World

ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
G7 દેશોએ વૈશ્વિક બજારમાં બળતણના ભાવ નિયંત્રિત કરવા અને પુરવઠો જાળવવા મહત્વનો નિર્ણય લીધો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ, G7 દેશો તેમના ઇમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ અને ડીઝલ બજારમાં છોડવા સંમત થયા છે. યુરોપિયન યુનિયનને ટ્રમ્પની ચીમકી બાદ આ નિર્ણય લેવાયો, જેનાથી વૈશ્વિક ભાવ સ્થિર થવાની આશા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર

Donald Trump and G7 Countries : વિશ્વના અગ્રણી દેશોના સમૂહ G7એ વૈશ્વિક બજારમાં બળતણના સતત વધતા ભાવને અંકુશમાં લેવા અને પુરવઠો જાળવી રાખવા માટે એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. G7 દેશો પોતાના કટોકટીના અનામત ભંડાર (ઇમરજન્સી રિઝર્વ)માંથી આશરે 10 કરોડ (100 મિલિયન) બેરલ ક્રૂડ ઓઇલ અને ડીઝલ બજારમાં છોડવા માટે સંમત થયા છે. આ ઉપરાંત તમામ સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જાની નિકાસ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન લાદવાની ખાતરી પણ આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની યુરોપિયન યુનિયનને ચીમકી

આ વ્યાપક નિર્ણય પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારે રાજકીય અને આર્થિક દબાણ કામ કરી ગયું હોવાનું માનવામાં આવે છે. આગામી નવેમ્બર માસમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પહેલાં અમેરિકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં લાવવા ટ્રમ્પ પ્રશાસન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)ને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેઓ પોતાના ઇમરજન્સી ડીઝલ ભંડારમાંથી પુરવઠો ખુલ્લો નહીં કરે, તો અમેરિકા યુરોપ તરફ થતી ડીઝલની નિકાસ પર સંપૂર્ણ બ્રેક લગાવી દેશે. યુરોપ હાલમાં અમેરિકી ડીઝલ પર વધુ નિર્ભર હોવાથી તેના પર આર્થિક સંકટ ઘેરાવાનો ભય હતો, જેના કારણે અંતે G7 દેશોને નમતું જોખવું પડ્યું હતું.

માર્ચ મહિનાની કટોકટી બાદ બીજી મોટી રિલીઝ

ઉલ્લેખનીય છે કે, ઇરાન સાથેના સંઘર્ષ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ બાદ આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA)ની આગેવાની હેઠળ માર્ચ મહિનામાં 40 કરોડ બેરલ તેલ બહાર પાડવાની ઐતિહાસિક સમજૂતી થઈ હતી. IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલના જણાવ્યા મુજબ, અગાઉની સમજૂતીનો બે-તૃતીયાંશ હિસ્સો રજૂ થઈ ચૂક્યો છે. આ નવા 10 કરોડ બેરલનો જથ્થો IEAના તાલમેલથી બજારમાં મૂકવામાં આવશે, જેથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઝડપી ઘટાડો લાવી શકાય.

વૈશ્વિક તેલ બજાર પર અસરો

G7ના સંયુક્ત નિવેદન બાદ વૈશ્વિક ઇંધણ બજારને મોટી રાહત મળવાની આશા છે. જોકે, આ 10 કરોડ બેરલમાંથી કેટલો જથ્થો અગાઉની માર્ચ સમજૂતીનો બાકી રહેલો ભાગ છે તે અંગે હજુ પૂરી સ્પષ્ટતા થઈ નથી. છતાં, અમેરિકા અને યુરોપ વચ્ચે તેલ પુરવઠા બાબતે સર્જાયેલી ખેંચતાણ હાલ પૂરતી શમી છે અને વૈશ્વિક સ્તરે ભાવ સ્થિર થવાની શક્યતાઓ વધી ગઈ છે.