Tantri Lekh

પરિવર્તનના અઘોર નગારા

By GS Team
21 Aug 20264 mins read
TukuTouch Logo
આગામી 10 વર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઈ જશે. AI અને ટેકનોલોજીના કારણે અસંખ્ય નોકરીઓ લુપ્ત થશે. ભારત પણ આ ત્રિભેટે ઊભું છે, જ્યાં તેને પુરાતન મૂલ્યો કે ભવિષ્ય તરફ વાઘ છલાંગ લગાવવી પડશે. સુપ્રીમ કોર્ટે કાયદાની બંધારણીયતા તપાસવાનું કાર્ય પોતાનું ન હોવાનું જણાવી સંસદને ટકોર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરિવર્તનના અઘોર નગારા

ચાર-પાંચ વરસમાં આખી દુનિયા બદલાઈ જવાની છે. અત્યારે બદલાઈ જ ગઈ છે પણ એ ન સમજી શકતા લોકો જિંદગીમાં ગોથા ખાઈ રહ્યા છે. બધા પરિવર્તનો તબક્કાવાર નથી હોતા. કેટલાક આંચકા સાથે પણ આવે છે. કોરોના એક વાયરસ હતો પણ એની પ્રચંડ વ્યાપ્તિથી લાગેલો આંચકો અનેક ફેરફારની નવી નોબત હતી. હવે એ આઈ પ્રદીપ્ત જ્વાળા છે એમાં અસંખ્ય જોબ લુપ્ત થવા લાગી છે. ઘણી વાર સાવ સીધી સાદી વાત સમજતા આપણને દાયકાઓ લાગે છે. કોરોના સામે લડવાના નિયમો સાવ સાદા હતા પણ એ સમજવામાં કે ગળે ઉતારવામાં માણસજાત ભયંકર ગોથા ખાતી હતી. અત્યારે પરિવર્તન ન સમજવાના સહુ પાસે પોતપોતાના કારણો છે. પણ એનો કોઈ અર્થ નથી. જગત આખું શિસ્તની નવી સંહિતા પર આવી પહોંચ્યું છે. દુનિયાભરનાં દેશોમાં અત્યારે નવી સન્ક્રાન્તિ ચાલે છે. આ કંઈ બહુ લાંબો સમય ચાલવાની નથી. આવનારા દસ જ વર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઈ જશે. એક ભાગમાં માત્ર પુરાતન મૂલ્યોને પકડીને બેઠેલી પછાત પ્રજાઓથી દુઃખી થતા દેશો હશે અને બીજા ભાગમાં માત્ર ડેટા, ટેકનોલોજી અને સંશોધનો પર આધારિત પ્રકૃતિપ્રિય પ્રજા હશે.
આ બે ભાગમાંથી કયા દેશે કઈ દિશામાં જવું તે તેના સત્તાધારીઓને બદલે તેમની પ્રજા જ નક્કી કરશે. ભારત પણ થોડા સમયમાં એવા ત્રિભેટે આવીને ઊભો રહેશે કે તેણે પણ નક્કી કરવાનું રહેશે કે બે ભાગમાં વહેચાઈ જનારી દુનિયામાં એ કેટલી હદ સુધી પુરાતન રહેવા ચાહે છે અને કઈ રીતે એ ભવિષ્ય તરફ વાઘ છલાંગ લગાવી શકે છે કે નહીં ? ફિનલેન્ડ, કોસ્ટારિકા અને બીજા કેટલાક નાના દેશો આજે એટલી ઊંચાઈ પર પહોંચી ગયા છે કે બ્રિટન અને અમેરિકાએ એની નકલ કરવી પડે છે. જે રીતે જર્મનીએ મિકેનિકલ એન્જિનિયરિંગમાં વિશ્વભર પર પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો અને સોફટવેરમાં જે રીતેે સિલિકોન વેલીએ અમેરિકનોને વિશ્વની મહાન ઈન્ફોટેક સત્તા તરીકે સ્થાપી આપ્યા અને જે રીતે ચીની પ્રજાએ પોતાના દેશને કોમર્સ કિંગ બનાવ્યો તે રીતે હવેના યુગમાં કુદરતી સંસાધનોની બાબતોમાં જે દેશ સર્વોચ્ચ સ્થાને હશે તેનું જ પ્રભુત્વ વિશ્વભરમાં સ્થપાશે. ડેટા બહુ મોટો શબ્દ છે અને ડેટા એનાલિસિસ એના કરતા પણ મોટો શબ્દ છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી જ્ઞાાતિ, જાતિ અને ધર્મના એનાલિસિસ ચાલે છે. જયારે દુનિયામાં વિકાસના એન્જિન તરીકે જરૂરી એવી નોલેજ બેંક અને ઈન્ફોબેંકનાં એનાલિસિસ ચાલે છે.
સફરમાં આપણે થોડા પાછળ રહી જ ગયા છીએ, પરંતુ હમણાથી ચાલુ થયેલાં રાષ્ટ્રીય વિવાદોએ આપણે બહુ વધારે પાછળ રહી જઈએ એવી સંભાવનાઓ તરફ સંકેત કરેલો છે. સર્વોચ્ચ અદાલતે એમ કહ્યું કે કોઈ પણ કાયદો બંધારણીય છે એ કહેવાનું કામ અમારું નથી. આ અદાલતનો બુનિયાદી અને મૌલિક વિચાર ભારતીય લોકશાહીના પાયામાં આજકાલ જે લુણો લાગ્યો છે તેનું કરેકશન કરવા માટે અને પાયાને નવેસરથી મજબૂત કરવા માટે છે. સર્વોચ્ચ અદાલતની ટકોર એ તરફ છે કે સંસદમાં બહુમતીથી જે કંઈ ખરડાઓ પસાર થાય અને રાષ્ટ્રપતિ સહી પણ કરી દે તો પણ એને બંધારણીય કહેવાનું દુઃસાહસ સર્વોચ્ચ અદાલત કરવા ચાહતી નથી. પરંતુ કોઈ પણ નવા કાયદાની બુનિયાદને અદાલત તપાસી શકે છે. એટલું જ નહીં પણ એમાં અયોગ્યતા લાગે તો એ કાયદાને, યોગ્ય પ્રક્રિેયામાંથી પસાર થયો હોવા છતાં, ઉખાડીને ફેંકી શકે છે. સર્વોચ્ચ અદાલતે આવું કહેવું પડયું એ સ્થિતિ જ દર્શાવે છે કે આ દેશમાં કોઈ પણ સારા હેતુ ધરાવતા કાયદાઓ પણ ઈમ્પોઝ કરી શકાય નહીં કારણ કે સ્વસ્થ લોકશાહીમાં ઈમ્પોઝ કરેલા કાયદાઓ હોતા નથી, લોક ચેતનાને આસાનીથી ગળે ઉતરે એવા નિઃશંક, પારદર્ર્શક અને એકસંપીય રાષ્ટ્રહિત ધરાવતા કાયદાઓ જ માન્ય ઠરી શકે છે.
ભારત એક વિરાટ દેશ તો છે જ પરંતુ ભારતનાં અંતઃકરણમાં એના આત્માસ્વરૂપે જે તત્ત્વ બિરાજે છે તેમાં સર્વના સન્માનની એક અદ્વિતીય પરિભાષા છુપાયેલી છે. કોઈ પણ કાયદાઓ ભારતના આત્માની એ પરિભાષાને છંછેડે નહીં તે જયારે કોઈ જ જોવાવાળુ ન હોય ત્યારે સર્વોચ્ચ અદાલત પરોક્ષ રીતે સ્વીકારે છે કે, અમે એ જોઈશું. આ ભારતીય ન્યાય પ્રણાલિકાનો એક શુભ સુયોગ છે. દેશમાં અત્યારે જેમ સૂર્ય અંતરિક્ષમાં, પૃથ્વીના સંદર્ભમાં, પોતાનાં પરિભ્રમણનો માર્ગ બદલે છે એ રીતે ભારતીય પ્રજાનાં માનસમાં પણ દેશનાં ભવિષ્ય અંગેની સન્ક્રાન્તિનો કાળ શરૂ થયેલો છે. જે રીતેે ભૂગોળ કે ખગોળ એક નિશ્ચિત અયનવૃત્ત પર ગતિ બતાવે છે તે રીતે પ્રજામાનસ વર્તન કરતું નથી, પરંતુ પ્રજા વર્તમાન સર્વઘટનાક્રમોનાં પ્રત્યાઘાત અને પ્રતિવર્તન સ્વરૂપે જે વિચારધારા આત્મસાત્ કરે છે, તેના પરથી સમગ્ર દેશનો ભાવિ પથ નિશ્ચિત થાય છે. શાસકોની સફળતા અને નિષ્ફળતા કયારેક મહત્ત્વની હોય છે અને તેઓ એને વધારે પડતું મહત્ત્વ આપે છે. પરંતુ ઈતિહાસ એ વાતની સાક્ષી આપે છે કે નિષ્ફળ જનારા અનેક શાસકોએ પોતાનાં દેશને સાચા રસ્તે પાટે ચડાવેલો છે અને પોતાની સફળતાનો દુરાગ્રહ રાખનારા અનેક શાસકોએ પોતાના જ દેશને ઘોર પતનના માર્ગે ધકેલેલા છે. જયાં રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતાની વાત આવે છે ત્યાં વિવિધ રાજકીય પક્ષોની આંતરિક હાર-જીત ગૌણ થઈ જવી જોઈએ.