Utility

Explainer: સ્માર્ટ સિટી મિશનની હકીકત, 'સ્માર્ટ' કંટ્રોલ રૂમ અને GPS વાહનો હોવા છતાં શહેરોમાં ગંદકી કેમ?

By GS Team
21 Sep 20263 mins read
TukuTouch Logo
ભારતમાં 'સ્માર્ટ સિટી' બનાવવા ₹1.64 લાખ કરોડ ખર્ચાયા છે, જેમાં 66 શહેરો ઘન-કચરા વ્યવસ્થાપન માટે ટૅક્નોલૉજીનો ઉપયોગ કરે છે. 9,194 કચરાવાહક વાહનોમાં RFID અને GPS સિસ્ટમ છે, જેથી કંટ્રોલ રૂમથી તેમનું લાઇવ લોકેશન ટ્રેક થાય છે. 98% શહેરી વૉર્ડમાં ડોર-ટુ-ડોર કચરો એકઠો થાય છે અને 80% કચરા પર પ્રક્રિયા થાય છે. છતાં રસ્તાઓ પર કચરો દેખાય છે, કારણ કે ટૅક્નોલૉજી છૂટાછવાયા કચરાને સંપૂર્ણપણે સાફ કરી શકતી નથી અને અમલીકરણનો અભાવ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: સ્માર્ટ સિટી મિશનની હકીકત, 'સ્માર્ટ' કંટ્રોલ રૂમ અને GPS વાહનો હોવા છતાં શહેરોમાં ગંદકી કેમ?

Smart Cities, Dirty Streets : કમાન્ડ સેન્ટર, હાઇ-ટેક કેમેરા, સેન્સર અને ડેશબોર્ડથી બધું જ ડિજિટલ રીતે ચાલતું હોય એવા 'સ્માર્ટ સિટી'માં રહેવાનું કોને ન ગમે? ભારતે તેના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રૂપિયા 1.64 લાખ કરોડનો તોતિંગ ખર્ચ કર્યો છે. પરંતુ શું આ બધી મોંઘી ટૅક્નોલૉજી ખરેખર કામ કરી રહી છે? એ જાણવાનો સૌથી સરળ રસ્તો આપણા ઘરની બહાર નજર કરવાનો છે. શું સમયસર કચરો એકઠો થાય છે? શું કચરો એકત્ર કરવા માટેના વાહનો ખરેખર તેમના નિર્ધારિત રૂટ પર દોડી રહ્યા છે? શું કચરો અલગ કરવામાં આવી રહ્યો છે? અને કચરો ઘરની બહાર લઈ ગયા પછી શું ખરેખર તેના પર યોગ્ય પ્રોસેસિંગ થાય છે? કચરો દૂર કરવા માટે ઓનલાઇન સિસ્ટમ અને GPS લગાડેલા વાહનો હોવા છતાં આપણા બજારો અને રસ્તાઓ પર હજુ પણ કચરો કેમ દેખાય છે?
ચાલો, દેશમાં આધુનિક વેસ્ટ મેનેજમેન્ટની વાસ્તવિકતા અને પડકારો શું છે એ જાણીએ.

સ્માર્ટ સિટી મિશનમાં ટૅક્નોલૉજીનો ઉપયોગ

સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દેશમાં કુલ 8,000થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવ્યું છે, જેમાંથી મોટાભાગના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ મિશનમાં 66થી વધુ શહેરો ઘન-કચરા(Solid Waste)ના વ્યવસ્થાપન માટે આધુનિક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે.

  • દેશમાં લગભગ 9,194 કચરો એકઠો કરતાં વાહનોમાં RFID અને GPS સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન કંટ્રોલ રૂમમાં બેઠા-બેઠા વાહનોનું લાઇવ લોકેશન ટ્રેક કરી શકે છે.
  • કચરાની ગાડી તમારા વિસ્તારમાં આવી કે નહીં અને નિર્ધારિત રૂટ પર ચાલે છે કે નહીં, તેનો સંપૂર્ણ ડિજિટલ રૅકોર્ડ હવે અધિકારીઓ પાસે ઉપલબ્ધ હોય છે. આ માટે તમામ 100 સ્માર્ટ શહેરોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર (ICCC) કાર્યરત થઈ ગયા છે.

આંકડામાં જબરદસ્ત સુધારો થયો

સરકારી આંકડા પર નજર કરીએ તો કચરો એકઠો કરવાની પ્રક્રિયામાં મોટો સુધારો જોવા મળ્યો છે.

  • તાજેતરના સરકારી સર્વેક્ષણ અનુસાર, શહેરી વિસ્તારોના 98 ટકા વૉર્ડમાં 'ડોર-ટુ-ડોર' કચરો એકઠો કરવાની સુવિધા પહોંચી ગઈ છે.
  • વર્ષ 2014-15માં માત્ર 16 ટકા કચરા પર પ્રોસેસિંગ થતું હતું, જે આજે વધીને અંદાજે 80 ટકા સુધી પહોંચી ગયું છે.
  • આજે દેશભરમાં કચરો ઉપાડતાં વાહનોની સંખ્યા પણ 2.5 લાખને પાર કરી ગઈ છે.

તો પછી સમસ્યા ક્યાં છે, રસ્તા સ્વચ્છ કેમ નથી?

ટૅક્નોલૉજીએ તો બતાવી દીધું કે કચરાની ટ્રક ક્યાં ફરી રહી છે, પણ તેનો અર્થ એ નથી કે શહેર આપોઆપ સ્વચ્છ થઈ ગયું. વાસ્તવિક સમસ્યાઓ નીચે મુજબ છે.

1… ટૅક્નોલૉજીની મર્યાદા: ડેશબોર્ડ એ બતાવી શકે છે કે કચરાની ગાડી ક્યાં છે, પણ તે એ ખાતરીપૂર્વક નથી કહી શકતું કે રસ્તા પર પડેલો કચરાનો એકેએક ટુકડો ઉપાડી લેવાયો છે કે નહીં.

2… છૂટોછવાયો કચરો: કચરાની મોટી ગાડીઓ ઘર-ઘર જઈને કચરો ઉપાડી લે છે. પરંતુ રસ્તા પર ફેંકાયેલી પ્લાસ્ટિકની બોટલો, ફૂટપાથ પરના પાંદડાં અને જાહેર સ્થળો પર વિખેરાયેલા કચરાને સાફ કરવા માટે આખો દિવસ મોટી ગાડીઓ મોકલવી શક્ય નથી હોતી. બજારો અને બસ સ્ટોપ જેવા વધુ ભીડવાળા વિસ્તારોમાં લોકો બેજવાબદારીથી કચરો ફેલાવતા રહે છે, જે શહેરને ગંદુ દેખાડે છે.

3… અમલીકરણનો અભાવ: ઘરેથી કચરો તો લેવાય છે, પરંતુ ઘણી જગ્યાએ ભીનો અને સૂકો કચરો યોગ્ય રીતે અલગ (Segregation) નથી થતો.

યોગ્ય ઉકેલ કેવી રીતે લાવી શકાય?

નિષ્ણાતોના મતે, હવે માત્ર ગાડીઓનું ટ્રેકિંગ પૂરતું નથી. શહેરોને એવા પ્રેક્ટિકલ સાધનોની જરૂર છે જે સફાઈ કામદારોને રસ્તા પર વિખેરાયેલા કચરાને સાફ કરવામાં મદદ કરી શકે. આ માટે જૂની સિસ્ટમ બદલી નાખવાને બદલે તેને પૂરક બને તેવા નાના મશીનોની જરૂર છે. ઉદાહરણ તરીકે, ‘જટાયુ’ નામનું અત્યાધુનિક વેક્યુમ મશીન મુંબઈ, ગુરુગ્રામ અને જયપુર જેવા શહેરોમાં સાંકડી ગલીઓ, ભીડવાળા બજારો અને ફૂટપાથ પરથી કચરો સાફ કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

'સ્માર્ટ સિટી'ની ખરી વ્યાખ્યા સાર્થક થશે?

સ્માર્ટ સિટી માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ચૂક્યું છે. હવે આગામી કસોટી નિયમોનું કડક પાલન કરાવવાની, કચરો અલગ કરવાની અને સંસાધનોની યોગ્ય જાળવણી કરવાની છે. શહેર માટે માત્ર 'કચરાની ટ્રક ક્યાં છે?' તે જાણવું પૂરતું નથી, પરંતુ સામાન્ય નાગરિક શેરીઓમાં સફાઈનો સ્પષ્ટ તફાવત જોઈ શકે ત્યારે જ 'સ્માર્ટ સિટી'ની ખરી વ્યાખ્યા સાર્થક ગણાશે.