વિરોધ પક્ષોનો આત્મવિશ્વાસ ડગીમગી રહ્યો છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
એક કરતાં વધુ વિવાદાસ્પદ મુદ્દાઓ વચ્ચે આજથી સંસદનું વર્ષા સત્ર શરૂ થઇ રહ્યું છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને બાંયો ચડાવીને બેઠાં છે. વિપક્ષો કોઇ પણ મુદ્દે સરકારને ભીડાવવા સજ્જ થઇ રહ્યા હતા. જોકે છેલ્લા થોડા દિવસથી કોંગ્રેસના વડા નેતા ગણાતા રાહુલ ગાંધી ઇંગ્લેંડમાં હતા. એમની સામે બેિેહસાબી સંપત્તિ અને બેવડાં નાગરિકત્વના કેસ ઊભા છે. એ વર્ષા સત્રમાં કેવાક ધડાકા કરે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે. કેન્દ્ર સરકાર કેટલાક ખરડા રજૂ કરવા કટિબદ્ધ છે તો વિપક્ષો ગમે તે રીતે વર્ષા સત્ર ખોરવી નાખવા દ્રઢનિશ્ચય છે.
શાસક પક્ષને મૂંઝવે એવા કેટલાક મુદ્દા તાજેતરમાં આપણી સમક્ષ આવ્યા. સૌથી પહેલો મુદ્દો અયોધ્યાના રામ મંદિરમાં અને બદરીનાથ મંદિરમાં થયેલી આર્થિક ગોલમાલનો છે. બીજો મુદ્દો નીટ જેવી પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવા અંગેનો છે અને ત્રીજો મુદ્દો સોનમ વાંગચૂકના બેમુદત ઉપવાસનો છે. સોમવારે પાટનગર નવી દિલ્હીનો જંતર મંતર વિસ્તાર જાણે લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયો હતો. પોતાને વાંગચૂકના ટેકેદાર ગણાવતા સેંકડો લોકો સંસદ ભવન ભણી મોરચો કાઢવા થનગની રહ્યા હતા.
સૌથી રસપ્રદ વાત એ છે કે મોટા ભાગના વિરોધપક્ષોનો પોતાનો જ વિશ્વાસ ડગી ગયો છે. શાસક પક્ષની રમત હોય કે પછી જે તે સભ્યો પોતાની નેતાગીરીથી કંટાળ્યા હોય, લગભગ દરેક મોટા પક્ષના સંખ્યાબંધ સભ્યો પાટલી બદલવા ઉત્સુક જણાયા. રોજ બે ચાર વિકેટ પડતી હતી. બીજા તો ઠીક, પોતાના પગ પર સ્થિર ઊભા રહી શકતા નથી એવા અને હાલના નેતાઓમાં સૌથી વયોવૃદ્ધ એવા, શરદ પવાર પણ શાસક પક્ષ જોડે ઘરઘયણું કરવા તૈયાર હોવાના અણસાર મળ્યા. અજિત પવારના અકાળ અવસાન પછી અજિત પવારનું જૂથ પોતાની સાથે ભળી જશે એવું શરદ પવાર માનતા હતા. પરંતુ એવું ન બન્યું. ઊલટું અજિતના જૂથે સદ્ગત અજિતનાં પત્ની સુનેત્રાને પોતાના નેતા બનાવી દીધા. અજિતના જૂથ પર કાબુ મેળવવાની શરદની મનમુરાદ બર ન આવી.
શરદ પવાર ખૂબ હતાશ થયા પરંતુ થપ્પડ મારીને પોતાનો ગાલ લાલ રાખ્યો. છેલ્લા ત્રણ ચાર દિવસથી એવી વાતો હતી કે શરદ પવાર શાસક એનડીએ સાથે હાથ મિલાવી લેશે. એમને પોતાની પુ્ત્રી સુપ્રિયાના રાજકીય ભાવિની ચિંતા છે. સુપ્રિયાએ પણ સંસદભવન નજીક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને વંદન કરીને ઘણાને ચોંકાવી દીધા.
હકીકત એ છે કે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના શિવસેના જેવા પક્ષોના કાંગરા ખરી રહ્યા છે. વહેલું મોડું આવું થવાનું જ હતું. મમતાએ તો ખોટી મમતમાં અને વધુ પડતા આત્મવિશ્વાસમાં સર્વસ્વ ગુમાવ્યું. ઘણે અંશે એવુંજ અખિલેશ યાદવના સમાજવાદી પક્ષનું કહી શકાય. અખિલેશ પણ આત્મવિશ્વાસના અતિરેકમાં મહાલે છે. શિવસેનામાં આંતરિક અસંતોષ પક્ષપલટાનું મુખ્ય નિમિત્ત બન્યું. વર્ષા સત્રમાં વેરવિખેર વિપક્ષો કેટલી હદે શાસક પક્ષને મૂંઝવી શકે છે એ જોવાનું છે. પાટનગરનાં સૂત્રો માને છે કે મોદી સરકારે પૂરતી પૂર્વતૈયારી કરી રાખી છે. વડા પ્રધાન બહુ બોલતા નથી, ચૂપચાપ પોતાના નિર્ણયોનો અમલ કરીને વિપક્ષોને ચોંકાવી દે છે.
હાલ પૂરતી તેમની નેમ સંસદનાં બંને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતી મેળવી લેવાની છે. એકવાર કેન્દ્ર સરકારને લોકસભા અને રાજ્યસભામાં બે તૃતિયાંશ બહુમતી મળી જાય પછી સરકાર જે આકરાં પગલાં લેવાની છે એની કલ્પનામાત્રથી વિપક્ષો પારેવાની જેમ ફફડે છે.
જો કે સરકાર જે પગલાં લેવા માગે છે એ દેશના અને આપણા સૌના હિતનાં છે. સમાન નાગરિક ધારો, નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર, ઘુસણખોરો સામે કડક પગલાં, આતંકવાદને ડામવાની નીતિ, સમાજ સેવાને નામે વિદેશી ભંડોળ મેળવીને એ નાણાં દ્વારા રાષ્ટ્રવિરોધી કાર્ય કરનારી સંસ્થાઓ સામે સચોટ પગલાં વગેરે બાબતો કેન્દ્રની યાદીમાં છે. આમાંનાં ઘણાં પગલાં વિપક્ષોને આંખમાં કણાની જેમ ખૂંચે છે. એટલે કોઇ પણ રીતે કેન્દ્રને આવાં આકરાં પગલાં લેતાં રોકવા વિપક્ષો ધમપછાડા કરે છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોને જાહેર અપીલ કરી છે કે બંધારણીય રીતે વર્ષા સત્રમાં કામ ચાલવા દેજો. પરંતુ શ્વાનની પૂંછડી વાંકી તે વાંકી. એ સીધી શી રીતે કરવી એ યક્ષપ્રશ્ન છે.









