જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ-ઓ-શામ ....
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- આપણે ચાલતાં હોઇએ ત્યારે ખાસ કરીને એડી ઊંચી થાય ત્યારે કાફ મસલમાં રહેલું બીજું હૃદય લોહીને ઉપલા હૃદય તરફ ધકેલે છે
કૌન બનેગા કરોડપતિ જેવા કોઇ ક્વીઝ પ્રોગ્રામમાં વિદ્યાર્થીને પૂછવામાં આવે કે માણસના શરીરમાં કેટલાં હૃદય હોય છે ? તો બાળક કદાચ મૂંઝાઇ જાય. આંખો બે છે. કાન બે છે. હાથ બે છે. પગ બે છે. દાંત બત્રીસ છે. પરંતુ હૃદય તો દરેક વ્યક્તિના શરીરમાં એકજ હોય ને. વાસ્તવમાં તબીબી નિષ્ણાતો અને શરીર વિજ્ઞાાનના અભ્યાસીઓ કહે છે કે માણસના શરીરમાં છાતી ઉપરાંત ઔર એક હૃદય છે. આ હૃદય પગના કાફ મસલ (ગોઠણ અને ઘુંટી વચ્ચે આવેલા સ્નાયુ)માં આવેલું છે. ખરેખર વિસ્મયજનક વાત છે પરંતુ દરેક સમજદાર વ્યક્તિએ જાણવા જેવી છે. એ માટે પહેલાં એક આડવાત.
એક ઘટાદાર વૃક્ષ નીચે બેઠેલા ન્યૂટનના માથા પર એક ફળ પડયું અને ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રતિપાદિત કર્યો. આ કિસ્સો સ્કૂલમાં ભણતાં બાળકો પણ જાણે છે. અવકાશયાત્રીઓ જ્યારે અવકાશમાં જાય ત્યારે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડતો નથી. તમે ટીવી ન્યૂઝ ચેનલ્સમાં જોયું હોય તો અવકાશયાત્રીઓ યાનમાં તરતાં હોય એવો આભાસ થાય છે.
આપણે પૃથ્વી પર એવો અનુભવ કરતાં નથી. એનું એક કારણ દરેકના પગમાં આવેલું આ બીજું હૃદય છે. આખીય વાત સમજવા જેવી છે. ખાસ કરીને બેઠાડુ જીવન જીવતાં હોય એવા સિનિયર સિટિઝને આ વાત ખાસ સમજવા જેવી છે. ચલતે રહો સુબહ-ઓ-શામ શબ્દોનો ગૂઢાર્થ સમજવાથી આ વાત સમજાઇ જશે. આપણે ચાલતાં હોઇએ ત્યારે ખાસ કરીને એડી ઊંચી થાય ત્યારે કાફ મસલમાં રહેલું બીજું હૃદય લોહીને ઉપલા હૃદય તરફ ધકેલે છે. કાફ મસલમાં રહેલું હાર્ટ કાર્યરત ન હોય તો પગમાં રહેલું લોહી ઉપલા હૃદય તરફ જઇ શકે નહીં. આ બીજા હાર્ટને સતત કાર્યરત રાખવું અનિવાર્ય છે. ખાસ કરીને જે લોકો બ્લડ પ્રેસર કે ડાયાબિટિસનો ભોગ બન્યા હોય તેમણે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે.
કોઇ પ્રૌઢ કે વયસ્ક વ્યક્તિ સતત બેસી રહેતી હોય તો ધીમે ધીમે એના પગ નિષ્ક્રીય થઇ જાય છે. પછી એને ચાલવામાં તકલીફ પડવા માંડે છે. લાકડી લઇને કે વોકરની મદદથી પણ એ ચાલી શકતા નથી. કારણ કે પગમાં લોહી વહેતું અટકી ગયું હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે કોઇ ડોક્ટર કે વૈદ્ય પાસે જવાની જરૂર નથી. તમે સંધિવા કે અન્ય કોઇ પ્રકારના વાનો શિકાર થયા હો તો પણ ચાલવાનો પ્રયાસ કરો. ધારો કે તમે ચાલવા જતાં અસહ્ય પીડા અનુભવો છો. તો એનો પણ ઉપાય છે.
ખુરસી પર કે પલંગ પર બેસો. બેઠાં બેઠાં પગની એડીઓે ઊંચી-નીચી કરવાનો સરળ વ્યાયામ કરો. સવાર સાંજ દસથી પંદર મિનિટ આ વ્યાયામ કરશો તો તમારા પગમાં લોહીનો પ્રવાહ નિયમિત રહેશે. તમને રાહત રહેશે. ગુરુત્વાકર્ષણના નિયમ સામે માણસને રક્ષણ આપવા માટે કુદરતે આ વ્યવસ્થા કરી છે. આપણે કદી સર્જનહાર કે કુદરતનો આભાર માનતા નથી. ક્યારેક વિચારો કે શરીરને કેવું ચમત્કારી યંત્ર બનાવ્યું છે.
ઉપલા મજલે પાણી ચડાવવા મોટરપંપ બેસાડો તો એ પાંચ સાત વરસ કામ આપે. વચ્ચે વચ્ચે એની સર્વિસ કરાવવી પડે. સર્જનહારે આપેલો હૃદય નામનો પંપ પચાસથી સાઠ વર્ષ કોઇ પ્રકારની સર્વિસ વિના એકધારું કામ કરતું રહે છે. એવુંજ લોહી શુદ્ધ કરતો કિડની નામનો ફિલ્ટર પ્લાન્ટ સતત પચાસ સાઠ વર્ષ સુધી નિયમિત પોતાનું કામ કરે છે.
માણસ ગાઢ ઊંઘમાં હોય ત્યારે પણ હૃદય ધબકતું રહે છે, કિડની કામ કરતી રહે છે. આપણે બેજવાબદાર રીતે રહેણીકરણી રાખીને તથા તેલથી ભરપુર ફરસાણ કે પીઝા-હેમ્બર્ગર-પાસ્તા જેવા ફાસ્ટ ફૂડ ખાઇને શરીરને બગાડીએ છીએ. પછી ડોક્ટરના બિલ ભરીએ છીએ. કુદરત કે સર્જનહારને કદી થેંક્યુ કહેતાં નથી. પગના કાફ મસલમાં આવેલા બીજા હૃદયને સતત કાર્યરત રાખવા ચાલતા રહો. પગને નિયમિત થોડી કસરત કરાવો. તમારા લાભની વાત છે. બોલો, ક્યારથી ચાલવા જવાનું શરૂ કરો છો ?









