To The Point

કુદરત જ્યોતિષીઓ કે કાળવાણી ઉચ્ચારનારાઓની મોહતાજ નથી જ

By GS Team
7 Jul 20263 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયા પર કાળવાણી કરતા ‘દોઢડાહ્યા’ની આગાહીઓ ખોટી પડી છે. જૂન મહિનામાં દુષ્કાળની વાતો કરનારાઓ સામે, મુંબઈ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના માંગરોળ, વેરાવળ, કેશોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકાર થયો. કુદરત કોઇની મહોતાજ નથી, એણે પોતાનું ધાર્યું કર્યું. આપણે કુદરતના નિયમોને પડકારવાને બદલે તેની સાથે સુમેળ સાધવો જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

કુદરત જ્યોતિષીઓ કે કાળવાણી ઉચ્ચારનારાઓની મોહતાજ નથી જ

ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
ક્યાં ગયા સોશિયલ મિડિયા પર કાળવાણી જેવી આગાહી કરનારા પેલા દોઢડાહ્યાઓ? છેલ્લા એક દોઢ મહિનાથી સતત એવી આગાહી કરતા હતા કે આ વરસે કાળા જાંબુનો મબલખ પાક ઊતર્યો છે એટલે દુકાળ પડશે, વરસાદ લંબાઇ જશે, ફલાણું થશે. ઢીંકણું થશે…. આવા સંદેશાઓ જોઇને સર્જનહાર મલકતો હશે. આખરે થયું કુદરતનું ધાર્યું. કુદરત કોઇની મહોતાજ નથી. જ્યોતિષીઓ કે કાળવાણી ઉચ્ચારનારા દોઢડાહ્યાઓની તો બિલકુલ મોહતાજ નથી. જૂન મહિનો આખો ખાલી ગયો એટલે આ કહેવાતા મહાજ્ઞાનીઓ દુકાળ-દુકાળ કર્યા કરતા હતા. જેવો મેઘો ત્રાટક્યો કે ચારેકોર જળબંબાકાર થઇ ગયું.
મહાનગર મુંબઇ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં છેક માંગરોળ, વેરાવળ, કેશોદ અને અન્ય સ્થળોએ પાણીની રેલમછેલ થઇ ગઇ. ક્યાંક પૂર આવ્યાં અને ક્યાંક ચાર-પાંચ દિવસના ભારે વરસાદથી સરોવરો છલકાયાં. કુદરત પાસે કાળા માથાના માનવીની શી ઓકાત? કદાચેય દુકાળ પડે તો એ લીલો દુકાળ હશે, સૂકો દુકાળ નહીં. પાણી સંઘરવાની માણસની તાકાત ઝાઝી નથી. દર વરસે અબજો ગેલન પાણી દરિયામાં વહી જાય છે. કુદરત નિયમિત રૂપે પોતાનું કામ કર્યે જાય છે. નિશ્ચિત સમયે રોજ સૂર્યોેદય થાય છે અને નિશ્ચિત સમયે સાંજે સૂર્યાસ્ત થાય છે. ક્યારેય મોડુંવહેલું થતું નથી. પણ માણસ ઘાંઘો થઇ જાય છે. પોતાને ડાહ્યા સમજનારા ગાંડીઘેલી આગાહી કરવા માંડે છે.
અગાઉ પ્રાથમિક સ્કૂલમાં ગુજરાતીના પાઠયપુસ્તકમાં બાળકોને ભણાવાતું કે ભારતીય પરંપરા પ્રમાણે છ ઋતુ છે. આપણે બ્રિટિશ રાજ દરમિયાન ત્રણ મોસમની વાતો કરતા થઇ ગયા. હકીકતમાં આપણી પરંપરા મુજબ છ ઋતુ છે. આજે તો ગુજરાતી ભણાવનારા કેટલાક શિક્ષકોને પણ છ ઋતુ યાદ નહીં હોય. શરૂઆત ક્યાંથી કરીશું? અત્યારે વર્ષા ઋતુ ચાલે છે તો વર્ષોથી શરૂઆત કરીએ.
આ રહી એ છ ઋતુ- વર્ષા, પછી આવશે શરદ ઋતુ (આસોની નવરાત્રિ અને દિવાળી આ ઋતુમાં આવે), ત્યારબાદ હેમંત, શિશિર, વસંત અને છેલ્લે ગ્રીષ્મ. એ જ જૂની ગુજરાતી કિતાબમાં કેટલાક સરસ ટચૂકડા સુભાષિત જેવા દૂહા આવતા- ઋતુએ આવે મોગરા ને ઋતુએ આવે ફૂલ, ઋતુ વિનાનું ચાહિયે એ તો ધૂળે ધૂળ. જોકે આ કવિત આજે કદાચ કામ નહીં લાગે.
આધુનિક ટેકનોલોજી અને ખેતીવાડીમાં સતત થતા પ્રયોગોના પગલે હવે લગભગ બારે માસ મોટા ભાગનાં શાકભાજી અને ફળફળાદિ મળે છે. અલબત્ત, વેપારીઓ માગ પ્રમાણે ભાવ નક્કી કરીને ચીજવસ્તુને મોંઘી કરી નાખે એ જુદી વાત છે.
ભારતીય સંગીતમાં દરેક ઋતુ માટે રાગરાગિણી છે. આખું રાગચક્ર ખૂબ રસપ્રદ છે. ઋતુની માફક ચોવીસે કલાકના રાગરાગિણી છે. દરેક રાગરાગિણીનો વિશિષ્ટ પ્રભાવ છે, વિશિષ્ટ રસનિષ્પત્તિ છે, ગાવા વગાડવાનો ચોક્કસ સમય છે.
આપણે ઋતુચક્રની વાત કરી રહ્યા છીએ. કુદરતના નિયમોને પડકારતો હોય એમ કાળા માથાના માનવીએ આડેધડ જંગલો કાપી નાખીને, બંધ બાંધવા નદીઓનાં વહેણની દિશા બદલી નાખીને કુદરતને પડકારી છે. પર્યાવરણનો ખો કાઢી નાખ્યો છે. દેશના કોઇ પણ પ્રદેશમાં ભાગ્યે જ ચોખ્ખો પ્રાણવાયુ ઉપલબ્ધ છે. જાતજાતના પ્રદૂષણે હવાને દૂષિત કરી નાખી છે. ફળોને પરાણે પકવવા રસાયણોનો ઉપયોગ કરીને ફળોની ગુણવત્તાને જોખમાવી છે. આવાં પરિબળોને કારણે ઋતુચક્ર ખોરવાતું ચાલ્યું છે. ક્યાંક અસહ્ય ગરમી પડે છે તો ક્યાંક હાડ થીજાવી દે એવી ઠંડી પડે છે. વર્ષમાં ગમે ત્યારે કમોસમી ઝાપટાં પડે છે, હિમશીલાઓ ઓગળતી ચાલી છે, કેટલાંક પશુપક્ષી અલોપ થવા માંડયાં છે.
વિકાસ અને પ્રગતિના નામે કુદરતના નિયમોને માણસ અવગણતો થયો છે. પરિણામે ન તો ધાન્ય સત્ત્વશીલ રહ્યું છે ન ફળો કે શાકભાજી આરોગ્યવર્ધક રહ્યાં છે. સરેરાશ આવરદા ઘટી છે. નીત નવા રોગ ફૂટી નીકળે છે. માણસ કુદરત ભણી કદી પાછો વળશે ખરો? આવનારો સમય આ સવાલનો જવાબ આપશે. આપણે કુદરત સાથે સંવાદ સાધીને ન જીવી શકીએ? વિચારજો અને સંમત હો તો એ રીતે રહેણીકરણી અપનાવજો.