સંપત્તિથી નહીં તો સંવેદનાથી! વલસાડમાં પૂર અસરગ્રસ્તો માટે આદિવાસી વિદ્યાર્થિનીઓની અનોખી સેવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Flood Relief: વલસાડ જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે હજારો પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને મદદરૂપ થવા અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે ધરમપુર પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને અનસૂયા છાત્રાલય, વિરવલની આદિવાસી વિદ્યાર્થિનીઓએ માનવતાનું એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વિદ્યાર્થિનીઓએ રાહતકાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે એક ટેમ્પો ભરેલા પૂર પીડિતોના કપડાં પોતાના હાથે ધોઈને અદભુત સેવા આપી છે.
છાત્રાલયની વિદ્યાર્થિનીઓએ તેમના શિક્ષકને ભાવુક સ્વરે કહ્યું હતું કે-
સર, અમારી પાસે દાનમાં આપવા માટે પૈસા નથી, પરંતુ અમે પૂર પીડિતોના કપડાં ધોઈને તેમની સેવા કરવા માંગીએ છીએ.
સેવા કરવાની તક આપવામાં આવી
આ સેવાયજ્ઞ પાછળનો વિદ્યાર્થિનીઓનો ભાવ અત્યંત સ્પર્શક અને હૃદયદ્રાવક હતો. વિદ્યાર્થિનીઓની આ નિઃસ્વાર્થ ભાવનાને સન્માન આપતાં તેમને આ સેવા કરવાની તક આપવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ પણ કલાકો સુધી ભારે જહેમત ઉઠાવીને તમામ કપડાં સાફ કરી આપ્યા હતા.

માનવતાનો સુંદર સંદેશો
પોતાની પાસે ભૌતિક સંપત્તિ ન હોવા છતાં, શારીરિક શ્રમ દ્વારા પૂરગ્રસ્તોની મદદ કરવાની આદિવાસી વિદ્યાર્થિનીઓની આ કરુણાભરી પહેલે સમાજને માનવતાની સાચી સેવાનો સુંદર સંદેશ આપ્યો છે. આ ઘટના એ વાતની સાબિતી આપે છે કે સેવા માટે માત્ર સંપત્તિની જ નહીં, પરંતુ સંવેદના અને નિઃસ્વાર્થ ભાવથી ભરેલા હૃદયની જરૂર હોય છે. સમાજમાં આ આદિવાસી વિદ્યાર્થિનીઓના આ ભગીરથ કાર્યની ચોમેર ભારે પ્રશંસા થઈ રહી છે.










