Utility

SBIમાં ખાતું હોય તો પૈસા ઉપાડતાં પહેલા ઍલર્ટ થઈ જજો! ATM અને સ્ટેટમેન્ટ જોવાના નિયમો બદલાયા

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
SBI ગ્રાહકો માટે 1 ઑક્ટોબર, 2026થી ATM ઉપાડના નિયમો બદલાશે. સેવિંગ્સ એકાઉન્ટમાં 4 મફત ટ્રાન્ઝેક્શન પછી ₹15+GST લાગશે. સેલરી એકાઉન્ટ ધારકોને અન્ય બેન્કના ATM પર 5 મફત ટ્રાન્ઝેક્શન મળશે, ત્યારબાદ ₹23+GST (નાણાકીય) અને ₹11+GST (બિન-નાણાકીય) ચાર્જ લાગશે. આ ફેરફારો ગ્રાહકોના ખિસ્સા પર સીધો બોજ વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

SBIમાં ખાતું હોય તો પૈસા ઉપાડતાં પહેલા ઍલર્ટ થઈ જજો! ATM અને સ્ટેટમેન્ટ જોવાના નિયમો બદલાયા
IMAGE - IANS

SBI ATM Rule Change From Oct 1: જો તમારું સેવિંગ્સ એકાઉન્ટ કે પછી સેલરી એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બૅન્ક 'સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા' (SBI)માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વના છે. આવતા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 ઑક્ટોબર, 2026થી બૅન્કના કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેનાથી ગ્રાહકોના ખિસ્સા પર સીધો બોજ વધશે. SBIના સેવિંગ્સ એકાઉન્ટ અને સેલરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોએ હવે નિયત મર્યાદા કરતા વધુ વખત કેશ ઉપાડવા પર વધારે ચાર્જ આપવો પડશે. બૅન્કે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર પણ આ અંગેની માહિતી અપડેટ કરી દીધી છે.

4 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ચૂકવવો પડશે આટલો ચાર્જ

SBI તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, બ્રાન્ચ મારફતે ખોલવામાં આવેલા બેસિક સેવિંગ્સ બૅન્ક ડિપોઝિટ(BSBD) એકાઉન્ટ્સ પર આ નવા ચાર્જિસ 1 ઑક્ટોબરથી લાગુ થઈ જશે. નવા નિયમ હેઠળ ગ્રાહકોને દર મહિને 4 વખત મફત નાણાં ઉપાડવાની સુવિધા મળતી રહેશે. પરંતુ આ 4 ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરા થયા બાદ ગ્રાહકે દરેક વધારાના ATM વિથડ્રોઅલ પર ₹15+GST ચાર્જ તરીકે ચૂકવવા પડશે. આ નિયમ ખાસ કરીને એવા ગ્રાહકોને અસર કરશે જેઓ વારંવાર ATMમાંથી નાણાં ઉપાડે છે. પાંચમા ટ્રાન્ઝેક્શનથી લઈને ત્યાર પછીના તમામ ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ લાગુ થઈ જશે.

સેલરી એકાઉન્ટ ધારકો માટે ફ્રી લિમિટ થઈ અડધી

SBI સેલરી એકાઉન્ટ હોલ્ડર્સ માટે માસિક ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડીને સીધી અડધી કરી દેવામાં આવી છે. 1 ઑક્ટોબર, 2026થી સેલરી એકાઉન્ટ ધારકો અન્ય બૅન્કોના ATM અને ઓટોમેટેડ ડિપોઝિટ એન્ડ વિથડ્રોઅલ મશીન (ADWMs) પર ડેબિટ કાર્ડ મારફતે દર મહિને માત્ર 5 ફ્રી ટ્રાન્ઝેક્શન જ કરી શકશે. અત્યાર સુધી આ ફ્રી મર્યાદા 10 ટ્રાન્ઝેક્શનની હતી.

ફાઇનાન્સિયલ અને નોન-ફાઇનાન્સિયલ બંને ટ્રાન્ઝેક્શન ગણાશે

SBIએ સ્પષ્ટ કર્યું છે કે સેલરી એકાઉન્ટ ધારકો માટે જે 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેમાં ફાઇનાન્સિયલ (નાણાં ઉપાડવા) અને નોન-ફાઇનાન્સિયલ (બેલેન્સ ચેક કરવું, મીની સ્ટેટમેન્ટ કાઢવું વગેરે) બંને પ્રકારની સેવાઓનો સમાવેશ થઈ જશે. એટલે કે જો તમે ફક્ત ATMમાં બેલેન્સ ચેક કરશો તો પણ તેને 5 ફ્રી લિમિટમાંથી એક ટ્રાન્ઝેક્શન ગણવામાં આવશે.

મર્યાદા પૂરી થયા બાદ કેટલો ચાર્જ લાગશે?

બૅન્ક દ્વારા નક્કી કરાયેલી ફ્રી લિમિટ પૂર્ણ થયા બાદ જો તમે અન્ય બૅન્કના ATMમાંથી નાણાં ઉપાડશો (છઠ્ઠું ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન), તો દરેક ટ્રાન્ઝેક્શન પર ₹23+GST ચૂકવવો પડશે. જ્યારે 5ની મર્યાદા પછી જો નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન (જેમ કે બેલેન્સ ચેક કરવું) કરશો, તો તેના પર ₹11+GST ચાર્જ ચૂકવવો પડશે.