Utility

વારંવાર PF ક્લેમ રિજેક્ટ થઇ રહ્યું છે? 10 કારણો પર ધ્યાન આપી ભૂલ કરતાં બચો

By GS Team
3 Oct 20263 mins read
TukuTouch Logo
EPFO પોર્ટલ દ્વારા PF ઉપાડતી વખતે, નાની ભૂલોને કારણે ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. UAN અને આધાર વિગતોમાં તફાવત, ખોટી બૅંક વિગતો, KYC અધૂરું હોવું કે નામ-જન્મતારીખમાં અસમાનતા મુખ્ય કારણો છે. જો ક્લેમ રિજેક્ટ થાય, તો તાત્કાલિક નવી અરજી ન કરો. પહેલાં રિજેક્શનનું કારણ જાણી, ભૂલો સુધારી અને પછી જ ફરીથી અરજી કરવી હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વારંવાર PF ક્લેમ રિજેક્ટ થઇ રહ્યું છે? 10 કારણો પર ધ્યાન આપી ભૂલ કરતાં બચો

Avoid Common Errors In EPFO Claims: મુશ્કેલ સમયમાં કે આકસ્મિક જરૂરિયાત વખતે પ્રોવિડન્ટ ફંડ(PF)ના નાણાં મોટો સહારો બને છે. મેડિકલ ખર્ચ, લગ્ન પ્રસંગ, નવું ઘર ખરીદવું કે નોકરી બદલવા જેવા પ્રસંગોએ કર્મચારીઓ EPFO પોર્ટલ મારફતે PF ઉપાડવા માટે ઓનલાઇન અરજી કરતાં હોય છે. પરંતુ ઘણી વખત કોઈ મોટી ભૂલ ન હોવા છતાં, નાની-નાની વિગતોમાં રહેલી ખામીઓને કારણે PF ક્લેમ અસ્વીકાર થઈ જાય છે. જો તમારો ક્લેમ પણ રિજેક્ટ થયો હોય, તો ફરીથી અરજી કરતાં પહેલાં તેના મુખ્ય કારણો અને ઉપાયો જાણી લેવા ખૂબ જરૂરી છે.

PF ક્લેમ રિજેક્ટ થવાના 10 મુખ્ય કારણો

1. UAN અને આધાર વિગતોમાં તફાવત: યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને આધાર કાર્ડમાં નોંધાયેલી વિગતો જેવી કે નામ, જન્મતારીખ કે અન્ય મહત્ત્વપૂર્ણ માહિતીમાં સહેજ પણ મેળ ન ખાતો હોય, તો વેરિફિકેશન અટકી જાય છે. માત્ર સ્પેલિંગની ભૂલ કે જન્મતારીખમાં નજીવો તફાવત પણ ક્લેમ રદ કરાવી શકે છે.

2. બૅંક એકાઉન્ટની ખોટી વિગતો: PFના નાણાં હંમેશાં EPFO રૅકોર્ડમાં ચકાસાયેલા બૅંક ખાતામાં જ જમા થાય છે. જો બૅંક ખાતા નંબર, IFSC કોડ કે ખાતાધારકના નામના સ્પેલિંગમાં ભૂલ હશે, તો ક્લેમ સીધો રિજેક્ટ થઈ જશે.

3. બૅંક ખાતું બંધ કે નિષ્ક્રિય હોવું: જો EPFO પોર્ટલ સાથે લિંક કરેલું બૅંક એકાઉન્ટ બંધ થઈ ગયું હોય, ફ્રીઝ હોય કે લાંબા સમયથી નિષ્ક્રિય હોય, તો સિસ્ટમ નાણાં ટ્રાન્સફર કરી શકતી નથી. તેથી અરજી કરતાં પહેલાં ખાતું સક્રિય હોવાની ખાતરી કરવી જરૂરી છે.

4. KYC અધૂરું કે અનવેરિફાઇડ હોવું: આધાર, બૅંક ખાતું અને પાન કાર્ડ જેવી તમામ જરૂરી વિગતોનું KYC પૂર્ણ અને EPFO પોર્ટલ પર વેરિફાઇ થયેલું હોવું અનિવાર્ય છે. જો KYC સ્ટેટસ પેન્ડિંગ હોય તો ક્લેમ આગળ વધતો નથી.

5. વિવિધ દસ્તાવેજોમાં નામ કે જન્મતારીખમાં તફાવત: આધાર, EPFO પોર્ટલ અને બૅંક ખાતાની પાસબુકમાં જો નામ કે જન્મતારીખ અલગ-અલગ રીતે લખાયેલા હશે, તો ડેટા મેચિંગ નિષ્ફળ જશે અને ક્લેમ ફગાવી દેવામાં આવશે.

6. કંપનીના રૅકોર્ડમાં ભૂલ: ઘણીવાર ભૂલ કર્મચારીની નહીં પરંતુ કંપની તરફથી પણ થતી હોય છે. કંપની દ્વારા નોકરી શરૂ કર્યાની કે નોકરી છોડ્યાની તારીખ ખોટી દાખલ થઈ હોય, તો ક્લેમ અટકી શકે છે. આ માટે કંપનીના HR વિભાગનો સંપર્ક કરવો પડે છે.

7. એક્ઝિટ ડેટ અપડેટ ન હોવી: નોકરી છોડ્યા પછી પણ જો EPFO રૅકોર્ડમાં 'ડેટ ઓફ એક્ઝિટ' નોંધવામાં ન આવી હોય, તો અમુક પ્રકારના ફુલ એન્ડ ફાઇનલ વિડ્રોઅલ શક્ય બનતા નથી. સારી વાત એ છે કે કર્મચારી પોતે EPFO મેમ્બર પોર્ટલમાં લોગિન કરીને પોતાની એક્ઝિટ ડેટ અપડેટ કરી શકે છે.

8. ખોટો ફોર્મ કે કારણ પસંદ કરવું: PF ઉપાડવાના અલગ-અલગ હેતુઓ (જેમ કે એડવાન્સ, બીમારી, બાંધકામ કે ફુલ સેટલમેન્ટ) માટે અલગ-અલગ ફોર્મ અને નિયમો હોય છે. ખોટો ક્લેમ ટાઇપ કે ખોટું કારણ સિલેક્ટ કરવાથી અરજી નામંજૂર થઈ જાય છે.

9. જૂનો ક્લેમ કે ટ્રાન્સફર પેન્ડિંગ હોવું: જો અગાઉ કરેલી કોઈ ક્લેમ અરજી હજુ પેન્ડિંગ હોય અથવા જૂની કંપનીમાંથી નવી કંપનીમાં PF ટ્રાન્સફર પ્રક્રિયા ચાલી રહી હોય, તો નવો ક્લેમ સબમિટ કરવાથી સિસ્ટમ તેને અટકાવી શકે છે.

10. વિડ્રોઅલની પાત્રતા કે શરતો પૂરી ન થવી: દરેક પ્રકારના PF ઉપાડ માટે ચોક્કસ સેવા અવધિ અને નિયમો નક્કી હોય છે. જો તમે તે ચોક્કસ શરતો પૂરી ન કરતા હોવ છતાં ક્લેમ કરો, તો અરજી રદ થઈ જાય છે.

ક્લેમ રિજેક્ટ થાય તો તાત્કાલિક શું કરવું?

  • સીધી નવી અરજી ન કરો: ક્લેમ રિજેક્ટ થતાં જ ઉતાવળે ફરીથી અરજી ન કરવી.
  • રિજેક્શનનું કારણ તપાસો: સૌથી પહેલાં EPFO પોર્ટલ પર લોગિન કરી 'Track Claim Status' માં જઈને અસ્વીકારનું ચોક્કસ કારણ વાંચો.
  • ભૂલ સુધારો: UAN, બૅંક વિગતો, KYC, સ્પેલિંગ કે એક્ઝિટ ડેટમાં જે પણ ખામી હોય તેને સુધારો. જો કંપની સ્તરે ભૂલ હોય તો HR પાસે સુધારો કરાવો.
  • વિગતો સુધર્યા પછી જ નવો ક્લેમ કરો: તમામ વિગતો યોગ્ય રીતે અપડેટ અને વેરિફાઇ થઈ જાય તે પછી જ ફરીથી વિડ્રોઅલ માટે અરજી કરવી, જેથી ક્લેમ ફરી રદ થવાની શક્યતા ન રહે.