World

6 વર્ષની બાળકીએ જીદ ન કરી હોત તો ક્રેશ થઈ ગયું હોત વિમાન! ફ્લાયદુબઈ કાંડ મામલે રૂંવાડા ઊભા કરતો ઘટસ્ફોટ

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ(FZ1073)માં ઓમાની કો-પાયલટે ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કરી વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. 35,000 ફૂટની ઊંચાઈએ 6 વર્ષની બાળકીની જીદથી કૉકપિટનો દરવાજો ખુલ્યો. મુસાફરોએ હુમલાખોરને પકડી, કૅપ્ટનને બચાવ્યા. ઈઝરાયલના પ્રમુખે 3 નાગરિકોને 'પ્રેસિડેન્શિયલ ઍવૉર્ડ' આપવાની જાહેરાત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

6 વર્ષની બાળકીએ જીદ ન કરી હોત તો ક્રેશ થઈ ગયું હોત વિમાન! ફ્લાયદુબઈ કાંડ મામલે રૂંવાડા ઊભા કરતો ઘટસ્ફોટ
IMAGE - IANS

Flydubai flight: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ(FZ1073)માં બનેલી ડરામણી ઘટનાના નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. 35,000 ફૂટની ઊંચાઈ પર ઉડી રહેલા આ બોઇંગ વિમાનને ઓમાની કો-પાઇલટે હાઇજેક કરીને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસૂચકતા અને બહાદુરીના કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા હતા.

6 વર્ષની નીનાની જીદ અને કૅપ્ટનનો સંઘર્ષ

આ હુમલા વચ્ચે 6 વર્ષની માસૂમ બાળકી નીના અને તેના માતા-પિતા પણ આ ફ્લાઇટમાં સવાર હતા. ઉડાન દરમિયાન નીનાને ટૉયલેટ જવું હોવાથી તેની માતા તાલી માનેસ તેને કૉકપિટ પાસે લઈ ગઈ હતી. તે જ ક્ષણે કૉકપિટની અંદર ઓમાની કો-પાઇલટ ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી આડેધડ ઘા કરી રહ્યો હતો.

કૉકપિટનો દરવાજો થોડો ખુલ્લો હોવાથી તાલીએ અંદર લોહીથી લથપથ ભયાનક દ્રશ્ય જોયું અને જોર-જોરથી બૂમો પાડવા લાગી કે 'તે પાઇલટને ચાકુ મારી રહ્યો છે, કોઈ મદદ માટે આવો!' તે જ સમયે હુમલાખોરે વિમાનને અચાનક નીચેની તરફ હંકારી મૂકતાં પ્લેનમાં ગભરાટ ફેલાઈ ગયો. આ અચાનક ગોતા ખાતા વિમાનને જોઈને નીના અને તેની બહેન ભયથી ધ્રૂજતી અને આ દરમિયાન તેણે તેના પિતાને કહ્યું કે, 'પપ્પા, અમે મરવા માંગતા નથી!' બાળકોની આ ચીસ સાંભળીને પિતા જ્વિકા માનેસ અને અન્ય મુસાફરો પોતાના જીવની પરવા કર્યા વગર દોડી આવ્યા.

ગંભીર હાલતમાં પણ કૅપ્ટન સ્મિતે ખોલ્યો દરવાજો

હુમલાખોર કો-પાઇલટે ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છર પર અનેક ચાકુના ઘા માર્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને લોહીથી લથપથ ફ્લોર પર પડી ગયા હતા. તેમ છતાં, તેમણે પોતાની હિંમત અને સૂઝબૂઝ ગુમાવી નહીં.

ફ્લોર પર પડેલી હાલતમાં જ કૅપ્ટને હિંમત કરીને કૉકપિટનું ઇમરજન્સી લોક રિલીઝ બટન દબાવી દીધું. દરવાજો ખુલતાંની સાથે જ બહાર ઊભેલા મુસાફરો અંદર કૂદી પડ્યા અને હુમલાખોરને દબોચી લીધો.

મુસાફરોની બહાદુરી અને જીવ બચાવનાર 'હીરો'

કૉકપિટનો દરવાજો ખુલતાં જ મુસાફરોએ અદ્ભુત સાહસ દાખવ્યું. વિમાનમાં સવાર પ્લંબર યાનિવ હયુને પાછળથી હુમલાખોર કો-પાઇલટને પકડીને તેને ખતરનાક 'ચોકહોલ્ડ'માં જકડી લીધો. આ જ દરમિયાન વિમાનમાં ઉપસ્થિત ડેન્ટિસ્ટ આસિફ રજુઆને તુરંત જ આગળ આવીને ગંભીર રીતે ઘાયલ કૅપ્ટન સ્મિત મચ્છરને પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એડ) આપી અને તેમના શરીરમાંથી વહેતા લોહીને રોક્યું.

ઈઝરાયલના પ્રમુખ દ્વારા સન્માનની જાહેરાત

આ દુર્ઘટનાને ટાળીને વિમાનને સુરક્ષિત તેલ અવીવમાં લૅન્ડ કરાવનાર આ બહાદુર નાગરિકોની વીરતાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ સાહસિક કામગીરી બદલ ઈઝરાયલના પ્રમુખ ઇસાક હર્ઝોગે જાહેરાત કરી છે કે તેઓ આ ત્રણેય નાગરિકો—યાનિવ હયુન, જ્વિકા માનેસ, અને આસિફ રજુઆનને દેશના પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્શિયલ અવોર્ડ ફૉર સિવિલિયન હીરોઇઝ્મ'થી સન્માનિત કરશે.