Surat

સુરતથી ચેન્નઈ 16 કલાકમાં... 900 કિ.મી.ના નવા એક્સપ્રેસ વેથી ગુજરાત સાથે જોડાશે 5 રાજ્યો

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતથી ચેન્નઈ વચ્ચેનો 1,271 કિલોમીટરનો પ્રવાસ હવે 36 કલાકને બદલે માત્ર 16 કલાકમાં પૂરો થશે. ભારતમાલા પરિયોજના હેઠળ બની રહેલો આ 6-લેન હાઈ-સ્પીડ એક્સપ્રેસવે ગુજરાતને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સાથે જોડશે. NHAI દ્વારા 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જે પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે આર્થિક લાઈફલાઈન બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતથી ચેન્નઈ 16 કલાકમાં... 900 કિ.મી.ના નવા એક્સપ્રેસ વેથી ગુજરાત સાથે જોડાશે 5 રાજ્યો
AI Image

Surat Chennai Expressway Cuts Travel Time To 16 Hours: સુરતથી ચેન્નઈ વચ્ચેની મુસાફરીમાં હવે સમયનો મોટો બગાડ અટકશે અને 36 કલાકનું લાંબુ અંતર ઘટીને માત્ર 16 કલાકમાં પૂરું થશે. ભારતમાલા પરિયોજના અંતર્ગત તૈયાર થઈ રહેલો આ હાઈ-સ્પીડ એક્સપ્રેસવે ગુજરાતને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ એમ પાંચ મોટા રાજ્યો સાથે સીધું જોડી દેશે. દેશના સૌથી મહત્ત્વાકાંક્ષી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સામેલ આ કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ પશ્ચિમ ભારતથી દક્ષિણ ભારત વચ્ચે અત્યાધુનિક લોજિસ્ટિક્સ અને હાઇવે નેટવર્ક ઊભું થશે.

રૂટમાં સુધારો અને 900 કિમીનું અંતર

અગાઉ આ એક્સપ્રેસવે 1,271 કિલોમીટર લંબાઈનો પ્રસ્તાવિત હતો. જોકે, તાજેતરમાં વહીવટી અને રૂટ સ્તરે મોટો ફેરફાર કરીને તેના સુરત-નાસિક ખંડને અલગ કરવામાં આવ્યો છે, જેથી હવે આ પ્રોજેક્ટ મુખ્યત્વે 'નાસિક-ચેન્નઈ એક્સપ્રેસવે' તરીકે પણ ઓળખાશે અને તેની સીધી લંબાઈ આશરે 900 કિલોમીટર રહેશે. આમ છતાં, આ સમગ્ર કોરિડોર સુરત અને ચેન્નઈ વચ્ચે જ મુખ્ય કનેક્ટિવિટી પૂરી પાડશે. હાલના પરંપરાગત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ભારે ટ્રાફિકને કારણે મુસાફરોને આશરે 35થી 36 કલાકનો થકવી દેતો પ્રવાસ કરવો પડે છે, જે આ નવા એક્સપ્રેસવેથી ઘટીને સીધો 16 કલાક થઈ જશે.

6-લેન કોરિડોર સાથે જોડાશે આ પ્રમુખ શહેરો અને 5 રાજ્યો

આ 6-લેન ગ્રીનફિલ્ડ કોરિડોર દેશના અનેક ઔદ્યોગિક, પર્યટન અને ધાર્મિક કેન્દ્રોને સીધા જોડશે:

  • ગુજરાત: સુરત
  • મહારાષ્ટ્ર: નાસિક, અહમદનગર, સોલાપુર, અક્કલકોટ
  • કર્ણાટક: કલબુર્ગી (ગુલબર્ગા), રાયચૂર
  • તેલંગાણા: ગઢવાલ
  • આંધ્રપ્રદેશ: કુર્નૂલ, કડપ્પા, તિરુપતિ
  • તમિલનાડુ: ચેન્નઈ

આ રીતે મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ વચ્ચે આંતરરાજ્ય પરિવહન અત્યંત ઝડપી અને સરળ બનશે.

ગુજરાતથી તમિલનાડુ વચ્ચે સાબિત થશે લાઈફલાઈન

આ હાઈવે પશ્ચિમ અને દક્ષિણ ભારત વચ્ચે એક આર્થિક લાઈફલાઈન સમાન સાબિત થશે, જેનાથી મુસાફરીના સમયમાં તો ધરખમ ઘટાડો થશે જ, સાથે માલસામાનનું પરિવહન પણ ઝડપી બનશે. તિરુપતિ જેવા મુખ્ય ધાર્મિક સ્થળો સાથે સીધું જોડાણ મળવાથી પ્રવાસનને મોટો વેગ મળશે. સુરત ખંડમાં ફેરફાર છતાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ મારફતે આ રૂટને મુંબઈ-અમદાવાદ હાઈવે સાથે જોડી દેશે. ઉપરાંત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે પણ તેનું પરોક્ષ જોડાણ રહેશે, જેથી દેશના તમામ ખૂણાઓ માટે તેની ઉપયોગિતા બહુવિધ રહેશે.

મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી અને પ્રોજેક્ટની ડેડલાઈન

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્માણ તબક્કાવાર રીતે ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે તેના ₹19,142 કરોડના ખર્ચે બનનારા 374 કિલોમીટર લાંબા નાસિક-સોલાપુર-અક્કલકોટ ગ્રીનફિલ્ડ સેક્શનને મંજૂરી આપી દીધી છે. બીજી તરફ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચેના 177 કિલોમીટરના રૂટ પર પણ જમીન સંપાદનની કામગીરી તેજ બની છે અને બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ આ સમગ્ર એક્સપ્રેસવેને વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.