Explainer: 24 ઓગસ્ટથી સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક, લિમિટ પૂરી થઈ હશે તો તરત જ નંબર થશે સસ્પેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Govt Caps SIM Card Limit: ટેલિકોમ સેક્ટરમાં સાયબર ફ્રોડ અને અનધિકૃત કનેક્શન્સ પર લગામ લગાવવા માટે ભારત સરકારે નિયમો મોટા ફેરબદલ કર્યા છે. એક જ વ્યક્તિના નામે જરૂરિયાત કરતા વધુ સિમ કાર્ડ રાખવા અંગેના નિયમોનું હવે અત્યંત કડકાઈથી પાલન કરાવવામાં આવશે. દૂરસંચાર વિભાગ દ્વારા 24 ઓગસ્ટથી તમામ ટેલિકોમ ઓપરેટરોને આદેશ આપવામાં આવ્યો છે કે જે ગ્રાહકો માન્ય મર્યાદા વટાવી ચૂક્યા છે, તેમને કોઈપણ સંજોગોમાં નવું સિમ કાર્ડ આપવાનું બંધ કરવામાં આવે.
DoTનો પરિપત્ર અને ઓપરેટરોને નિર્દેશ
દૂરસંચાર વિભાગ દ્વારા 17 ઓગસ્ટના રોજ એક પરિપત્ર બહાર પાડીને દેશની તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે. આ આદેશ મુજબ, કંપનીઓએ એવી ટેકનિકલ અને ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ તૈયાર કરવી પડશે જેનાથી લિમિટ કરતાં વધુ સિમ લેવાનો પ્રયાસ કરતા ગ્રાહકોની તાત્કાલિક ઓળખ થઈ શકે. જે ગ્રાહકો મહત્તમ મર્યાદાએ પહોંચી ગયા છે, તેમને કંપની દ્વારા સત્તાવાર રીતે જાણ કરવી પડશે કે તેમના નામે વધુ કનેક્શન મળી શકશે નહીં.
એક વ્યક્તિના નામે કેટલા સિમ કાર્ડ હોઈ શકે?
એક નાગરિક પોતાના નામે કેટલા મોબાઇલ કનેક્શન રાખી શકે તેની મર્યાદા કોઈ નવી નથી. DoT દ્વારા એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં જ આ મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જે તમામ ઓપરેટરો અને ટેલિકોમ સર્કલ્સ પર લાગુ થાય છે.
- ભારતના સામાન્ય રાજ્યો: 9 સિમ કાર્ડ પ્રતિ વ્યક્તિ
- જમ્મુ અને કાશ્મીર, અસમ તેમજ પૂર્વોત્તરના રાજ્યો: 6 સિમ કાર્ડ પ્રતિ વ્યક્તિ
હવે પ્રક્રિયામાં શું ફેરફાર થયો છે?
- અત્યાર સુધી નિયમો હોવા છતાં તેનું વેરિફિકેશન એટલું કડક નહોતું. પરંતુ હવે સરકારે આ મર્યાદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે સિસ્ટમ સંપૂર્ણ ડિજિટલ અને પારદર્શક બનાવી દીધી છે.
- હવે ટેલિકોમ કંપનીઓ નવું સિમ ઇશ્યૂ કરતાં પહેલાં ગ્રાહકના નામે હાલમાં કેટલા કનેક્શન ચાલે છે તેની ફરજિયાત તપાસ કરશે.
- નવું કનેક્શન લેતી વખતે ગ્રાહકે કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં પોતાના નામે નોંધાયેલા તમામ સક્રિય મોબાઇલ નંબરોની માહિતી આપવી પડશે. આમાં અન્ય કંપનીઓ કે અન્ય સર્વિસ એરિયામાંથી લીધેલા કનેક્શનનો પણ સમાવેશ થાય છે.
ગ્રાહકોની ઓળખ કેવી રીતે થશે?
ટેલિકોમ કંપનીઓ સરકારી પોર્ટલ 'Digital Intelligence Platform' દ્વારા ગ્રાહકોના રેકોર્ડ્સની ચકાસણી કરશે. આ પ્લેટફોર્મ પર તમામ ટેલિકોમ કંપનીઓનો ડેટા ઉપલબ્ધ રહેશે, જેથી કોઈ વ્યક્તિએ અન્ય કોઈ કંપનીમાંથી સિમ લીધું હોય તો પણ તેની માહિતી સામે આવી જશે.
સમયમર્યાદા
તમામ ટેલિકોમ કંપનીઓને તેમની આખી સિસ્ટમ આ ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સાથે જોડીને સરળ બનાવવા માટે 30 નવેમ્બર સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે.
જો ભૂલથી વધારાનું સિમ કાર્ડ એક્ટિવેટ થઈ જાય તો શું થશે?
જ્યાં સુધી તમામ ટેલિકોમ કંપનીઓ પોતાની ટેકનિકલ સિસ્ટમ સંપૂર્ણપણે અપગ્રેડ ન કરી લે, ત્યાં સુધી સરકારે એક વચગાળાની વ્યવસ્થા ગોઠવી છે. જો કોઈ ગ્રાહકને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ ભૂલથી એક્ટિવેટ થઈ જશે, તો કસ્ટમર એપ્લિકેશન ફોર્મના નિયમો અને શરતો હેઠળ તે કનેક્શનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને જ્યાં સુધી આ સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં સુધી તે કનેક્શન બંધ જ રહેશે.









