આકાશે અછતનો ઘેરાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં અછતનાં વાદળો ઘેરાઈ ગયા છે. ચોમાસુ ઝાંખુ પડી ગયું છે. ગુજરાતના ખેડૂતો ઘડીક આકાશ સામે ને ઘડીક સરકાર સામે જુએ છે. રાજ્યની કૃષિ અને કૃષિક્ષેત્રની સ્થિતિ અંગે સરકાર ઉદાસીન છે. આવા સમયે પ્રજાને ત્રણ ત્રણ ઉપરા-ઉપરી દુષ્કાળ પાર કરનારા તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીની યાદ આવે. ગુજરાત સરકાર અછત કે અર્ધ અછત જેવા શબ્દો ઉચ્ચારતાં અત્યારે ડરે છે. એ ડર નથી પણ ચાલાકી છે. ખેડૂતો માટે રાહત પેકેજ ન ફાળવવાના રસ્તા શોધવા આસાન છે પણ આભના ઓઢણ ને પૃથ્વીના પાથરણ ભરોસે જિંદગી પસાર કરતા નાના લાખો ખાતેદારોની ભીની આંખની લિપિ વાંચવી અઘરી છે. એ માટે પ્રજાવત્સલ રાજનેતાઓની જરૂર પડે જેની ઘોર કટોકટી છે. આપણા દેશમાં કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ પાંચ ટકાથી વધુ નથી. એનો અર્થ એ નથી કે બાકીના અભણ છે.
બધાને વાંચતા લખતા આવડે છે પણ વાંચવુ નથી. એને કારણે સંશોધન વૃત્તિ વિકસતી નથી. જેમનામા સંશોધન વૃત્તિ ન હોય તેઓ બહુ દૂરના ભવિષ્યને તાગી શકતા નથી. ખેતી તો દરિયા જેવો વિષય છે અને એના અનેક ડાયમેન્શન છે. સફરજન ખાવું ને એનો આસ્વાદ લેવો એ એક વાત છે અને સફરજનમા રહેલા વિટામીન વગેરે તત્ત્વોને જાણવા એ બીજી વાત છે. મંદીનાં જુદાં જુદાં આવર્તનો અને પ્રવર્તનોમાં હવે ભારતીય રૂરલ માર્કેટનો સમાવેશ થઈ ગયો છે. સરકારે જીએસટીમાં જે હર્ષવર્ધક સુધારાઓ કર્યા તેનો મુખ્ય હેતુ ડિમાન્ડને જીવંત કરવાનો છે. ગત આકરાં સર્વેક્ષણો બતાવે છે કે ભારતીય ગ્રામીણ બજારોમાં ઉત્પાદનો અને માલની ખપત છેલ્લાં સાત વરસના તળિયે પહોંચી છે.
વળી, એનું કારણ માત્ર સંયોગો નથી. કિસાન આંદોલનનું કારણ માત્ર કૃષિ કાયદાઓ નથી, ખેડૂતો દુઃખી છે અને હવે વધુ દુઃખી થવા ચાહતા નથી એ પણ છે. છેલ્લાં ત્રણ વરસથી દેશના કૃષિ ક્ષેત્રમાં સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો અનેક ઉપજમાં બજારભાવ કરતા નીચા રહ્યા છે. એટલે કે સરકારે ટેકાના ભાવે ખેડૂતોના ઉત્પાદનોની લેવાલી કરવી જ ન પડે એવી ચાલાકી પણ પ્રયોજી છે. દેશમાં એનો પડઘો પડી ચૂક્યો છે ને હજુ રાજ્યો તથા સ્થાનિક ચૂંટણીઓમાં એનો પડઘો પડશે.
મહારાષ્ટ્રના વિદર્ભના ખેડૂતોએ આ અંગે મોટું આંદોલન ઉપાડયું હતું, પરંતુ એનું કોઈ વિશેષ પરિણામ આવ્યું ન હતું. આપણા દેશના તમામ કૃષિ આંદોલનોનું ભવિષ્ય એ જ હોય છે કે એના પરિણામમાં કોઈ ફલશ્રુતિ કૃષિ ક્ષેત્રને પ્રાપ્ત થતી નથી. વિદર્ભના ખેડૂતોને પણ માત્ર આશ્વાસન જ મળ્યું હતું. અગાઉ દિલ્હીમાં ચાલેલા કિસાન આંદોલનમાં પણ સરકારે દરેક વાટાઘાટોમાં માત્ર વ્યર્થ આશ્વાસનોની જ છુટ્ટે હાથે લ્હાણી કરી હતી જે હવે ચાલે એમ નથી. તો પણ મહારાષ્ટ્રના ખેડૂતો દેશના અન્ય કિસાનોની તુલનામાં ઘણાં એડવાન્સ છે. એનું એક કારણ એ છે કે પોતાની રાજકીય કારકિર્દીમાં ભલે બહુ સફળ ન નીવડયા અને મિડલ તથા અપર મિડલ લેવલ સુધી ચમકતા રહેલા શરદ પવારે પોતાના રાજ્યના ખેડૂતોનું ખરા દિલથી હિત કરેલું છે. એ વાત જુદી છે કે આજે મરાઠી ખેડૂતો શરદ પવારથી પણ વિમુખ થઈ ગયા છે.
ભારતીય ગ્રામ સમાજમાં રૂપિયો ફરતો અટકી ગયો છે તેનું મહત્ત્વનું કારણ એ જ છે કે ખેડૂતો દેવામાફીની પ્રતીક્ષામાં ન તો જૂના દેવા ક્લિયર કરી શક્યા છે અને એને કારણે મધ્યસ્થ અને અન્ય સહકારી બેંકો એને નવી બાકી ઉપાડવા દેતા નથી. ખેડૂતોને વખતોવખત નાણાંકીય સહાય કરવા માટેની સહકારી ધિરાણ મંડળીઓ સક્રિય રહી છે. પરંતુ એટલો ઉપાડ તો ઋતુ પ્રમાણેના પાક લેવામાં જ વપરાઈ જાય છે. એટલે કે દરેક ફસલ લેવામાં રોકાણ થઈ જાય છે, જેથી એ રૂપિયો બજારમાં ફરતો દેખાતો નથી. બીજું કારણ એ છે કે મંદીના સમયમાં ભારતીય ગ્રામ સમાજે તેની જરૂરિયાતો બહુ જ મર્યાદિત કરી છે. એક તો ગામડાઓ જ ખાલી થઈ રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે ગ્રામસમાજનું આર્થિક ચિત્ર અને ગ્રામીણ અર્થતંત્ર નવા પતનને પ્રાપ્ત કરી ચૂક્યું છે.
રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસે ભારતીય ગ્રામીણ અર્થતંત્ર માટેની એકપણ એવી યોજના નથી જે વિવિધ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ દ્વારા પાયાના ધબકારને પુનઃ ચેતનવંતો કરી શકે. મોદી સરકાર તેની ત્રીજી ઈનિંગ્સમાં મનરેગાના ચૂકવણીનાં ધોરણો કંઈક ઊંચાં કરશે અને રોજગારીના દિવસો પણ વધારશે એવી ગણતરી હતી, પરંતુ હજુ સુધી એનો અમલ થયો નથી. એટલે કે ગ્રામ વિસ્તારમાં ખેતમજૂરો માટે જે બેકારીનું ચિત્ર છે એમાં આજની મોંઘવારીમાં મનરેગા કોઈ પ્રાણસંચાર કરી શકે તેમ નથી.




