Gujarat

પાંચ શખ્સોએ ઘાતક હથિયારો અને ફાયરિંગ કરી ઝીંઝુડાના યુવાનનું ઢીમ ઢાળી દીધુ

By GS Team
1 Mar 20222 mins read
This article was originally published on 1 Mar 2022
પાંચ શખ્સોએ ઘાતક હથિયારો અને ફાયરિંગ કરી ઝીંઝુડાના યુવાનનું ઢીમ ઢાળી દીધુ

- ચોટીલાની બજારમાં ધોળા દિવસે સનસનાટીભરી ઘટના

- ધર્મેન્દ્રએ સાત-આઠ માસ પહેલા માવજીભાઈની હત્યા કરી હોવાના મામલે બદલો લેવાયો

સુરેન્દ્રનગર : ચોટીલા-થાન રોડ ઉપર વાસુકીદાદાના મંદિર પાસે સોમવારે સાંજે ઝીંઝુડા ગામનાં ધર્મેન્દ્રભાઈ ખાચર ઉપર પાંચ શખ્સો ઘાતક હથિયારો લઈ તુટી પડયા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતું. હુમલામાં ધર્મેન્દ્રભાઈનું મોત થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી.ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ચોટીલાની પંચનાથનગર સોસાયટીમાં રહેતા કાળુભાઈ રામભાઈ ધાંધલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ હકીકત એવી છે કે ધર્મેન્દ્રભાઈએ સાત-આઠ માસ પહેલા માવજીભાઈ વીરજીભાઈ ગાંગડિયાનું ઝીંઝુડા ગામે ખુન કર્યુ હતું. તેનું વેર રાખી આરોપીઓએ  કાવતરૂ ઘડી ધર્મેન્દ્રભાઈની હત્યા કરી છે.  ફરિયાદમાં એવો ઉલ્લેખ પણ કર્યો છેકે,મારા મામાના દિકરા શાંતુભાઈ ટપુભાઈ ઉર્ફે અમરાભાઈના દિકરા ધર્મેન્દ્રભાઈને ઝીંઝુડામાં માથાકુટ હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી મારા ઘરે રહેતો હતો. તા.૨૮ના રોજ મારી દાઢ દુ:ખતી હોય તે કઢાવવા અમે ગયા હતા. ત્યારે ધર્મેન્દ્રભાઈ બાઈક ચલાવતા હતા. વાસુકી મંદિર પાસે પહોચતા બાકડા ઉપર બેઠેલા ચાર શખ્સો અચાનક ધસી આવ્યા હતા અને અમારૂ બાઈક અટકાવી છરી વડે ધર્મેન્દ્રભાઈ ઉપર ઘા કરવા લાગ્યા હતા. લખમણભાઈ વીરજીભાઈ ગાંગડિયાના હાથમાં રિવોલ્વર જેવું હથિયાર, રાયધન ઉર્ફે ભાદાભાઈ કાળાભાઈ ગાંગડિયા પાસે છરો, ભુપતભાઈ કાળુભાઈ ગાંગડિયા અને અનકભાઈ અરજણભાઈ ગાંગડિયા પાસે છરી હતી. આ તમામે એક સંપ થઇ હુમલો કરતા ઢળી પડેલા ધર્મેન્દ્રભાઈના માથા પર લખમણભાઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. 

હુમલા બાદ લખમણભાઈ તથા રાયધન ઉર્ફે ભાદો બાઈક ઉપર થાન બાજુ અને અનકભાઈ તથા ભુપતભાઈ બાઈક ઉપર ચોટીલા ગામ તરફ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રભાઈને ચોટીલા સરકારી દવાખાને લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છેકે ધર્મેન્દ્રભાઈને મારી નાખવાનો પ્લાન વિનુભાઈ વીરજીભાઈ ગાંગડિયા (ઝીંઝુડા) કે જે આર્મીમાં નોકરી કરતો હોય રજા ઉપર આવ્યો ત્યારે તેણે બનાવ્યો હતો. લખમણના હાથમાં રિવોલ્વર હતી તે વીનુની હોય તેવી મને શંકા છે. 

કોની કોની સામે ફરિયાદ થઈ...?

લખમણભાઈ વીરજીભાઈ ગાંગડિયા,રાયધનભાઈ ઉર્ફે ભાદાભાઈ કાળાભાઈ ગાંગડિયા, ભુપતભાઈ કાળુભાઈ ગાંગડિયા,અનકભાઈ અરજણભાઈ ગાંગડિયા અને વીનુભાઈ વીરજીભાઈ ગાંગડિયા (તમામ રહે રહે ઝીંઝુડા)