To The Point
કહેવાતા લોકપ્રતિનિધિ ઇચ્છે ત્યારે કાયદો હાથમાં લઇ શકે કે?
By GS Team
14 Jul 20263 mins read
આજકાલ ભારતીય રાજકારણમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. 40%થી વધુ સાંસદો અને 50%થી વધુ ધારાસભ્યો સામે ગંભીર ગુનાહિત રેકોર્ડ છે. બળાત્કાર, લૂંટફાટ, હત્યા જેવા 50થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. 90% નેતાઓ બેહિસાબી સંપત્તિ ધરાવે છે. ઈન્દિરા ગાંધીની કટોકટી પછી આ વલણ વધ્યું છે. મતદારો જાગે તો જ આ સ્થિતિ સુધરી શકે છે.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info
આજકાલ ભારતીય રાજકારણમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. 40%થી વધુ સાંસદો અને 50%થી વધુ ધારાસભ્યો સામે ગંભીર ગુનાહિત રેકોર્ડ છે. બળાત્કાર, લૂંટફાટ, હત્યા જેવા 50થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. 90% નેતાઓ બેહિસાબી સંપત્તિ ધરાવે છે. ઈન્દિરા ગાંધીની કટોકટી પછી આ વલણ વધ્યું છે. મતદારો જાગે તો જ આ સ્થિતિ સુધરી શકે છે.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info

- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
ભારતીય રાજકારણ અને અંધારી આલમ વચ્ચે હવે જાણે વેફરથીન કે પાપડથીન ભેદરેખા રહી છે. રાજનેતાઓમાં જાણે વણલખી હોડ જામી છે કે પોલીસ ચોપડે કોના અપરાધો વધુ છે. તદ્દન નીચલા પગથિયે ગ્રામ પંચાયતથી માંડીને છેક સંસદ સુધી અપરાધીકરણ વધતું ચાલ્યું છે. ખુદ સરકારી આંકડા મુજબ ચાલીસ ટકાથી વધુ સંસદસભ્યો અને પચાસ ટકાથી વધુ ધારાસભ્યો સામે ગંભીર ક્રિમીનલ રેકોર્ડ બોલે છે. ઘણા નેતાજીઓ સામે બળાત્કાર, લૂંટફાટ, દંગાખોરી, ભ્રષ્ટાચાર, ઠંડે કલેજે હત્યા વગેરે બાબતોના ચાલીસ ચાલીસ કે પચાસથી વધુ અપરાધો પોલીસ ચોપડે નોંધાયેલા હોય છે. બેહિસાબી સંપત્તિ તો ૯૦ ટકા નેતાજીઓના નામે બોલે છે. સદાચાર, નીતિમત્તા, મતદારોની સેવા વગેરે શબ્દો હવે વાણીવિલાસ બની ગયા છે.
ક્યારથી શરૂ થયું રાજકારણને કાટ લાગવાનું? કદાચ ઇંદિરા ગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટી પછી રાજનેતાઓ બિનધાસ્ત થઇ ગયા. ક્યારેક તો આપણને ઊંડો આઘાત લાગે એવું બને છે. એક દાખલો યાદ આવે છે. ૧૯૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં કેન્દ્રમાં વી.પી. સિંઘ કે ચંદ્રશેખરની સરકાર હતી ત્યારની વાત છે. હરિયાણાના દેવીલાલ નાયબ વડાપ્રધાન હતા.
એકવાર દેવીલાલ જાહેરમાં એક સ્થળે લઘુશંકા કરતા હતા. એમના કમનસીબે કોઇ પ્રેસ ફોટોગ્રાફર ત્યાંથી બાઇક પર પસાર થતો હતો. એ આવી તક ચૂકે ખરો? પોતાને કોઇ જોતું નથી એવા ભ્રમમાં દેવીલાલ ધોતિયું ઊંચું કરીને નિરાંતે હળવા થઇ રહ્યા હતા એ તસવીર પેલાએ ઝડપી લીધી. એક માતબર અંગ્રેજી અખબારે એ તસવીર પહેલે પાને છાપી. દેવીલાલ ક્રોધથી રાતાપીળા થઇ ગયા અને પોતે નાયબ વડાપ્રધાન છે એ ભૂલીને પેલા અખબારના તંત્રીને મા-બહેનની ગાળો આપી.
હવે જો દેશનો નાયબ વડાપ્રધાન આવું વર્તન જાહેરમાં કરી શકતો હોય તો રમેશ મ્હાત્રે જેવા અદના કોર્પોરેટર ડૉક્ટરો પર હાથ ઉપાડે એમાં કશી નવાઇ ખરી ? હા, એક વાતની નવાઇ ખરી કે આવા નેતાને મતદારો કોર્પોરેટર બનાવે છે. ઉત્તર પ્રદેશમાં મુલાયમ અને અખિલેશ યાદવના માનીતા આઝમ ખાને એકવાર એક પોલીસ વડાને પોતાના કાર્યાલય કે નિવાસસ્થાનની બહાર બે કલાક ઊભા રહેવાની સજા કરેલી, બોલો ! જાહેરમાં અયોગ્ય વર્તન કરે પછી પગ નીચે રેલો આવે ત્યારે માંદગીનું નાટક કરીને હાસ્પિટલમાં પહોંચી જાય. સદ્ભાગ્યે મ્હાત્રેના કિસ્સામાં એની હૉસ્પિટલમાં પડયા પાથર્યા રહેવાની મનમુરાદ બર આવી નથી.
તાજેતરમાં બસો વર્ષના થયેલા એક ગુજરાતી અખબારે દાયકાઓ પહેલાં એક સ્પર્ધા યોજેલી. એમાં ટોચના શાયર શૂન્ય પાલનપુરીએ ગઝલના છંદમાં એક પંક્તિ આપેલી- 'અમારા ચૂંટેલા જ અમને નડે છે!' આ પંક્તિની પાદપૂર્તિ કરીને ચાર પંક્તિની એક રૂબાઇ જેવું સર્જવાનું હતું. આ પંક્તિ આજે પણ એટલીજ સુસંગત છે.
ક્યારેક એક હિંસક વિચાર આવે છે. હિન્દી ફિલ્મોમાં પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં નાગરિકોની મેદની વિલનની પીટાઇ કરે છે. એવું વાસ્તવમાં ન બની શકે ? પોતાને લોકપ્રતિનિધિ ગણાવતો નેતા (પછી કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ જે હોય તે) ભાન ભૂલીને કાયદો પોતાના હાથમાં લઇ લે અને પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા કાયદેસર રીતે બંધાયેલી પોલીસ ફરિયાદ ન લે તો નાગરિકો કેમ કાયદો હાથમાં ન લે? કદાચ કોઇ એવી દલીલ પણ કરે કે સમાજનાં બધાં ક્ષેત્રોમાં અત્યારે ગરબડ ગોટાળા ચાલે છે, તો એ માટે પણ જવાબદારી આપણા સૌની છે.
હકીકત એ છે કે રાજકારણ અને ગુનાખોરી વચ્ચે હવે જરાય તફાવત રહ્યો નથી. દુનિયાની સૌથી મોટી કહેવાતી આપણી લોકશાહી હવે ગંદી ગટર જેવી બની ગઇ છે. અને હા, અગાઉ કહ્યું એમ એ માટે આપણે પોતે પણ મોટે ભાગે જવાબદાર છીએ. મતદારો જાગે તો જ કંઇક સુધારો શક્ય છે. બાકી રઘુપતિ રાઘવ રાજારામ…









