શિક્ષકોને ભણાવવાનું કે સરકારી કાર્યક્રમોની ભીડ વધારવાનું? : સુરત શિક્ષણ સમિતિ હવે વર્ગખંડ છોડાવી શિક્ષકોને હવે તિરંગા યાત્રામાં દોડાવેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : બાળકોના હાથમાં ચોપડી અને શિક્ષકોના હાથમાં ચોક-ડસ્ટર હોવા જોઈએ, પરંતુ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોના હાથમાં હવે પરિપત્રો આવી ગયા હોવાની સ્થિતિ છે. એક પછી એક સરકારી કામગીરી અને કાર્યક્રમોની જવાબદારીઓ વચ્ચે શિક્ષકોને આજે ફરી વર્ગખંડમાંથી બહાર કાઢી તિરંગા યાત્રામાં હાજરી આપવા ફરજિયાત સૂચના આપવામાં આવી છે.
સમિતિના પરિપત્ર મુજબ તમામ સાથી શિક્ષકો, જ્ઞાનસહાયકો તેમજ શાળા દીઠ બે ઉપશિક્ષકોએ આજે સાંજે 5 વાગ્યે ડુમસ રોડના વાય જંકશન ખાતે હાજર રહી નોડલ પાસે હાજરી પુરાવવાની રહેશે. સુરતમાં આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હર-ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાનારી આ યાત્રા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોને પણ જોડાવા પરિપત્ર મારફતે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આજે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું હોવા છતાં શિક્ષકોએ સાંજે 5 વાગ્યે ડુમસ રોડના વાય જંકશન ખાતે હાજર રહી નોડલ પાસે હાજરી પુરાવવાની રહેશે. તિરંગા યાત્રા સાંજે 6 વાગ્યે શરૂ થવાની છે ત્યારે તેના એક કલાક અગાઉ શિક્ષકોને સ્થળ પર બોલાવાતા આ ફરજિયાત હાજરી અંગે શિક્ષકો-વિદ્યાર્થી અને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોને અગાઉ પણ BLOની કામગીરી, વસ્તી ગણતરી, સર્વે, ઓનલાઈન કામગીરી સહિતની વિવિધ બિન શૈક્ષણિક જવાબદારી સોંપાતી હોવાની ફરિયાદ રહી છે. એક કામગીરી પૂરી થાય તે પહેલાં બીજી કામગીરીનો પરિપત્ર આવી જતો હોવાના કારણે શિક્ષકોનો સમય વર્ગખંડની બહારની કામગીરીમાં વધુ વપરાઈ રહ્યો હોવાની નારાજગી છે. હવે તિરંગા યાત્રામાં પણ શિક્ષકોને ફરજિયાત જોડવામાં આવતા ‘પરિપત્ર રાજ’ અંગે ફરી સવાલ ઉભા થયા છે. સમિતિના પરિપત્રમાં સાથી શિક્ષકો અને જ્ઞાન સહાયક શિક્ષકો ઉપરાંત શાળા દીઠ બે ઉપશિક્ષકોને પણ ફરજિયાત હાજર રાખવા જણાવાયું છે.
આમ, શાળાના શિક્ષકોને શૈક્ષણિક કામગીરી પૂર્ણ કર્યા બાદ ફરી એક સરકારી કાર્યક્રમ માટે નિર્ધારિત સ્થળે પહોંચવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં ભાગ લેવા સામે વાંધો નહીં હોય, પરંતુ હાજરી ફરજિયાત કરીને તેની નોંધ નોડલ પાસે કરાવવાની સૂચનાઓને કારણે શિક્ષકોમાં ચર્ચા શરૂ થઈ છે. શિક્ષકના મતે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું હોય તો શિક્ષકને વર્ગખંડમાં પૂરતો સમય આપવો જરૂરી છે. પરંતુ શિક્ષકોને વારંવાર સરકારી કામગીરી અને વિવિધ કાર્યક્રમોમાં જોડવામાં આવશે તો તેની સીધી કે આડકતરી અસર શૈક્ષણિક કાર્ય પર પડવાની શક્યતા છે.
એક તરફ શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મુકાય છે, તો બીજી તરફ શિક્ષકોને સતત બિનશૈક્ષણિક કામગીરીમાં જોડવાની સ્થિતિ વિરોધાભાસી હોવાનું શિક્ષકોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે વરસાદી વાતાવરણ વચ્ચે પણ શિક્ષકોને સાંજે 5 વાગ્યે વાય જંકશન ખાતે હાજરી આપવાની સૂચનાથી હવે સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષકોનો સમય બાળકોના ભણતર માટે છે કે સરકારી કાર્યક્રમોમાં હાજરી ની સંખ્યા વધારવા માટે? તિરંગા યાત્રા રાષ્ટ્રભાવનાનો કાર્યક્રમ છે, પરંતુ તેની આડમાં શિક્ષકોની મૂળ શૈક્ષણિક જવાબદારી તો પાછળ નથી ધકેલાઈ રહીને તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.









