સુરતમાં સોસાયટીમાં જ બાપ્પાના વિસર્જનનો ટ્રેન્ડ વધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: પાલિકાના કૃત્રિમ તળાવ સુધી વિસર્જન માટે જવાની પરંપરાથી અલગ હવે સુરતમાં અનેક રહેણાંક સોસાયટીઓમાં જ બાપ્પાને વિદાય આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન સોસાયટીમાં સ્થાપના કરાયેલા શ્રીજીની વિદાય યાત્રા પણ કેમ્પસમાં જ કાઢવામાં આવી હતી. ઢોલ-નગારા સાથે બાપ્પાને વિદાય આપ્યા બાદ મોટા તપેલા, ટબ, પવાલી કે સોસાયટીમાં બનાવેલા નાના કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.સુરત શહેરમાં આજે ગણેશ વિસર્જનને લઈને ઠેરઠેર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા પાલિકાના કૃત્રિમ તળાવ તેમજ દરિયામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી રહેણાંક સોસાયટીઓમાં જ સ્થાપના અને વિસર્જન કરવાની પરંપરા પણ વધી રહી છે.આ વર્ષે શહેરમાં 85 હજારથી વધુ નાની-મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. રહેણાંક સોસાયટીઓમાં સામાન્ય રીતે પાંચ ફૂટથી નાની અને માટીની પ્રતિમા સ્થાપિત કરવાનો આગ્રહ જોવા મળ્યો હતો.
ગણેશોત્સવના અંતિમ દિવસે સવારથી જ અનેક સોસાયટીઓમાં પૂજા અને આરતી બાદ રહીશોએ ઢોલ-નગારા સાથે બાપ્પાની વિદાય યાત્રા કાઢી હતી. સોસાયટીના કોમન પ્લોટમાં જ યાત્રા ફરી અને ત્યારબાદ વિસર્જન કરવામાં આવ્યું હતું.કેટલીક સોસાયટીઓમાં મોટા તપેલામાં, તો ક્યાંક ટબ કે પવાલીમાં શ્રીજીનું વિસર્જન કરાયું હતું. કેટલીક સોસાયટીઓમાં નાના કૃત્રિમ તળાવ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. અગાઉ સોસાયટીના રહીશો પ્રતિમા વિસર્જન માટે પાલિકાના કૃત્રિમ તળાવ અથવા તાપીના ઓવારા સુધી જતા હતા, પરંતુ પર્યાવરણ જાળવણી અંગેની જાગૃતિના કારણે સોસાયટીમાં જ વિસર્જનની પદ્ધતિને વેગ મળ્યો છે.વિસર્જન બાદ પ્રતિમાની માટીને ફેંકી દેવાને બદલે તેનો પુનઃઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. કેટલીક સોસાયટીઓમાં આ માટીનો ઉપયોગ ગાર્ડનમાં ફૂલ-છોડ ઉગાડવા માટે કરાયો હતો. આમ, બાપ્પાની વિદાય સાથે માટીને ફરી જમીનમાં પરત કરવાનો પ્રયાસ જોવા મળ્યો હતો અને બહારના વિસર્જન સ્થળો પરનું ભારણ પણ ઘટ્યું હતું.




