સુરતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા: સવારે જ ભેદવાડ અને સીમાડા ખાડીએ વટાવી ભયજનક સપાટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain: સુરત શહેર અને જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ગુરુવારે સવારે જ અનેક ખાડીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ભેદવાડ અને સીમાડા ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડીનું પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો, જ્યારે કેટલાક માર્ગો સુરક્ષાના કારણોસર બંધ કરવા પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.20 મીટર સામે સવારે તેનું જળસ્તર 7.60 મીટરે પહોંચી ગયું હતું. જ્યારે સીમાડા ખાડીની ભયજનક સપાટી 4.50 મીટર સામે પાણીનું સ્તર 4.70 મીટર નોંધાયું હતું. બંને ખાડીઓના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી જતાં અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કોસાડ સામુહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
બીજી તરફ, કુંભારીયા ખાડી ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભરત કેન્સર હોસ્પિટલ આસપાસ પણ ખાડીના પાણી ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણીનો એટલો ભારે પ્રવાહ હતો કે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સારોલી ગામમાં પણ સ્થિતિ ગંભીર બની હતી. ખાડી ઓવરફ્લો થતાં સારોલી પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે પાણીથી ઘેરાઈ ગયું હતું. પોલીસ સ્ટેશન તરફ જવાના માર્ગ પર અંદાજે છથી સાત ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં રસ્તો સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો. પોલીસ સ્ટેશનની આસપાસ પણ પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાતા કામગીરી પર અસર પહોંચી હતી.
ખાડીના પાણી ગામની બહાર જવાના મુખ્ય માર્ગ પર ફરી વળતાં સારોલી ગામનો બહાર નો સંપર્ક પણ ખોરવાઈ ગયો હતો. સ્થાનિકોને સલામત સ્થળે રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત માધવબાગ વિસ્તારમાં પણ ખાડીના પાણી પ્રવેશી રહ્યાં છે તેથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગંગા હોટલ બહાર પણ ખાડીના પાણી ફરી વળ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં સતત થતા વરસાદે સુરત પાલિકા સાથે સ્થાનિકોની ચિંતામાં પણ વધારો કર્યો છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે ખાડીઓના જળસ્તર પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. જો વરસાદ યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી માટે વિવિધ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે
સવારે 9 વાગ્યે સુરતમાંથી પસાર થતી ખાડી ની સ્થિતિ
ખાડીનું નામ | ભયજનક સપાટી | હાલની સપાટી |
ભેદવાડ ખાડી | 7.20 | 7.60 |
મીઠી ખાડી | 9.35 | 8.75 |
ભાઠેના ખાડી | 8.25 | 6.85 |
સીમાડા ખાડી | 4.50 | 4.70 |
કાંકરા ખાડી | 8.48 | 6.50 |









