Surendranagar

સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડતાં નાસભાગ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના થાનગઢમાં વિશ્વવિખ્યાત તરણેતર મેળામાં ‘મોતના કૂવા’નું સ્ટેજ તૂટતાં અફરાતફરી મચી હતી. 14 સપ્ટેમ્બર, 2026ના રોજથી શરૂ થયેલા આ મેળામાં મનોરંજન માટે બનાવેલું સ્ટેન્ડ અચાનક ધસી પડ્યું હતું. સદનસીબે, હાજર લોકોની સમયસૂચકતાથી લોખંડની એંગલને ટેકો અપાતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં 4 થી 5 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડતાં નાસભાગ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

Surendranagar Tarnetar Fair News : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ભક્તિ, સંસ્કૃતિ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સમાન છે. ભાદરવા સુદ ત્રીજ એટલે કે 14 સપ્ટેમ્બર, 2026ના રોજથી શરૂ થયેલા આ ઐતિહાસિક અને પૌરાણિક મેળામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા મેળામાં સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ કર્મચારીઓ અને આરોગ્યની સેવા માટે 100થી વધુ ડૉક્ટરો તથા સ્ટાફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યાં વિદેશથી પણ લોકો મેળો માણવા આવે છે. આ દરમિયાન તરણેતરના મેળામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

મેળામાં મનોરંજન માટે બનાવાયેલા 'મોતના કૂવા'નું સ્ટેજ અચાનક તૂટી પડવાની ઘટના બની હતી. મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક ધસી પડતાં ત્યાં હાજર લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો. સ્ટેજની સાથે જોડાયેલી લોખંડની એંગલ પણ અચાનક નમી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા 4 થી 5 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, આ દરમિયાન સમજદારી દાખવીને મેળો માણવા આવેલા જાગૃત લોકોએ તાત્કાલિક એંગલને ટેકો આપીને પકડી રાખી હતી, જેના કારણે સમયસર મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને જાનહાનિ અટકી હતી.