Valsad

વલસાડ જિલ્લામાં પૂરની તારાજી બાદ ધરતીપુત્રોની ખુમારી : ફરી રોપણી શરૂ કરી

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
વલસાડ જિલ્લામાં 23 અને 24 જુલાઈએ સર્જાયેલી જળહોનારતમાં ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું. ઉમરગામમાં 52 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. જોકે, આર્થિક પાયમાલી છતાં ખેડૂતોએ હિંમત ન હારી. પૂરમાં બચેલા ધરૂ વડે ફેર રોપણી શરૂ કરી, કુદરત પર ભરોસો રાખી સારા પાકની આશા વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ જિલ્લામાં પૂરની તારાજી બાદ ધરતીપુત્રોની ખુમારી : ફરી રોપણી શરૂ કરી

Valsad News : વલસાડ જિલ્લામાં ગત તા.23 અને 24 જુલાઇએ જળહોનારત સર્જાઇ ગઇ હતી. તારાજગીના દ્રશ્યો વચ્ચે જિલ્લાના ખેડૂતોની ભારે મહેનત પાણીમાં જતા ચિંતિત બન્યા હતા. ખેતરમાંથી પાણી ઓસર્યા બાદ કુદરત પર ભરોસો રાખી અને હિમ્મત હાર્યા વિના ફેર રોપણીની કામગીરી શરૂ કરી સારા પાકની આશા વ્યક્ત કરી છે.
વલસાડ જિલ્લામાં ચાલું વર્ષે ચોમાસું અપેક્ષા કરતા ભારે વિલંબ બાદ શરૂ થયું હતું. આકાશી ખેતી પર નભતા ખેડૂતો વરસાદના વિલંબને કારણે પાકને લઇ ચિંતિત બન્યા હતા. મેઘરાજાએ મહેર વરસાવતા અને ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરના પાકની રોપણી કરી દીધી હતી. જિલ્લાના ખેડૂતોએ વર્ષભરની આજીવિકા મેળવવા કરેલી ભારે મહેનત પર મેઘરાજાએ પાણી ફેરવી દીધું હતું.
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની રમત રમતા જ સતત બે દિવસ સુધી સર્જાયેલી જળહોનારતે જિલ્લામાં તબાહી મચાવી દીધી હતી. જિલ્લાના છેવાડાના ઉમરગામ તાલુકામાં તો બે દિવસમાં જ રેકોર્ડબ્રેક ૫૨ ઇંચ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. લોકોના જાનમાલને તો ભારે નુકશાન થયુ પણ અનેક ગરીબ પરિવારો ઘરવિહોણા બની ગયા છે. ઘોડાપુરને કારણે ધરતીપુત્રો પણ બચી શક્યા નથી. પૂરના પાણી ખેતરોમાં તળાવરૂપે ફેરવાઇ જતા ખાસ કરીને ડાંગરનો પાક પાણીમાં ધોવાયો હતો. પાણી ઉતરી ગયા બાદ આટલી મોટી કુદરતી આફત અને આર્થિક પાયમાલી છતાં જિલ્લાના ખેડૂતોએ હિંમત હારી નથી. પાણી ઓસરતા જ આજીવિકા મેળવવા ફરી ખેતરો તરફ દોડ લગાવી છે. ખેડૂતોએ પૂરમાં બચેલા ડાંગરના ધરુ વડે ફરીથી રોપણીની કામગીરી કરી શરૂ કરી દીધી છે.
ઉમરગામના ખેડૂતના જણાવ્યા મુજબ અધિક મહિનો ગયો હતો અને બે જેઠ મહિના હતા તેમ છતાં વરસાદ નહી પડવા છતા ખેતરમાં વાવ્યુ અને વરસાદ પડ્યો પણે પૂર આવવાના કારણે ઘરુ પાણીમાં ધોવાઇ ગયું પણ હવે જે પણ ઘરુ બચેલું છે તેની રોપણી કરીએ છીએ, જે નસીબમાં હશે તે થશે એમ ઉમેર્યુ હતું.