Utility

હવે તમારી જમીનનું પણ બનશે આધાર કાર્ડ! ઓફિસોના ધક્કા ખાધા વગર મળશે લોન: DILRMP 3.0 લોન્ચ

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે DILRMP 3.0 યોજના શરૂ કરી છે, જેના હેઠળ 2026-31 દરમિયાન 565.5 કરોડના બજેટથી દેશની તમામ જમીનનો ડિજિટલ રેકોર્ડ રખાશે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, આનાથી ખેડૂતોને બેંક લોન અને સરકારી કામકાજમાં સરળતા રહેશે. દરેક જમીન પ્લોટને 14 અંકનો યુનિક નંબર મળશે. 75 સબ-રજિસ્ટ્રાર કચેરીઓ આધુનિક બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે તમારી જમીનનું પણ બનશે આધાર કાર્ડ! ઓફિસોના ધક્કા ખાધા વગર મળશે લોન: DILRMP 3.0 લોન્ચ

DILRMP 3.0 Launched: કેન્દ્ર સરકારે દેશના તમામ લોકોની જમીનનો પારદર્શક રેકોર્ડ રાખવા માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે. ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત હવે ગ્રામીણથી લઈને શહેરી વિસ્તારો સુધીની તમામ જમીનોનો ડિજિટલ હિસાબ રાખવામાં આવશે. સરકારે આ યોજનાના ત્રીજા તબક્કા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે.

યોજનાનું બજેટ અને મુખ્ય ઉદ્દેશ્ય

આ યોજના અંતર્ગત વર્ષ 2026-31 દરમિયાન 565.5 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જમીનના તમામ દસ્તાવેજો, નકશા, રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને સંબંધિત આંકડાઓને GIS આધારિત ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને વ્યવસ્થાને સરળ બનાવવાનો છે.

ખેડૂતો માટે યોજનાના લાભ

યોજનાની શરૂઆત પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) દ્વારા જણાવાયું હતું કે, આ પગલું માત્ર વ્યક્તિગત દસ્તાવેજોના ડિજિટાઈઝેશન પૂરતું સીમિત નથી, પરંતુ તે એક સંકલિત લેન્ડ મેનેજમેન્ટ વ્યવસ્થા તરફ દોરી જશે. આ નવી સિસ્ટમ લાગુ થવાથી ખેડૂતોને બેંકોમાંથી સંસ્થાકીય લોન મેળવવામાં ખૂબ સરળતા રહેશે અને સરકારી કચેરીઓના વારંવાર ફેરા મારવામાંથી મુક્તિ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, જમીન માત્ર માટીનો ટુકડો નથી પરંતુ તે ખેડૂતોનું ગૌરવ, પૂર્વજોના આશીર્વાદ અને આવનારી પેઢીઓની સાચી ઓળખ છે.

GIS આધારિત લેન્ડ સ્ટેક

લેન્ડ સ્ટેક એક સંયુક્ત ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જેમાં જિયો-રેફરન્સ્ડ કેડસ્ટ્રલ મેપ, જમીનના હકો, મિલકત નોંધણી અને અદાલતી કેસોની તમામ વિગતો એક જ ઈન્ટરફેસ પર ઉપલબ્ધ બનશે. નવી વ્યવસ્થામાં દરેક રાજ્ય API દ્વારા પોતાના જમીન ડેટાસેટને એકઠા કરીને રાજ્યકક્ષાનું 'લેન્ડ સ્ટેક' બનાવી શકશે, જે આગળ જતાં નેશનલ લેન્ડ સ્ટેકનું માળખું તૈયાર કરશે.

યુનિવર્સલ ભૂ-આધાર વ્યવસ્થા

આ યોજના અંતર્ગત દેશના દરેક જમીન પ્લોટને 14 અંકનો એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે, જેનાથી મિલકતની ચોક્કસ ઓળખ થશે અને જમીન સંબંધિત છેતરપિંડી કે બોગસ વ્યવહારો અટકાવી શકાશે.

રજિસ્ટ્રેશન સેવા કેન્દ્રોનું આધુનિકીકરણ

પાસપોર્ટ સેવા કેન્દ્રોની પદ્ધતિ પર વધુ ભીડવાળી 75 સબ-રજિસ્ટ્રાર કચેરીઓને આધુનિક ડિજિટલ સુવિધાઓ સાથે સજ્જ સેવા કેન્દ્રોમાં ફેરવવામાં આવશે, જેથી નાગરિકોને સરળતાથી સેવાઓ મળી રહે.

જૂના ઐતિહાસિક રેકોર્ડનું સ્કેનિંગ

વારસાગત હકોનું રક્ષણ કરવા અને પૈતૃક જમીનના વિવાદો ઘટાડવા માટે જૂના તમામ નોંધણી દસ્તાવેજોને વ્યવસ્થિત સ્કેન કરીને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખવામાં આવશે.

રજિસ્ટ્રેશન રિપોઝિટરીની રચના

નોંધાયેલા દસ્તાવેજો અને મિલકત પરના દેવાં કે બોજાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે એક ડિજિટલ રિપોઝિટરી ઊભી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી જમીનની માલિકીની સત્યતા તપાસવી અને ભૂતકાળના ખરીદ-વેચાણની હિસ્ટ્રી ચકાસવી સરળ બનશે.

પેપરલેસ રેવન્યુ કોર્ટ વ્યવસ્થા

મહેસૂલી અદાલત કેસ વ્યવસ્થાપન પ્રણાલી (RCCMS) ને આધુનિક બનાવીને સીધી જમીન રેકોર્ડ સાથે લિંક કરવામાં આવશે. આ ફેરફારથી પેન્ડિંગ કેસોની સંખ્યા ઝડપથી ઘટશે અને નોંધણી-નામફેર (મ્યુટેશન) સંબંધિત વિવાદોનો ત્વરિત નિકાલ થશે.

અર્બન લેન્ડ મેપિંગ (નકશા)

'નકશા' (NAKSHA) પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી વિસ્તારોમાં સચોટ અને GIS-આધારિત જમીન સર્વે હાથ ધરીને મિલકતધારકોને અર્બન પ્રોપર્ટી કાર્ડ (UrPro Card) જારી કરવામાં આવશે.