To The Point

વડા પ્રધાન બનવાના દીવાસ્વપ્નો જોતા કહેવાતા નેતાજીની બાલિશતા તો જુઓ...

By GS Team
18 Aug 20263 mins read
TukuTouch Logo
સંસદનું 12 દિવસનું ચોમાસુ સત્ર વિરોધ પક્ષોના બેજવાબદાર વર્તનથી વેડફાઈ ગયું, જેમાં 118 કરોડ રૂપિયાનો જાહેર નાણાંનો વ્યય થયો. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ શિક્ષણ અને ગૃહ પ્રધાનના રાજીનામાની માંગણી બદલીને વડાપ્રધાનના રાજીનામાની માંગણી કરી. જાગૃત નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં જઈ આ નેતાઓ પાસેથી વ્યય થયેલા નાણાં વસૂલવાની માંગ કરવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

વડા પ્રધાન બનવાના દીવાસ્વપ્નો જોતા કહેવાતા નેતાજીની બાલિશતા તો જુઓ...
  • ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

૧૫મી ઓગસ્ટ આવી અને ગઇ. ઠેર ઠેર ધ્વજવંદન કરવામાં આવ્યું. વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા અને વંદે માતરમ્ ગીત ગાઇને પોલિટિશ્યનોએ સંતોષનો ઓડકાર ખાઇ લીધો. કોંગ્રેસના વડા મથકમાં તો વંદે માતરમ પણ પૂરું ગાવામાં ન આવ્યું. હવે આપણે સૌએ જાતને એક પ્રશ્ન પૂછવાનો છે- જાગો છો કે ઊંઘો છો ? એક અબજથી વધુ વસતિ ધરાવતા આપણા દેશના મારા તમારા જેવા નાગરિકોએ હવે આંખમાં તેલ આંજીને જાગતાં રહેવાનું છે. સંસદનું માત્ર બાર દિવસનું સોમાસું સત્ર પૂરેપૂરું વેડફાઇ ગયું. વિરોધ પક્ષોના શંભૂમેળાએ અને ખાસ તો કોંગ્રેસના નેતાઓએ શરમજનક અને બેજવાબદારી ભરેલું વર્તન કર્યું. મારા અને તમારા જેવા નાગરિકોના પરસેવાના એકસો અઢાર કરોડ રૂપિયા વેડફાઇ ગયા. બાર દિવસના એકસો અઢાર કરોડ તો એક દિવસના કેટલા, વારુ ? સરેરાશ સાડા નવથી દસ કરોડ ગણી શકાય. કોના બાપની દિવાળી ?
અગાઉ રાજકીય પક્ષો અને તેમનાં ઓળખચિહ્નો જાણીતાં હતાં હવે તો કોક્રોચ, કાનખજૂરા, ઇયળ, કંસારી જેવા પક્ષો ફૂટી નીકળ્યા છે. પહેલાં તેમણે કહ્યું કે પેપર લીક માટે શિક્ષણ પ્રધાન જવાબદાર છે. એમનું રાજીનામું લાવો. શિક્ષણ પ્રધાન જીતેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. કજિયાનું મોં કાળું. નવા શિક્ષણ પ્રધાન નીમ્યા તો કહે, આ નહીં ચાલે. આ માણસ યોગ્ય નથી. કેમ જાણે વિપક્ષો ટોચના કેળવણીકાર હોય અને શિક્ષણ પ્રધાનની લાયકાત નક્કી કરતા હોય ! પછી કહે, કે ગૃહ પ્રધાન રાજીનામું આપે. શાંતિપૂર્ણ આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કેમ કરાવ્યો ? આંદોલનકારીઓ પોલીસ પર પથ્થરો કે બાટલી ફેંકે તો ખાઇ લેવાની, એમ ? પછી કહે કે ના, હવે વડા પ્રધાન રાજીનામું આપે. કાચિંડાની પેઠે થોડી થોડી વારે રંગ બદલતા રહ્યા. કોણ જાણે શી રીતે, કોંગ્રેસીઓ રાહુલ ગાંધીને વડા પ્રધાન બનાવવાના શમણાં સેવે છે. સંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે થોડીક તો મેચ્યોરિટી બતાવે !
સંસદીય કામકાજ ખાતાના પ્રધાન કિરણ રિજિજુએ એક કરતાં વધુ વખત વિનંતિ કરી કે સંસદ ભવનમાં આવો અને વાત કરો. પરંતુ માને કોણ ? સો સો તેરી રામદુહાઇ, એક જ મેરી ઊંહું… જેવું રાહુલ ગાંધીનું વર્તન હતું. મહિલા સશક્તિકરણ ખરડો અટકાવ્યો ત્યારે રિજિજુએ કહ્યું કે કર્ણાટક રાજ્યમાં તમારી સરકાર છે. એક પણ મહિલાને પ્રધાનપદ નથી આપ્યું તો પછી મહિલા સશક્તિકરણની વાત કેવી રીતે કરો છો ? ઝારખંડમાં તમારી સરકાર છે. ત્યાં પણ વિદ્યાર્થીઓનું આંદોલન ચાલે છે અને તમારીજ રાજ્ય સરકારે આંદોલનકારીઓ પર લાઠીઓ અને જળતોપ વરસાવી છે. એનું શું ? કોંગ્રેસી નેતાગીરી પાસે જવાબ નથી. માત્ર હો હા કરવી છે, શાસક પક્ષને ગાળો આપવી છે. ધાંધલ ધમાલ મચાવવી છે. વિદેશી નાણાંના જોરે અરાજકતા સર્જવી છે. પરંતુ સંસદ ભવનમાં જઇને મુદ્દાઓની તર્કબદ્ધ (લોજિકલ) અને કાયદેસરની (લેજિટિમેટ) ચર્ચા નથી કરવી.
અને બીજા નેતાઓ. અરવિંદ કેજરીવાલ હજુ જામીન પર બહાર છે. એની સામે બેહિસાબી નાણાં અને શરાબ કૌભાંડના કેસ ઊભા છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળ ગુમાવ્યાના આઘાતમાંથી હજુ બહાર આવ્યા નથી. ગઇ કાલ સુધી મુસ્લિમોના મસીહા બની બેઠેલા સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ હવે બ્રાહ્મણ મતદારોની પડખે ચડયા છે. બ્રાહ્મણ સંમેલન યોજીને ચૂંટણી જીતવાની ડંફાસો મારી. યેન કેન પ્રકારેણ ઉત્તર પ્રદેશની ૨૦૨૭ની ચૂંટણી જીતવી છે. આમાંના એક પણ નેતા પાસે વાજબી મુદ્દો નથી, પ્રજાનું પીઠબળ હોય તો દેખાતું નથી. હોય એવું લાગતું પણ નથી. ગોલમાલ કરીને ચૂંટણી જીતીને સંસદ સભ્ય બન્ય છે. પણ સંસદની ગરિમા જાળવવી નથી. ગલીના ટપોરી જેવું વર્તન કરવું છે.
છે કોઇ જાગૃત નાગરિક, કોઇ સ્વૈચ્છિક સંસ્થા, કોઇ સામાજિક કાર્યકર જે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી શકે ? દેશની સર્વોચ્ચ અદાલતને કહે કે યોર ઓનર, માત્ર બાર દિવસના ચોમાસું સત્રમાં આ નૌટંકી કરનારા પાસે જવાબ માગો. પરસેવાની કમાણી કરીને કરવેરા ભરતા નાગરિકોના એકસો અઢાર કરોડ આ બેજવાબદાર નેતાઓએ વેડફી નાખ્યા છે, યોર ઓનર ! વેડફાઇ ગયેલા એ ૧૧૮ કરોડ આ નેતાઓ અને પક્ષો પાસે વસૂલ કરો અને સરકારી તિજોરીમાં જમા કરાવો. આવા નેતાઓ દેશનું શું ભલું કરવાના હતા ? થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા !