To The Point

નાળિયેરી પૂણમા, રક્ષા બંધન, યજ્ઞોપવિત બદલવાનો મહામૂલો ઉત્સવ...!

By GS Team
25 Aug 20263 mins read
TukuTouch Logo
શ્રાવણી પૂનમ એ સમુદ્ર પૂજન, જનોઈ પરિવર્તન અને રક્ષાબંધનનો ત્રિવેણી સંગમ છે. આ દિવસે માછીમારો વરુણદેવની પૂજા કરી નવો વ્યવસાય શરૂ કરે છે. બ્રાહ્મણો નદી-સરોવર કિનારે નવી જનોઈ ધારણ કરે છે. બહેનો ભાઈને રાખડી બાંધી રક્ષણનું વચન લે છે, જે કૌટુંબિક એકતા દર્શાવે છે. આ પવિત્ર પર્વ 28મી ઓગસ્ટે ઉજવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાળિયેરી પૂણમા, રક્ષા બંધન, યજ્ઞોપવિત બદલવાનો મહામૂલો ઉત્સવ...!
  • ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

વર્ષ દરમિયાન આવતા કેટલાક પવિત્રતમ પર્વોમાંનું એક પર્વ એટલે શ્રાવણી પૂનમ. ખરેખર તો આ ઉત્સવનો ત્રિવેણી સંગમ છે. પહેલો ઉત્સવ સમુદ્ર પૂજન, બીજો ઉત્સવ જનોઇ પરિવર્તન અને ત્રીજો ઉત્સવ રક્ષાબંધન. પહેલા ઉત્સવથી વાતનો આરંભ કરીએ. કચ્છી પ્રજામાં એક લોકોક્તિ છે- મે'રામણ (મહેરામણ) માઝા ન મૂકે. મહેરામણ એટલે મહાસાગર. પૃથ્વી પર સાત મહાસાગર છે. વરુણદેવ કે ઝુલેલાલ તરીકે પૂજાતા મહાસાગરનું રૌદ્ર સ્વરૂપ સુનામી વખતે દેખાય. વાલ્મીકિ રામાયણમાં એક રસપ્રદ વર્ણન આવે છે. પવનપુત્ર હનુમાનજીની આગેવાની હેઠળ વાનરોએ માત્ર પાંચ દિવસમાં સાગર પર એકસો યોજન લાંબો રામસેતુ બાંધી નાખ્યો હતો. એક યોજન એટલે આશરે ૧૫થી ૧૬ કિલોમીટર જેટલું અંતર.
શ્રાવણી પૂનમ મહારાષ્ટ્રમાં નારળી પૌર્ણિમા તરીકે ઊજવાય છે. માછીમાર કુટુંબો અને કોળી તરીકે ઓળખાતો સમાજ આ દિવસે વરુણદેવની પૂજા કરીને પોતાના વ્યવસાયનો શુભારંભ કરે છે. ચોમાસાના ચાર માસ જ્યારે મહેરામણ વધતા-ઓછા રૌદ્ર સ્વરૂપે ઊછળતો હોય ત્યારે માછીમારો દરિયામાં ઊતરતા નથી. ચોમાસામાં રજા ભોગવ્યા પછી ફરી દરિયો ખેડવા નીકળે ત્યારે સપરિવાર દરિયાદેવને પ્રાર્થના કરે છે કે અમારા પરિવારના મોભીનું રક્ષણ કરજો. પ્રાર્થના સાથે પોતાના મસ્તક કે અહંકારના પ્રતીક સમું શ્રીફળ ધરાવે છે જેનો એક સંદર્ભ એવો પણ છે કે અમે અમારું મસ્તક તમારા ચરણોમાં ધરી દઇએ છીએ. સાથોસાથ એક પ્રકારની ક્ષમાયાચના છે કે તમારી છાતી પર અમારું સ્વજન નૌકા લઇને નીકળી રહ્યું છે. એની ભૂલચૂક થાય તો માફ કરજો.
આજે સમુદ્ર પૂજનનો મહિમા વધુ છે. આપણને જોઇતી પેટ્રોલિયમ પેદાશો, ગેસ વગેરે સમુદ્રના પેટાળમાંથી મળે છે. અત્યારે ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે દુનિયા આખી ટેન્શનમાં છે. એવા સમયે સમુદ્ર દેવને પ્રાર્થના કરીએ્ કે આ સંઘર્ષનો સવેળા અંત આવે અને માનવજાતને જરૂરી પેટ્રોલિયમ પેદાશો સૌને મળતી થાય. આ તો થઇ દરિયાખેડૂ પ્રજાની વાત.
આપણે સૌ રાખડી બંધન ઊજવીએ છીએ. બહેન ભાઇને રાખડી બાંધીને વણબોલ્યું વચન મેળવે છે કે હું તન મન ધનથી તારી (બહેનની) રક્ષા કરીશ. આ બહાને કૌટુંબિક એકતા અને અખંડિતતાનો મહિમા વધારાય છે. આજે જ્યારે સંયુક્ત પરિવારો વિસર્જિત થઇ રહ્યા છે ત્યારે આવા પ્રસંગો આત્મીયતા વધારવામાં મહત્ત્વનું પ્રદાન કરે છે.
આજે જ્યારે લવ જિહાદ અને ગેંગ રેપની ઘટનાઓ વધી રહી છે ત્યારે રક્ષા બંધનના તહેવારનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. દરેક ભાઇ સતત બહેનના રક્ષણ માટે સજાગ રહે એવું સૂચન રાખડી તરીકે ઓળખાતો આ રેશમનો તાંતણો કરે છે. ઇતિહાસમાં એવી કેટલીય ઘટનાઓ નોંધાયેલી છે જ્યારે માત્ર મોઢાબોલી બહેન માટે ભાઇએ પ્રાણનું બલિદાન આપી દીધું હોય. રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણીએ એવી કેટલીક ઘટનાઓ વાર્તા સ્વરૂપે આલેખી છે.
ઔર એક વાત. આપણે ત્યાં બ્રાહ્મણોની ચોરાસી જ્ઞાાતિ-પેટાજ્ઞાાતિ છે. શ્રાવણી પૂનમે ભૂદેવોની તમામ જ્ઞાાતિના લોકો નદી-સરોવર કે સમદ્ર કાંઠે બેસીને પૂજાવિધિ બાદ નવી જનોઇ ધારણ કરે છે. માત્ર બ્રાહ્મણો નહીં, બીજી કેટલીક જ્ઞાાતિઓમાં પણ કુમારોને યજ્ઞાોપવિત એટલે કે જનોઇ ધારણ કરાવવાની હજારો વરસની પરંપરા છે. યજ્ઞા-હવન કરીને સૂતરની દોરીની બનેલી જનોઇ બાળકને પહેરાવાય છે. એ પછી બાળક દ્વિજ એટલે કે બીજીવાર જન્મેલો ગણાય છે. ખાસ કરીને બાળકને સ્કૂલમાં દાખલ કરાય એ પહેલાં જનોઇ ધારણ કરાવી દેવાની એક પરંપરા હતી. આ જનોઇ એક પ્રકારની મર્યાદા કે લક્ષ્મણ રેખા બની રહેતી. પોતે ગાળગલોચ નહીં કરે, તમાકુ કે બીડી-સિગારેટનાં વ્યસને નહીં ચડે, માત્ર વિદ્યાપ્રાપ્ત કરશે અને પવિત્રતા જાળવશે એવી વણલખી ખાતરી જનોઇ ધારણ કરનારો બાળક આપતો. વર્ષભર પહેરી રાખેલી જનોઇ શ્રાવણી પૂર્ણિમાએ વિધિપૂર્વક બદલવામાં આવે છે અને જૂની જનોઇ વહેતા પાણીમાં વહાવી દેવાય છે. આમ યજ્ઞાોપવિત એક પ્રકારનો સંકલ્પ બની જાય છે. એવું આ વિશિષ્ટ પર્વ ૨૮મી ઓગસ્ટે આપણે સૌ ઉમળકાભેર ઊજવીશું.