રાધા છે ગોરી ગોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જન્માષ્ટમીએ સમગ્ર દેશમાં કૃષ્ણપ્રેમનો દરિયો ડોલવા લાગે છે. વૃંદાવનમાં એક દિવસ એવો આવે છે જ્યારે કૃષ્ણે શૈશવમાંથી યૌવનમાં પગ મૂકવાનો છે. મથુરામાં જન્મ થયા પછી પિતા વસુદેવના મસ્તિષ્ક પર બેસીને કૃષ્ણ યમુના ઓળંગીને ગોકુળમાં આવ્યા છે. હવે સમય થયો છે કે એ જ યમુનાનો પ્રવાહ ઓળંગીને એમણે પોતાની જન્મભૂમિ મથુરા પાછા આવવાનું છે. આ દેવકીના ભાગ્યોદયનો સમય છે. અપાર કષ્ટ વેઠીને જન્મ આપેલા કૃષ્ણને દેવકી હવે પુનઃપ્રાપ્ત કરશે. કૃષ્ણનો જન્મ વસુદેવ-દેવકી ધન્યતાનો પ્રથમ અવસર હતો, હવે પુનઃ એ પુત્રનો સાક્ષાત્કાર આ જેલવાસી દંપતી માટે ધન્યતાનો બીજો અવસર છે. માતા દેવકીએ એક બાળકને જન્મ આપ્યો, એ બાળકને સર્વોત્તમ મનુષ્ય તરીકેના સર્વશ્રેષ્ઠ સંસ્કારોથી નંદ-યશોદાએ વિભૂષિત કર્યો. હવે એ વેળા આવી ગઈ છે જ્યારે કૃષ્ણે પોતાના બાળપણનું આખું સામ્રાજ્ય છોડવાનું છે.
એ સામ્રાજ્ય કેવું છે ? કદંબના વૃક્ષની ઝૂકી ગયેલી ડાળી નીચે પગ ઉપર પગ ચડાવી ને આખા પ્રહરના પ્રહર સુધી કૃષ્ણના હોઠ બંસીથી અલગ થતા નથી. એની મધુર સ્વરાવલિઓમાં યમુનાના જળ પણ લયકારે લયકારે વહેતા થઈ ગયા છે. અપલક નેત્રે ટગરના ફૂલોની જેમ કૃષ્ણની આંખોમાં વારંવાર તારામૈત્રક રચતી રાધિકા પણ હવે કૃષ્ણની આંગળીથી સરી જવાની છે. વૃંદાવનના વૃક્ષ પર એકેએક પાંદડે ગોપીઓના ગીતો અને કૃષ્ણની બાંસુરી અનંત કાળ સુધી જંપી જવાના છે. ગોકુળના અસ્તિત્વની આધારશીલા બની ગયેલો એક બાળક ગોપાલ જોતજોતામાં ક્યારે મોટો થઈ ગયો એનું એના સખ્યવૃંદ ગ્વાલબાલને તો ભાન જ ન રહ્યું. વૃંદાના ઘેરાવદાર વૃક્ષો અને કૃષ્ણનો ઉછેર એક સાથે જ થયો હોય એવી એકબીજાને માયા છે. આ વનમાં કનૈયાએ વરસાદી રાત્રિઓ પસાર કરી છે.
શરદચન્દ્રના નભમધ્ય ઉજાસ તળે રાતભરની રસભર અને રાસભર જિંદગી અહીં કૃષ્ણે માણી છે. હવે એ વાત પૂરી થાય છે. નિર્વિચાર અને કોરા કેનવાસ જેવું મન લઈને નિરખતી રાધા સ્વયં કૃષ્ણ માટે સર્વકાલીન કૌતુક છે. કૃષ્ણની જિંદગીમાં દ્વિમાતૃત્વ યોગે પ્રાપ્ત દેવકી અને યશોદા પછી ત્રીજી સ્ત્રી રાધિકા છે. પ્રેમની ધારાઓ ક્યારે વાત્સલ્યઝરણમાંથી છટકીને એક કુમારિકાના નેહનિતરતા હૃદયમાંથી પ્રગટિત ધોધ બની ગઈ એની કદાચ કોઈનેય ખબર ન રહી. કૃષ્ણના જન્મ વખતે મથુરા આખું ઘેનમાં પોઢી ગયેલું હતું અને રાધા-કૃષ્ણની પ્રણય વેળાએ આખું ગોકુળ અજ્ઞાાનતાના ઘેનમાં તરબતર રહ્યું હતું. જાગતા હતા માત્ર વૃંદાવનના વૃક્ષવલ્લરી અને જમુનાના શ્યામલ ઊંડા જળ. ચકોરી જેમ ચન્દ્રને જુએ એમ જ રાધિકા કૃષ્ણચંદ્રને નિહાળે છે.
જેમ જેમ સમયનું ચક્ર ફરે છે તેમ તેમ મનુષ્યને જુદી જુદી ભોમકાઓ અને એના યુગ કાર્યની વિવિધ ભૂમિકાઓ સાદ કરીને બોલાવે છે. જેનું જે કર્તૃત્વ છે એ એણે કરવાનું જ છે. એમાંથી મુક્તિ નથી અને એ કર્મની પૂર્ણતા એ જ ખરી મુક્તિ છે. કૃષ્ણને જન્મ પછીની પ્રથમ ક્ષણે ગોકુળનો સાદ સંભળાયો હશે અને એટલે તરત જ એની ગોકુળ તરફથી યાત્રાનો આરંભ થયો. હવે સમય આવ્યો છે કે મથુરા એને સાદ કરે છે. માતાના ખોળામાં હોવા છતાં જન્મ પછી તરત જ ગોકુળનો સાદ સાંભળવો પડયો. એ જ રીતે નંદ-યશોદાના અપાર વાત્સલ્યની ઘટાટોપ છાયામાંથી હવે મથુરાનો સાદ સંભળાતા કૃષ્ણએ ચાલી નીકળવાનું છે. સમયના ડંકા સૌને સંભળાતા નથી, પરંતુ જે સાંભળે છે અને એને અનુસરે છે તે જીવનને વારંવાર નૂતન ઊંચાઈએ પ્રાપ્ત કરે છે.
મહાપુરુષોની એક વિશિષ્ટતા છે કે સંસારના કોઈ પણ સ્થળ કે કાળનું એને વળગણ હોતું નથી. સામાન્ય માણસો પોતપોતાના સ્થળ અને પોતાના સમયમાં સંકોરાઈને સાપોલિયાની જેમ પડયા રહેવાનું પસંદ કરે છે. જરાક જેટલા સુખના ઓશિકેથી માથું ઊંચું કરવાનું સામાન્ય મનુષ્યને મન થતું હોતું નથી. પરંતુ જેનામાં સાધુતા છે એ તો સમયને પારખી ને પંથ પકડી લે છે. એ જ કારણથી તેઓ સામાન્ય મનુષ્યથી મુઠ્ઠી ઊંચેરા નીવડે છે. ગોકુળની સાથે કૃષ્ણે જે કંઈ છોડવાનું છે એમાં રાધાની હયાતી પણ છે. રાધા કે જે કૃષ્ણના અંતઃકરણનો જ એક અંશ બની ગઈ છે અને કૃષ્ણ સ્વયં પણ જેના હૃદયમાં વસે છે એનાથી અલગ થવાનું કામ આસાન તો નથી.
કૃષ્ણ રણછોડ કહેવાય છે પરંતુ રણ સિવાય પણ એની પાસેથી ઘણુંબધું છોડતા શીખવાનું છે. રામ લાગણીઓથી લિપ્ત હતા, કૃષ્ણ ચોતરફ લાગણીઓના પ્રલય વચ્ચે જ રહ્યા અને તોય અલિપ્ત હતા. એટલે જ એમને સદાય ભવિષ્ય તરફ પગ ઉપાડવાનું સહેલું લાગ્યું છે. કૃષ્ણે તેની સન્મુખ થનારા સહુની આંખોમાં અશ્રુના તોરણ ઝૂલતા જોયા છે. રામે તો સ્વયં પણ હૃદયને પ્રસંગે - પ્રસંગે અશ્રુથી અભિવ્યક્ત થવા દીધું છે.




