સુરેન્દ્રનગર: મોટા કેરાળામાં કરોડોનું ખનીજ કૌભાંડ, પથ્થર ચોરી મામલે 12 શખસોને નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ આચરતા ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાયલાના મોટા કેરાળા ગામેથી મોટા પાયે ગેરકાયદે રીતે પથ્થરની ચોરી થઈ હોવાનો પર્દાફાશ થયા બાદ, ખનીજ વિભાગ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા 12 જેટલા લોકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
100 કરોડોથી વધુની પથ્થર ચોરીનો આંકડો સામે આવ્યો
તંત્રની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મોટા કેરાળા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન કરીને અંદાજે 127.40 કરોડ રૂપિયાની કિંમતના પથ્થરની ચોરી કરવામાં આવી છે. આટલી મોટી રકમની ખનીજ ચોરી સામે આવતા જ સમગ્ર પંથકમાં અને ખનીજ માફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલે કડક વલણ અપનાવતા ખનીજ કચેરી દ્વારા નોટિસ મેળવનાર તમામ 12 લોકોને આગામી 22મી જુલાઈના રોજ સુરેન્દ્રનગર ખનીજ કચેરી ખાતે જરૂરી તમામ આધાર-પુરાવાઓ અને દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહેવા માટે કડક આદેશ કરવામાં આવ્યો છે.
20 જૂનના રોજ પોલીસે પાડ્યો હતો દરોડો
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સાયલા પોલીસની સતર્કતાને કારણે થયો હતો. સાયલા પોલીસની ટીમ દ્વારા ગત 20મી જૂનના રોજ મોટા કેરાળા ગામે આવેલા સર્વે નંબર 275 પૈકીની જમીનમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસને મોટા પાયે થઈ રહેલું ગેરકાયદે ખોદકામ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી ખોદકામ માટે ઉપયોગમાં લેવાતા 6 મશીનો અને ખનીજ વહન કરતા 4 ડમ્પરો સહિત લાખો રૂપિયાની મશીનરી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે.









