Surat

વડાપ્રધાન કહે ઈંધણ બચાવો પણ સુરતમાં ભાજપના નેતાઓ કહે મોટી સંખ્યામાં આવજો

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ભાજપના જ સ્થાનિક નેતાઓ વડાપ્રધાન મોદીની બિનજરૂરી મુસાફરી ટાળવા અને ઇંધણ બચાવવાની અપીલને અવગણી રહ્યા છે. મંગળવારે તાપી ભવન ખાતે યોજાનાર સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષ-ઉપાધ્યક્ષના પદગ્રહણ સમારોહને શક્તિ પ્રદર્શન બનાવવા કાર્યકરોને મોટી સંખ્યામાં પહોંચવા ખુલ્લા આમંત્રણ અપાઈ રહ્યા છે. આથી વડાપ્રધાનનો સંદેશ સામાન્ય નાગરિકો માટે જ છે કે પક્ષના નેતાઓ માટે પણ, તેવો સવાલ ઉઠી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડાપ્રધાન કહે ઈંધણ બચાવો પણ સુરતમાં ભાજપના નેતાઓ કહે મોટી સંખ્યામાં આવજો

Surat : દેશ યુદ્ધની કટોકટીમાંથી બહાર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ઈંધણની એક-એક ટીપાની બચત કરવા ભાવુક અપીલ કરી હતી. દેશભરમાં લાખો લોકોએ આ સંદેશને રાષ્ટ્રહિત માનીને જીવનમાં ઉતાર્યો છે. પરંતુ સુરતમાં ભાજપના જ કેટલાક સ્થાનિક નેતા વડાપ્રધાનના આ સંદેશને જાણે કોરાણે મૂકી સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષના પદગ્રહણ સમારોહને રાજકીય શક્તિ પ્રદર્શનના મંચ બનાવવા કાર્યકરોને મોટી સંખ્યામાં તાપી ભવન પહોંચવા ખુલ્લા આમંત્રણ આપી રહ્યા છે.
પરિણામે વડાપ્રધાનની અપીલ માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે કે પક્ષના નેતાઓ માટે પણ? એવો સવાલ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત મહાનગર પાલિકાની વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી મંગળવારે થવાની છે. વરણી બાદ યોજાનારા પદગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે સોશિયલ મીડિયામાં કાર્યકરોને મોટી સંખ્યામાં તાપી ભવન પહોંચવા અપીલ કરતા સંદેશા વાયરલ થઈ રહ્યા છે. સુરત પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષો દ્વારા સોશિયલ મીડીયામાં પદગ્રહણ માટે પણ સવારે 11 વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે.
એક તરફ વડાપ્રધાન દેશને ઈંધણ બચાવવાનો અને બિનજરૂરી મુસાફરી ટાળવાનો સંદેશ આપી રહ્યા છે, જ્યારે બીજી તરફ પક્ષના જ સ્થાનિક નેતાઓ પદગ્રહણ સમારોહ માટે કાર્યકરોને મોટી સંખ્યામાં બોલાવી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ આવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વાહનો આવશે અને બિનજરૂરી અવરજવર પણ વધશે. પરિણામે વડાપ્રધાનના સંદેશનું પાલન કોણ કરશે તેવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કારણે પક્ષના સર્વોચ્ચ નેતાના સંદેશ અને સ્થાનિક નેતાઓની કામગીરી વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વડાપ્રધાનનો સંદેશ માત્ર ભાષણો સુધી સીમિત રહે કે પછી પક્ષના દરેક હોદ્દેદાર અને કાર્યકર તેના અમલ માટે પણ જવાબદાર બને, તે અંગે હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સુરતમાં સમિતિઓના પદગ્રહણ સમારોહ પહેલાં જ આ મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.