈ વાપીના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, વર્ષ 2045 સુધીમાં વાપીની વસ્તી 11.54 લાખ થવાની શક્યતા છે, ત્યારે મેટ્રો ટ્રેન અને BRTS જેવી જાહેર પરિવહન સેવાઓ અત્યંત જરૂરી બનશે. આથી સામાન્ય ડેવલપમેન્ટ પ્લાનના બદલે 'ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાન' તૈયાર કરવો જોઈએ. આ ઉપરાંત, ભવિષ્યમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈડ્રોલિક સર્વે અને હાઈ ફ્લડ લેવલ (HFL)નો અભ્યાસ કરવો પણ અનિવાર્ય છે.