Editorial

નવી પેઢી-નવી પસંદ .

By GS Team
12 Oct 20184 mins read
This article was originally published on 12 Oct 2018

જે રીતે ભારતની યુવા પેઢીની પસંદગીઓ બદલાઈ રહી છે અને જે રીતે એનો સિલેકશનનો વ્યાપ વધતો જાય છે એને ધ્યાનમાં રાખીને હવે બજાર બદલાઈ રહી છે અને સંખ્યાબંધ નવા ઉત્પાદનો બજારમાં પ્રસ્તુત થઇ રહ્યા છે. કેટલાક જૂના ઉત્પાદનો અને પરંપરાઓ બજારમાંથી ખસી રહ્યા છે જે કંપનીઓ મંદીની બૂમો પાડી રહી છે, વાસ્તવમાં તેમના માલે હવે સમય સાથેની ફિટનેસ ગુમાવી છે.

બજારમાં મંદી છે એની ના નથી પણ બૂમો પાડનારાઓમાં એક વર્ગ એવો છે જેની પ્રોડક્ટને નવી પેઢી હવે રિજેક્ટ કરી રહી છે. નવી પેઢીના યુવક-યુવતીઓ એમની સિંગલ તરીકેની લાઈફમાં અને પ્રભુતામાં પગલા પાડયા પછીના ગૃહસ્થ જીવનમાં જે ચીજવસ્તુઓને પસંદ કરી રહ્યા છે તે અલગ જ દુનિયા છે અને એ નવા ટ્રેન્ડને જેઓ પારખે છે તેઓ નવા ઉત્પાદનોની વિશાળ શૃંખલાઓ લઇને બજારમાં આવી રહ્યા છે, જેમાંના કેટલાક નવા ઉત્પાદકો તો કરોડોનું ટર્ન ઓવર કરતા આંતરપ્રિનિયોર છે. વ્યાપારિક બુદ્ધિમત્તા ધરાવતા ગુજરાતી સાહસિકોનો મોટો વર્ગ આ પ્રકારના અભિનવ ઉત્પાદનોમાં સક્રિય થયો છે જેનો માલ દેશભરની વિવિધ માર્કેટમાં હવે દેખાવા લાગ્યો છે.

આ નવી વિકસી રહેલી બાઝારમાં મચ્છર પ્રતિરોધક એટલે કે મોસ્કુટો રિપેલેન્ટ છે, દસ કે તેથી ઓછી વય ધરાવતા બાળકો માટે ફ્લોરાઈ મુક્ત ટૂથપેસ્ટ છે, બાળકો માટે ટમી રોલ ઓન છે વગેરે ! આ નવી પેઢીના ઉપભોક્તાઓનો બૃહદ સમુદાય હવે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સર્વોત્તમ અને પ્રાકૃતિક ઉત્પાદનોનો વિકલ્પ શોધે છે.

યુવાનો હવે પોતાની ઊંચાઈ વધુ બતાવવા હિલવાળા શુઝ પસંદ કરવા લાગ્યા છે. અત્યાર સુધી યુવતીઓ માટે જ હિલની ફેશન હતી. જે હજુ પણ છે, પરંતુ હવે યુવાનો હિલવાળા શુઝ પસંદ કરે છે એ જો તમે ન જાણતા હો તો તમે હવે ખુદ ઇતિહાસનું એક પાનું થઇ ગયા છો અને તમે આ વર્તમાન સાથે રિલેવન્ટ રહ્યા નથી. આમજન તરીકે આપણે ન માણીએ તો ચાલે પરંતુ ઉત્પાદક કંપનીઓ જો ન જાણે તો પછી એના ઉત્પાદનોને આ પેઢી શું કામ જાણે ને શું કામ માણે ?

આ યુવા પેઢીને ધ્યાનમાં રાખીને બજારમાં નાની-નાની અનેક નવી કંપનીઓ ઝંપલાવી રહી છે અને એ આગંતુકો મલ્ટીનેશનલ કંપનીને ટક્કર આપી રહ્યા છે. એક જમાનો હતો કે ગુડગાઁવ કે જેનું નામ હવે ગુરુગ્રામ થઇ ગયું છે (દિલ્હી પાસે) ત્યાં જ ઉત્પાદનોની ધૂમ મચી હતી ને ત્યાંથી આખા દેશમાં માલ પહોંચતો હતો.

વેન્ચર કેપિટલ ફંડ, કંપનીઓ પણ ત્યાંની કંપનીઓમાં સૌથી વધુ રોકાણ કરતી. પરંતુ આજે તો આંતરમાળખાકીય સવલતો જ એટલી વધી ગઈ છે કે દસ વરસ પહેલાના એ ગુડગાઁવ સુધી જવાની જરૂર નથી, ઉત્પાદક કંપનીઓ દેશના ગમે તે સ્થળેથી હવે પ્રોડકશન યુનિટ લગાવીને દેશભરમાં માલ સપ્લાય કરી શકે છે.

છેલ્લા ત્રણેક વરસમાં તો પેપરબોટ, એપિગેમિયા, લિકિઅસ, યોગબાર અને મમ્માઅર્થ જેવી કેટલી બધી નવી કંપનીઓ નવા ઉત્પાદનોનો આશ્ચર્યપ્રેરક ખજાનો લઇને બજારમાં આવી છે. અનેક રસિક-રોચક નવી બ્રાન્ડોએ નવી પેઢીને પ્રભાવિત કરી છે. જે નવયુવા દંપતિઓ છે તેઓ પણ તેમના પ્રથમ શિશુ માટે તમામ ટોક્સિન ફ્રી ઉત્પાદનો મેળવી રહ્યા છે. બાળકને આપવામાં આવતી કોઈપણ સામગ્રીમાં વિષતત્ત્વ કે રાસાયણિક ઉપદ્રવ ન આવી જાય એ માટે તેઓ બહુ એડવાન્સ સર્ચ કરીને પછી જ શોપિંગ કરતા થયા છે.

એટલે કે આ નવો ઉપભોક્તા બહુ વધારે સજ્જ થઇને વેપારીના કાઉન્ટર સુધી પહોંચે છે. વળી પતિ-પત્ની બન્ને અભ્યાસી હોવાને કરણે તેઓ પરફેક્ટ ચોઇસ સુધી પહોંચે છે. ફળ અને શાકભાજીની પસંદગીના ધોરણો આ પેઢીએ બદલાવ્યા છે. માર્કેટયાર્ડમાંથી આવતા રાસાયણિક ખાતરોથી બનેલા શાકભાજી તેમની થાળીમાં પ્રવેશતા નથી.

તો તેઓ શું કરે છે ? એ માટે તેઓ એટલો જ રઝળપાટ કરે છે જેટલો કરવો જોઇએ, થાકતા નથી અને આંગણે કે શેરીના નાકે લારીમાં દેખાતા પાણી છાંટેલા લીલ્લા રંગની ભભકમાં સપડાતા નથી. તેઓ જાણે છે કે ગુજરાતમાં તો ઓર્ગેનિકના નામે જ એક મોટો ખેલ ચાલે છે એટલે એમાંય સત્ય પામવાની મથામણ કરવી પડે છે.

આગામી પાંચેક વરસમાં બજારમાં પ્રવેશેલ આ નવા પાણી જ મુખ્ય પ્રવાહ બની જશે. જો વિખ્યાત નેશનલ અને મલ્ટીનેશનલ બ્રાન્ડોએ ટકી રહેવું હશે તો નવી પેઢીની પસંદગીઓને અનુસરીને સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા બદલાવવી પડશે. એ ટ્રેન્ડ સેટ થવાને પાંચ કે એથી વધુ વરસો પણ લાગી શકે છે.

નવી પેઢી બાળકોની બાબતમાં તો કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી અને એ માટે તેઓ રોજિંદી જિંદગીમાં થોડી વધુ કરકસર કરીનેય પરફેક્ટ ચોઇસ જ સ્વીકારવા ચાહે છે, શિશુ સંબંધિત કોઈ પણ ઉત્પાદનની ગુણવત્તામાં તેઓ કોઈ સમાધાન કરવા હવે તૈયાર નથી.