Tantri Lekh

નોકરી હોય તો કહેજો

By GS Team
28 Jul 20264 mins read
TukuTouch Logo
'વ્હોટ વરિઝ ધ વર્લ્ડ'ના નવા અહેવાલ મુજબ, ભારતીય શહેરી નાગરિકો બેરોજગારીને સૌથી મોટી સમસ્યા માને છે. શિક્ષણ પ્રત્યેની શ્રદ્ધા ઘટી છે, કારણ કે નોકરી માટે માત્ર ડિગ્રી નહીં, પણ જુદી તાકાત જરૂરી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે. જોકે, 70% લોકો માને છે કે ભારત સાચા રસ્તે છે. જૂન 2017 થી બેરોજગારીનો દર સતત વધ્યો છે, જે ઓક્ટોબર 2025 માં 8.45% હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

નોકરી હોય તો કહેજો

વ્હોટ વરિઝ ધ વર્લ્ડ નામના નવપ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય શહેરી નાગરિકો બેરોજગારીને સૌથી મોટી સમસ્યા તરીકે જોવા લાગ્યા છે. વિદ્યા પ્રવૃત્તિ અને યુનિવર્સિટીઓ પરની તેમની શ્રદ્ધા સાવ ઓસરી ગઈ છે. શહેરી લોકોએ એ રહસ્ય જાણી લીધું છે કે કંઈ પણ ભણતર પૂરું કરો અને ગમે તેટલી શૈક્ષણિક મહેનત કરો તો પણ છેવટે તો તમારે અભ્યાસને આધારે નહિ પરંતુ તમારી પોતાની જુદી જ તાકાતને આધારે નોકરી મેળવવાની છે. આ જુદી જ તાકાત એટલે સાવ બોટમ લાઈનથી કોઈ પણ કામ ઉપાડી લેવાની તૈયારી. એવું પણ નથી કે બજારમાં કામ નથી. કામ છે પરંતુ એને દિલથી કરનારા જવાનો લઘુમતીમાં છે. થોડી ચાલાકી કે ઓવર કોન્ફિડન્સ કે ઊંચી ઊંચી વારતાઓ ક્યાંય ચાલતી નથી. સખત કામ કરવાનું અને ચોકકસ પરિણામો લાવી આપવાના હોય તો જ નોકરીનું સપનું જોઈ શકાય.
દેશમાં બેરોજગારી જ એટલી છે કે પહેલી નજરે એમ લાગે કે શહેરી શું અને ગ્રામીણ શું ? પરંતુ તાજેતરના નવા સંશોધનો અને સર્વેક્ષણો બતાવે છે કે શહેરી બેરોજગારીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જે દિવસે કંપની એના કોઈ જુના કર્મચારીને નોકરીમાંથી છુટ્ટો કરે તે દિવસે એણે ઓફિસમાં છેલ્લા દિવસની નોકરી પૂરી કરીને ઘરે જવાનું હોય ત્યારે એ અંતર ઉત્તરથી દક્ષિણ ધુ્રવ જેટલું લાગે એ સ્વાભાવિક છે. શહેરી જીવનરીતિ જ એવી છે કે એમાં અમુક હદથી વધારે કરકસર લોકોને ફાવતી નથી. કારણ કે અનિવાર્ય ખર્ચ જ બહુ વધારે હોય છે. આજે ખ્યાલ આવે છે કે કરોડોનો નફો અને એનાથીય વધુનો વેપાર કરનારા પ્રાચીન ગુજરાતી વેપારીઓની જીવનશૈલી કેટલી સાદગીપૂર્ણ હતી. તેજી અને મંદી તો બજારનું ચક્ર છે ને એ ફરતું જ રહે છે. એનો પ્રભાવ જીવન પર ન પડે એની સાવધાની રાખવા માટે જ જુની પેઢીઓ સર્વ ઠાઠમાઠથી સદા મુક્ત રહેતી હતી.
પચાસથી વધુ દેશો આ બેકારીનો ભોગ બની ચૂક્યા છે. ભારતીય અર્થતંત્રની હાલત બિસ્માર છે. પરંતુ બેરોજગારીની હાલત તેનાથી પણ વધુ કંગાળ છે. ભારતીય અર્થતંત્ર માટે પ્રાર્થના કરી શકાય પરંતુ રોજગારીની સ્થિતિ ઉપર તો દયા ખાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એમાં પણ રોજગારની હાલત બે અંતિમ છેડાઓ વચ્ચે પીસાઈ રહી છે. ગ્રામ વિસ્તારની બેરોજગારી એક અલગ પ્રશ્ન છે અને શહેરીજનો ઉપર લટકતી બેરોજગારીની તલવાર અલગ સવાલ છે. બંને પ્રદેશના યુવાનો અને વયસ્કો જે નોકરી ઉપર પોતાનો ઘરસંસાર ચલાવે છે તે નોકરી પણ અત્યારે તો ડામાડોળ થઈ રહેલા ભારતીય અર્થતંત્રને કારણે અસ્થિરતા અનુભવી રહી છે.
નોકરી કરવા કરતા નોકરી ચાલી જવાનો તણાવ ભારતના નોકરિયાતો ઉપર વધુ છે. આઝાદી પછી પહેલી વખત એવો સમય આવ્યો છે જેમાં નોકરી શોધવા માટે અને મળેલી નોકરી હાથમાંથી ચાલી ન જાય એ માટે સમાન કશમકશ કરવી પડે છે. વ્હોટ વરિઝ ધ વર્લ્ડના નવા અહેવાલમાં આશ્ચર્યજનક રીતે એક તારતમ્ય એવું પ્રગટ થયું છે કે અનેક વિકરાળ પ્રશ્નો અને રાજનેતાઓની ખતરનાક રીતે પથરાયેલી શતરંજ વચ્ચે પણ સિત્તેર ટકા લોકો એમ માને છે કે ભારત અત્યારે સાચા રસ્તે આગળ ધપી રહ્યો છે. એટલે કે જે રીતે દેશનું સંચાલન થાય છે અને જે ઘટનાક્રમો જાહેર જીવનમાં આકાર લઈ રહ્યા છે તે યોગ્ય જ છે અને એ પ્રક્રિયા દ્વારા જ ભારત નવી ઊંચાઈએ પહોંચશે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રોજગારી ઉપરના આંકડા આવતા રહે છે, જેને કેન્દ્ર સરકાર પણ નકારી શકતી નથી. જૂન ૨૦૧૭ થી સતત બેરોજગારી દર વધી રહ્યો છે. ઓક્ટોબર ૨૦૨૫ માં બેરોજગારીનો દર સહેજ ઘટયો. તો પણ ૮.૪૫ પટકાના ઊંચા દર સુધી બેરોજગારીનો દર પહોંચી ચુક્યો છે. ૨૦૧૪ થી મોદી સરકાર તખ્તેનશીન છે પરંતુ રોજગારી માટે કોઈ પણ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. વધુમાં, સમય બદલાય છે, ફેશન બદલાય છે એ મુજબ રોજગારીના વહેણ પણ બદલાય છે. છેલ્લા ચાર વર્ષમાં લેબર એમ્પ્લોયમેન્ટ ઘટી છે. કારણ કે શારીરિક શ્રમ કરવો પડે એવી નોકરીઓ કરવામાં યુવાનોને રસ ઘટતો જાય છે. નહીંતર એ ક્ષેત્રમાં રોજગારી પૂરતી છે. વ્હાઇટ કોલર જોબને ચાહતા યુવાનોની સંખ્યા વધતી જાય છે પરંતુ ડિજિટલ ઇન્ડિયાની જેમ એ વચન પૂરું કરવામાં વર્તમાન સરકાર નિષ્ફળ નીવડી છે. ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં સૌથી વધુ બેરોજગારી દર છે. જ્યારે પોન્ડીચેરી, મેઘાલય, કર્ણાટક, તામિલનાડુ અને મધ્યપ્રદેશમાં ઓછો બેરોજગારી દર છે.