Surendranagar

સાયલા-ચોટીલા હાઈવે પર મરણચીસો ગુંજી, એક જ દિવસમાં બે અકસ્માતમાં 3નાં મોત

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
સાયલા-ચોટીલા હાઈવે પર 2 જુદા અકસ્માતોમાં 3 લોકોના મોત થયા છે. વણકી ગામે ST બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં મોરવાડ ગામના વિક્રમ કાંજીયા અને જગદીશ દેવીપૂજકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. ડોળીયા ગામ પાસે 2 બાઈક અથડાતા લીંબડીના રમીલાબેન રાઠોડનું પણ મોત થયું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયલા-ચોટીલા હાઈવે પર મરણચીસો ગુંજી, એક જ દિવસમાં બે અકસ્માતમાં 3નાં મોત

Sayla-Chotila highway Accident : સાયલા-ચોટીલા હાઈવે પર અકસ્માતોની વણઝાર જોવા મળી છે, જ્યાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનાઓમાં કુલ 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતોના કારણે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રથમ ઘટના વણકી ગામે બની

પ્રથમ બનાવ સાયલા તાલુકાના વણકી ગામ નજીક બન્યો હતો, જ્યાં એક પૂરઝડપે દોડતી એસટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈકચાલકનું નિયંત્રણ છૂટતાં અથવા અચાનક બાઈક એસટી બસ પાછળ ધસી જતાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનોમાં વિક્રમ કાંજીયા અને જગદીશ દેવીપૂજકનો સમાવેશ થાય છે, જેઓ મૂળ ચુડા તાલુકાના મોરવાડ ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બીજી બાજુ ડોળીયા ગામે બની

આ જ હાઈવે પર આવેલા ડોળીયા ગામના ઓવરબ્રિજ પાસે બીજો એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સામસામે કે પૂરઝડપે આવી રહેલી બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ બીજા અકસ્માતમાં બાઈક પર સવાર રમીલાબેન રાઠોડ નામની મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક રમીલાબેન લીંબડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ બંને ગંભીર અકસ્માતો અંગે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.