Surat

જ્યાં રોજ 150 કરોડનો વેપાર થતો, ત્યાં આજે કાદવ અને પાણી! સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ફટકો

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં 18 ઇંચ વરસાદથી ટેક્સટાઇલ માર્કેટ જળબંબાકાર બન્યું છે. રિંગરોડ, બોમ્બે માર્કેટ, પરવત ગામ અને સારોલી સહિતના વિસ્તારોમાં આવેલી મોટાભાગની કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયા છે. કરોડો રૂપિયાની સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સ પલળી ગયા, જેથી વેપારીઓને મોટું નુકસાન થયું છે. રૂ. 150 કરોડનો દૈનિક વેપાર ઠપ થતાં વેપારીઓ કાદવ સાફ કરવામાં લાગ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યાં રોજ 150 કરોડનો વેપાર થતો, ત્યાં આજે કાદવ અને પાણી! સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ફટકો

Surat Textile Market: સુરત શહેરમાં ખાબકેલા અંદાજે 18 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે સમગ્ર સુરત જળબંબાકાર બન્યું હતું. આ આકાશી આફતની સૌથી ગંભીર અને માઠી અસર એશિયાની સૌથી મોટી ગણાતી સુરતની ટેક્સટાઇલ માર્કેટ (કાપડ બજાર) પર પડી છે. જ્યાં અંદાજે દરરોજ 150 કરોડ રૂપિયાનો વેપાર થાય છે, ત્યાં આજે ચારેયબાજુ માત્ર કાદવ-કીચડ અને પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

બેઝમેન્ટની દુકાનોમાં પાણી ઘૂસ્યા

મળતી માહિતી અનુસાર, સુરતની માત્ર બે-ત્રણ માર્કેટોને બાદ કરતાં મોટાભાગની તમામ નાની-મોટી કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં (ભોંયરામાં) આવેલા શો-રૂમ અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે વેપારીઓને સામાન ખસેડવાનો મોકો જ મળ્યો નહોતો, જેના લીધે વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર?

કાપડના વેપાર સાથે સંકળાયેલા મુખ્ય હબ ગણાતા વિસ્તારોમાં પાણી ભરાવાથી સૌથી વધુ નુકસાન નોંધાયું છે. જેમ કે, રિંગરોડ કાપડ માર્કેટ, બોમ્બે માર્કેટ વિસ્તાર અને પરવત ગામ અને સારોલી વિસ્તારની માર્કેટો આ વિસ્તારોની અનેક ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાઈ જતાં લક્ઝુરિયસ સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ અને કાપડ સહિતનો મોટો જથ્થો પલળીને બરબાદ થઈ ગયો હતો.

વરસાદ બંધ થતાં જ વેપારીઓ કાદવ અને પાણી સાફ કરવા મથ્યા

બુધવારે (આઠમી જુલાઈ) સવારે મેઘરાજાએ વિરામ લેતા જ ચિંતાતુર વેપારીઓ પોતાની દુકાનો પર દોડી ગયા હતા. કાપડ બજારના વેપારીઓ વહેલી સવારથી જ દુકાનોમાં ભરાયેલા ગંદા પાણી અને કાદવ-કીચડને બહાર કાઢવાની ભારે જહેમતમાં લાગી ગયા હતા. આ સાથે જ, જે માલ બચી શક્યો છે અથવા ઓછો પલળ્યો છે તેવી કિંમતી સાડીઓ અને કાપડને સુકવવા માટે વેપારીઓ દ્વારા માર્કેટની બહાર ગોઠવવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છેકે, દૈનિક સરેરાશ રૂ. 150 કરોડનો બિઝનેસ ધરાવતી આ માર્કેટ સંપૂર્ણપણે ઠપ થઈ જતાં કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે અને આ સ્થિતિમાંથી બેઠા થતા વેપારીઓને હજુ સમય લાગશે.