શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી, સુરત પાલિકાની શાળામાં બે ગુરુઓની પ્રેરણાદાયી સેવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : "શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી" આ વાક્ય સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાના બે નિવૃત્ત શિક્ષકો પોતાના કર્મથી સાચા અર્થમાં સાબિત કરી રહ્યા છે. એક તરફ સુરત શિક્ષણ સમિતિ શિક્ષકોની અછત, ઘટતા શૈક્ષણિક સ્તર અને નબળા પરિણામો જેવા પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ કોઈ વેતન, માનદભથ્થા કે અન્ય લાભની અપેક્ષા વગર બે નિવૃત્ત શિક્ષકો વર્ષોથી ગરીબ અને અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન આપી રહ્યા છે. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આ બંને શિક્ષકો માત્ર પાલિકાની શાળાઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એવા પ્રેરણાસ્ત્રોત બન્યા છે, જેઓ સાબિત કરે છે કે સાચો ગુરુ પગારથી નહીં, પરંતુ પોતાના સમર્પણ, સંસ્કાર અને સેવાના ભાવથી ઓળખાય છે.
શિક્ષિકા શશીકલા બેન વ્યાસ વર્ષ 1991માં પાલિકાની શાળામાં શિક્ષિકા તરીકે જોડાયા હતા અને વર્ષો સુધી શાળા નંબર-130 માં સેવા આપી હતી. વર્ષ 2018માં નિવૃત્ત થયા બાદ પણ તેઓ ઘર સુધી સીમિત રહ્યા નથી નિવૃત્ત થયા બાદ પણ શિકોની ઘટથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે તેઓ નિવૃત્તિ બાદ પણ આ શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા રહ્યા હતા. હાલ આ શાળામાં હંગામી ધોરણે સાથી શિક્ષક મુકાયા છે તેના કારણે હવે તેઓ ગોપીપુરા ખાતે આવેલી પાલિકાની શાળા નંબર-139 માં દરરોજ જઈને ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણિત નો પાયો મજબૂત બનાવી રહ્યા છે. કક્કાથી લઈને એકડા સુધીનું પ્રાથમિક જ્ઞાન આપીને બાળકોમાં આત્મવિશ્વાસ ઉભો કરવાનો તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આંકોલાળી ગામના વતની દેવજીભાઈ લાઠીયા પણ નિવૃત્તિ બાદ શિક્ષણથી દૂર રહ્યા નથી. શરૂઆતમાં તેઓ લાઇબ્રેરી સાથે જોડાયા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી ઉત્રાણ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પાલિકાની શાળામાં સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે. તેઓ દરરોજ ચાર કલાક જેટલો સમય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા, લાઇબ્રેરીમાં પુસ્તકો અંગે માર્ગદર્શન આપવા તેમજ શાળાના બગીચાની જાળવણીમાં ફાળવે છે.
દેવજીભાઈનું એક જ વાક્ય તેમની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે - "જીવન રહેશે અને શરીર સાથ આપશે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે કામ કરતો રહીશ." આ જ ભાવના શશીકલાબેનમાં પણ જોવા મળે છે. બંને શિક્ષકો માટે શિક્ષણ નોકરી નહીં, પરંતુ જીવનનું ધ્યેય બની ગયું છે.
આજે જ્યારે નિવૃત્તિ બાદ મોટાભાગના લોકો પોતાના અંગત જીવનમાં વ્યસ્ત થઈ જાય છે, ત્યારે આ બંને ગુરુઓ કોઈપણ સ્વાર્થ વગર સમાજના સૌથી નબળા વર્ગના બાળકોનું ભવિષ્ય ઘડી રહ્યા છે. ગુરુપૂર્ણિમાના અવસરે સુરત માટે આ બંને શિક્ષકો સાચા અર્થમાં એવા ગુરુ બની ગયા છે, જેમનું જીવન અને કાર્ય નવી પેઢી તેમજ શિક્ષક સમાજ માટે પ્રેરણારૂપ છે.
શાળાના સમય પહેલાં અને પછી પણ જ્ઞાનયજ્ઞ, શિષ્યવૃત્તિ માટે શિક્ષકોનું વિશેષ કોચિંગ
સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓમાં શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તક પૂરતું શિક્ષણ આપીને અટકતા નથી. શિષ્યવૃત્તિ પરીક્ષામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સફળ થાય તે માટે અનેક શિક્ષકો અને આચાર્યો શાળાના નિયમિત સમય પહેલા તેમજ શાળા છૂટ્યા બાદ પણ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વિશેષ કોચિંગ આપી રહ્યા છે. આ વધારાની મહેનતનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. દર વર્ષે પાલિકાની શાળાના અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષામાં સફળતા મેળવી રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે. ગરીબ અને સામાન્ય પરિવારોના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોગ્ય માર્ગદર્શન અને આત્મવિશ્વાસ મળે તે માટે શિક્ષકો પોતાની ફરજની મર્યાદા બહાર જઈને સેવા આપી રહ્યા છે. ગુરુપૂર્ણિમાના અવસરે આવા સમર્પિત શિક્ષકો એ વાતનો જીવંત પુરાવો છે કે સાચો ગુરુ માત્ર વર્ગખંડમાં જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જરૂરી હોય ત્યારે વધારાનો સમય અને શ્રમ આપતાં પણ ક્યારેય ખચકાતા નથી.









