Valsad

ઉમરગામમાંથી આંતરરાજ્ય સિગારેટ ચોર ટોળકીના બે સાગરિતોને ઝડપાયા : સિગારેટ-રોકડ સહિત 8.45 લાખનો મુદ્દામાલ જપ્ત

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
વલસાડ LCBએ સિગારેટ ચોરતી આંતરરાજ્ય ટોળકીના 2 સાગરિતોને ઉમરગામ નજીકથી ઝડપ્યા. પોલીસે ₹8.45 લાખનો મુદ્દામાલ, જેમાં ₹2 લાખની સિગારેટ, ₹1.35 લાખ રોકડા અને 5 ફોનનો સમાવેશ થાય છે, જપ્ત કર્યો. પૂછપરછમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના 5 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ ગુગલ પરથી માહિતી મેળવી રેકી કરતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉમરગામમાંથી આંતરરાજ્ય સિગારેટ ચોર ટોળકીના બે સાગરિતોને ઝડપાયા : સિગારેટ-રોકડ સહિત 8.45 લાખનો મુદ્દામાલ જપ્ત

Valsad News : વલસાડ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે સિગારેટના જથ્થાની ચોરી કરતી આંતરરાજય ચોર ટોળકીના બે સાગરિતને પકડી પાડી રૂ.2 લાખની કિંમતનો સિગારેટનો જથ્થો, રોકડા રૂ.1.35 લાખ અને 5 ફોન મળી કુલ રૂ.8.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ઉમરગામમાં પેટ્રોલિંગ દરમિયાન કિયા સોનેટ કાર (નં.એમએચ-12-ડબ્લ્યુઝેડ-1753)ને અટકાવી હતી. કારમાં સવાર બે શખ્સોની પૂછપરછ કર્યા બાદ કાર અને ડીકીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની સિંગારેટના 873 નંગ પેકેટો મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ વેળા બંનેએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે રૂ.2 લાખની કિંમતનો સિગારેટનો જથ્થો, રોકડા રૂ.1.35 લાખ, 5 મોબાઈલ અને કાર મળી કુલ રૂ.8.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે બે આરોપી રામપાલ ઉર્ફે રામા હરીરામ ચૌધરી (ઉ.વ.33, રહે. સાંગલી, પૂલે, મહારાષ્ટ્ર) અને મોહંમદ રેહાન ઉર્ફે રાજા ઠાકુર ઉર્ફે રાજુ મરાઠે ઉર્ફે સંતોષ ભૈયા ઉર્ફે મુકેશ ચૌધરી (ઉ.વ.51, રહે. શિવાજી નગર, ગોવડી, મુંબઈ)ની ધરપકડ કરી હતી. આંતરરાજય સિગારેટ ચોર ટોળકીના બંને સાગરિતોને ગુજરાત, મહારાષ્ટ્રના અને મધ્યપ્રદેશના પાંચ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.
બે મહિના પહેલા ઉજજૈનના ગોડાઉનમાંથી સિગારેટની ચોરી કરી હતી
પકડાયેલા બે આરોપીની પૂછપરછ દરમિયાન બે મહિના અગાઉ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલી મહેશ્વરી નામની સિગારેટ એજન્સીના ગોડાઉનમાંથી બંને આરોપી અને સાગરિતોએ રૂ.15 લાખની સિંગારેટના જથ્થાની ચોરી કરી હતી. આ ગુનાને અંજામ આપવા ટોળકીએ ઉજ્જૈનથી એકસયુવી કારની ચોરી કરી હતી. આ ઉપરાંત ચાર મહિના પહેલા મહારાષ્ટ્રના સાસવડ વિસ્તારમાંથી અલ્ટ્રોઝ કાર અને ભૌસરી વિસ્તારમાંથી કારની નંબર પ્લેટ ચોરી હતી.
વેપારી અને ગોડાઉનની ગુગલ પરથી માહિતી મેળવવતા હતા
આંતરરાજય સિગારેટ ટોળકીના સાગરિતો આઇટીસી એજન્સીના સિગારેટના હોલસેલ વેપારીઓ અને ગોડાઉન અંગે ગુગલ પર સર્ચ કરી માહિતી મેળવી દિવસ દરમિયાન રેકી કરતા હતા. સિગારેટના જથ્થાની ચોરી કરવા માટે સેકન્ડ હેન્ડ કાર વેચતા અજોની દુકાનોની રેકી કરી રાત્ર શટર તોડી કારની ચાવી મળવ્યા બાદ બહાર પાર્ક કરેલી કારની ચારી કરતા હતા. ચોરીના ગુનાને અંજામ આપ્યા બાદ કાર બિનવારસી હાલતમાં ત્યજી દેતા હતા.
બંને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
લોકલ કાઈમ બ્રાન્ચે આંતરરાજય ચૌર ટોળકીના બે સાગરિતોને પકડી પાડયા બાદ સઘન પૂછપરછમાં તેઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં મોહનદ રેહાનને ઉમરગામ, વાપી ટાઉન ટાઉન અને વાપી જીઆઈડીસીમાં ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો હતો. એટલું જ નહીં પણ કર્ણાટક, મહારાષ્ટ્ર અને વલસાડ રૂરલ પોલીસ મથકમાં અગાઉ કુલ 9 ગુનાઓ નોંધાયા હતા. જયારે રામપાલ ચૌધરી સામે અગાઉ કર્ણાટક અને ઉમરગામમાં 2 ગુના નોંધાયા હતા.