Utility

જૂના ઘરેણાં વેચી નવા ખરીદો તો પણ લાગી શકે છે ટેક્સ! પણ આ રીતે બચી શકાય, જાણો નિયમ

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
જૂના સોનાના દાગીના વેચી નવા ઘરેણાં ખરીદવા પર કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગી શકે છે. આવકવેરા કાયદાની કલમ 45(1) મુજબ, માત્ર નવા દાગીના ખરીદવાથી ટેક્સમાંથી રાહત મળતી નથી. સોનું કેપિટલ એસેટ ગણાય છે. 24 મહિના પછી વેચવાથી 12.50% LTCG ટેક્સ લાગે છે, જ્યારે 24 મહિના પહેલા વેચવાથી STCG પર સ્લેબ મુજબ ટેક્સ વસૂલાય છે. કલમ 54F હેઠળ, વેચાણની રકમ નવા મકાનમાં રોકીને LTCG ટેક્સ બચાવી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂના ઘરેણાં વેચી નવા ખરીદો તો પણ લાગી શકે છે ટેક્સ! પણ આ રીતે બચી શકાય, જાણો નિયમ

Gold Jewellery Tax Rules : ઘરમાં પડેલા જૂના સોનાના દાગીના વેચીને નવા દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેપિટલ ગેઇન્સ ટેક્સ(Capital Gains Tax) ચૂકવવો પડી શકે છે. ઘણા ટેક્સપેયર્સ એવું માને છે કે જૂનું સોનું વેચીને મળેલી રકમમાંથી નવું સોનું ખરીદી લેવાથી ટેક્સમાંથી રાહત મળી જાય છે, પરંતુ ઇન્કમ ટેક્સ ઍક્ટની કલમ 45(1) મુજબ માત્ર નવા દાગીના ખરીદવાથી કેપિટલ ગેઇન્સ ટેક્સ ખતમ થતો નથી. નિયમો અનુસાર જૂના દાગીના વેચવા અને નવા દાગીના ખરીદવા, બંને સંપૂર્ણપણે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન માનવામાં આવે છે.

સોનાના દાગીના પર કેમ લાગે છે કેપિટલ ગેઇન્સ ટેક્સ?

ઇન્કમ ટેક્સ ઍક્ટની કલમ 2(14) હેઠળ સોનું, ચાંદી, પ્લેટિનમ કે અન્ય કિંમતી ધાતુઓમાંથી બનેલા દાગીનાને કેપિટલ એસેટ(Capital Asset) ગણવામાં આવે છે. તેને કપડાં કે ફર્નિચર જેવી સામાન્ય વ્યક્તિગત વપરાશની વસ્તુઓની જેમ ટેક્સ મુક્ત રાખવામાં આવ્યા નથી. જોકે, આ ટેક્સ દાગીનાની કુલ વેચાણ કિંમત પર નહીં, પરંતુ તેને વેચવાથી થયેલા ચોખ્ખા નફા એટલે કે કેપિટલ ગેઇન પર જ ગણવામાં આવે છે. જો તમે 2 લાખ રૂપિયાનું સોનું ખરીદ્યું હોય અને પાછળથી તેને 4 લાખ રૂપિયાની કિંમતના નવા દાગીના સાથે એક્સચેન્જ કરો છો, તો થયેલા 2 લાખ રૂપિયાના નફા પર ટેક્સ લાગી શકે છે.

24 મહિનાના નિયમ મુજબ નક્કી થશે ટેક્સનો દર

સોનાના દાગીના ખરીદ્યાના 24 મહિના પછી જો તેને વેચવામાં આવે, તો તેનાથી થતો નફો લોંગ ટર્મ કેપિટલ ગેઇન(LTCG) ગણાય છે. આ નફા પર 12.50%ના દરે ટેક્સ લાગે છે અને તેમાં ઇન્ડેક્સેશનનો લાભ મળતો નથી. જો દાગીના ખરીદ્યાના 24 મહિના પહેલા જ વેચી દેવામાં આવે, તો તે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG) ગણાય છે અને વ્યક્તિના ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે.

Section 54F હેઠળ આ રીતે બચાવી શકો છો LTCG ટેક્સ

જૂનું સોનું વેચવાથી થયેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ટેક્સ બચાવવાનો એક જ કાયદેસરનો રસ્તો છે. ઇન્કમ ટેક્સ ઍક્ટની કલમ 54F હેઠળ, જો તમે સોનું વેચીને મળેલી પૂરેપૂરી રકમ નિર્ધારિત સમયમર્યાદામાં નવું મકાન ખરીદવામાં રોકો છો, તો ટેક્સમાં છૂટ મળી શકે છે. જો પૂરેપૂરી રકમ રોકવામાં ન આવે તો તે જ પ્રમાણમાં ટેક્સમાં છૂટ ઓછી મળે છે. આ છૂટ માટે મહત્ત્વની શરત એ છે કે સોનું વેચતી વખતે તમારી પાસે 1થી વધુ મકાન હોવું જોઈએ નહીં.