તહેવારોની ઊજવણી કરતી વેળા પૂરગ્રસ્તો અને બેઘર થયેલાને યાદ રાખવાના છે !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
અડતાલીસ કલાક પછી શ્રાવણ માસ શરૂ થશે. ચાર દિવસ પછી સ્વાતંત્ર્ય દિન ઊજવાશે. બગલાની પાંખ જેવા સફેદ કપડાં પહેરીને નેતાલોગ ધ્વજવંદન કરશે, ઊગતી પેઢીને દેશભક્તિની સૂફિયાણી સલાહ આપશે. ખરેખર તો અત્યારે ઉત્સવ ઊજવવા જેવા દિવસો નથી. દેશની સવા અબજની વસતિમાં આશરે ચાલીસ કરોડ લોકો કુદરતની ક્રૂર રમતનો શિકાર બન્યા છે. નકશામાં નજર કરો તો ટોચ પર જમ્મુ કશ્મીરથી શરૂ કરીને તળિયે કેરળ અને કર્ણાટક સુધી સર્વત્ર ભીષણ પૂર આવ્યાં છે. ચોમાસું નબળું જવાની આગાહી સોએ સો ટકા ખોટી પડી છે અને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મેઘાલય,આસામ… યાદી લંબાવવી નથી. ઠેર ઠેર સાંબેલાધાર વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ અને ભેખડ ધસી પડવાના બનાવો બન્યા છે.
શહેરોમાં વસતા સુખી લોકોને સ્વપ્નેય કલ્પના નહીં આવે એવી કુદરતી આપત્તિમાં કરોડો લોકો અટવાયા- ફસાયા છે. એકલા આસામમાં સરકારી આંકડા મુજબ એકસોથી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. સાચો આંકડો વરુણદેવ જાણે. કેટલા લોકો લાપતા થયા છે એનો કોઇ હિસાબ નથી. લોકમાતા બ્રહ્મપુત્ર દર વર્ષની જેમ ગાંડી થઇ છે અને આપણે આંકી ન શકીએ એટલું બધું નુકસાન થયું છે. લગભગ એવી જ સ્થિતિ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સમગ્ર ઉત્તર ભારતમાં પ્રવર્તી રહી છે. ભારત ઉપરાંત સમગ્ર અગ્નિ એશિયાના દેશોમાં પણ વરસાદે રાડ પડાવી દીધી છે.અખબારો વાંચતાં હો કે ટીવી ન્યૂઝ ચેનલ્સ જોતાં હો તો ખ્યાલ હશે કે ચાર ધામ યાત્રા અટકાવી દેવામાં આવેલી. બદ્રીનાથ કેદારનાથ જવાના માર્ગો ભેખડ ધસી પડવાથી બંધ થઇ ગયેલા. પારાવાર નુકસાન થયું. પોલિટિશ્યનો તો એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી નવરા પડવાના નથી. પૂરગ્રસ્તોની વાત નીકળે ત્યારે મગરના આંસુ સારશે. પછી રાહતના નામે પોતાને કેટલી મલાઇ મળે એમ છે એની મનોમન ગણતરી કરશે. આપણા પૈસે વિમાનમાં બેસીને હવાઇ નિરીક્ષણ કરવા નીકળશે. સાથે ઇલેક્ટ્રોનિક મિડિયાના પત્રકારોને લેવાનું ભૂલશે નહીં. વાસ્તવિકતા એ છે કે નીત નવા આંદોલનો કરતા અને સરકારને ભીડાવવાના પેંતરા રચતા રાજકીય પક્ષો અને નેતાઓને પૂરગ્રસ્ત લોકોની હાલાકીની કશી પરવા નથી. માત્ર ઉત્તર ભારત નહીં, ગુજરાત અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ અને ઊભરાયેલી લોકમાતાઓએ કાળો કેર વર્તાવ્યો. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વસતા લોકો ઓચિંતા પૂરના કારણે ડઘાઇ ગયા. અગાઉ કદી પૂર ન આવ્યા હોય એવા વિસ્તારોમાં પણ ધસમસતા વેગે આવતાં પૂરના પાણી ફરી વળ્યાં.
આ આપત્તિ માટે એકલી કુદરત જવાબદાર નથી. આપણે પોતે પણ એટલા જ જવાબદાર છીએ. વિકાસના નામે આડેધડ જંગલો કપાયાં અને સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ખડાં થયાં. ભારે વરસાદ આવે ત્યારે વધારાનાં પાણીના નિકાલની કે સંગ્રહની સચોટ યોજનાઓ અમલમાં મૂકાઇ નહીં. ગામડાં ભાંગ્યાં. સંયુક્ત કુટુંબો વિખેરાયાં. ખેતરોના સ્થાને ઉદ્યોગો સ્થપાયા. આઝાદી આવ્યાને સાત દાયકા વીતી ગયા. આજે પણ આપણે ત્યાં અણધારી આપત્તિ માટે તાબડતોબ રાહત મળે એવી કોઇ વ્યવસ્થા સ્થપાઇ નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો થાય છે એટલું કામ ખરેખર થતું નથી. ખાઇ બદેલા સનદી અધિકારીઓ પ્રધાનોને ગાંઠતા નથી. સરકારી મદદની વાટ જોઇને બેસી રહેવા કરતાં ઘણા સ્થળે લોકો પોતે એકમેકને સહાય કરતા થઇ જાય છે. આવા વખતે કોઇને કોમ કે ધર્મ યાદ આવતા નથી. સદ્ભાગ્યે ભારતીય લશ્કર પણ ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ છે. કુદરતી આફત ટાણે લશ્કરની ટુકડીઓ તરત દોડી આવે છે અને લોકોની વહારે ચડી જાય છે.
શ્રાવણથી આસો એટલે ઉત્સવના મહિના. આપણે ભારતીય લોકો ઉત્સવઘેલા છીએ. ધામધૂમથી ઊજવણી કરવા ટેવાયેલા છીએ. શ્રાવણમાં કૈલાસવાસી શિવની આરાધના, પછી શિવ-પાર્વતી પુત્ર વિઘ્નહર્તા ગણપતિ બાપ્પા મોર્યા અને છેલ્લે નવદુર્ગાની સાધના તથા દીપોત્સવ… ઉત્સવ જરૂર ઊજવવા જોઇએ. પરંતુ ઊજવણી ટાણે વિનાશકારી પૂરના પગલે બેઘર બનેલા, બેસહારા થયેલા લોકોને યાદ રાખવાના છે. માત્ર ગુજરાત રાજ્યના નહીં, પાડોશના રાજસ્થાન અને અન્ય રાજ્યોના પૂરગ્રસ્તો માટે કંઇક કરી છૂટવાનો સંકલ્પ આજેજ કરવો જોઇએ.









