Surat

સુરત: 23 જુલાઈની આકાશી આફતનો સૌથી મોટો પડકાર ડ્રેનેજ વિભાગે ઝીલ્યો

By GS Team
25 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતમાં 23 જુલાઈએ અતિભારે વરસાદ અને ખાડીપૂરની આકાશી આફતે ડ્રેનેજ વિભાગ સામે મોટો પડકાર ઊભો કર્યો. પાલિકાએ ગટરના ઢાંકણા ખોલી વરસાદી પાણીનો નિકાલ કર્યો. ડ્રેનેજ વિભાગે 2,915.03 MLD પાણીનું પંપિંગ અને 1,633.40 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરી નવો રૅકોર્ડ બનાવ્યો. આ કામગીરી સામાન્ય દિવસો કરતાંં 59% વધુ પમ્પિંગ અને 32% વધુ ટ્રીટમેન્ટ દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: 23 જુલાઈની આકાશી આફતનો સૌથી મોટો પડકાર ડ્રેનેજ વિભાગે ઝીલ્યો

Surat Rain: 23 જુલાઈના અતિભારે વરસાદ અને ખાડીપૂરની આકાશી આફતે સુરતના ડ્રેનેજ વિભાગ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર ઊભો કર્યો હતો. શહેરમાંથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે અનેક સ્થળોએ ગટરના ઢાંકણા ખોલવાની ફરજ પડી હતી. પરિણામે વરસાદી પાણી, ગંદા પાણી અને ખાડીનું પાણી એકસાથે સિવરેજ નેટવર્કમાં પ્રવેશતાં સમગ્ર સિસ્ટમ પર અસાધારણ ભારણ આવ્યું હતું. તેમ છતાં પાલિકાના ડ્રેનેજ વિભાગે તમામ સિવરેજ પંપિંગ સ્ટેશન(SPS) અને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP)ને સતત કાર્યરત રાખીને એક જ દિવસમાં 2,915.03 MLD પાણીનું પંપિંગ અને 1,633.40 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરીને નવો રૅકોર્ડ નોંધાવ્યો છે.

સુરતમાં 7 જુલાઈના રોજ આવેલા અચાનક પડેલા વરસાદ બાદ કેટલાક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખોટકાયા હતા તેના પરથી પાલિકાના હાઇડ્રોલિક વિભાગે પાઠ ભણ્યો તે ગઈકાલે કામ લાગ્યો હતો. અગાઉના સમય કરતાં ગઈકાલની સર્જાયેલી સ્થિતિ સૌથી વધુ પડકારજનક હતી. સામાન્ય દિવસોમાં શહેરના ડ્રેનેજ નેટવર્કમાં મુખ્યત્વે ગંદા પાણીનો જ પ્રવાહ રહે છે, જ્યારે આ વખતે વરસાદી પાણી અને ખાડીનું પાણી પણ ગટરના ઢાંકણા મારફતે સીધું જ સિવરેજ નેટવર્કમાં પહોંચ્યું હતું. તેના કારણે સમગ્ર ડ્રેનેજ વ્યવસ્થાએ અત્યાર સુધીનો સૌથી મોટો હાઇડ્રોલિક લોડ સહન કર્યો હતો. આમ છતાં સામાન્ય દિવસોની સરખામણીએ 59 ટકા વધુ પંપિંગ અને 32 ટકા વધુ ટ્રીટમેન્ટ કરીને શહેરની ડ્રેનેજ વ્યવસ્થાએ પોતાની ક્ષમતાની ઐતિહાસિક કામગીરી કરી હતી.

ડ્રેનેજ વિભાગના સત્તાવાર આંકડા મુજબ, 23 જુલાઈના રોજ શહેરના સિવરેજ પંપિંગ સ્ટેશન(SPS) દ્વારા કુલ 2,915.03 MLD પાણીનું પંપિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે જૂન-2026 દરમિયાન ડાયવર્ટેડ ફ્લો સહિતનો સરેરાશ પ્રવાહ 1,838 MLD હતો. એટલે કે સામાન્ય દિવસોની તુલનાએ અંદાજે 59 ટકા વધુ પ્રવાહ સફળતાપૂર્વક સંભાળવામાં આવ્યો હતો.

માત્ર પંપિંગ જ નહીં, પરંતુ ગંદા પાણીની ટ્રીટમેન્ટમાં પણ નવો રૅકોર્ડ નોંધાયો હતો. શહેરના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) દ્વારા એક જ દિવસમાં 1,633.40 MLD ગંદા પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી, જ્યારે જૂન મહિનાની સરેરાશ ટ્રીટમેન્ટ 1,238 MLD હતી. સામાન્ય રીતે દરરોજ અંદાજે 1,250 MLD જેટલા ગંદા પાણીની ટ્રીટમેન્ટ થાય છે, પરંતુ ભારે વરસાદના કારણે આ આંકડો 1,633 MLDને પાર પહોંચ્યો હતો.

ડ્રેનેજ વિભાગના જણાવ્યા મુજબ, અતિભારે વરસાદને કારણે સમગ્ર સિવરેજ નેટવર્ક પર અસાધારણ પીક હાઇડ્રોલિક લોડ સર્જાયો હતો. છતાં શહેરના તમામ મુખ્ય સિવરેજ પંપિંગ સ્ટેશન અને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સતત કાર્યરત રહ્યા હતા અને ભારે દબાણ વચ્ચે પણ કામગીરીમાં કોઈ મોટો ટેકનિકલ વિક્ષેપ નોંધાયો નહોતો.પાલિકા માટે ગઈકાલની કામગીરી રૅકોર્ડ બ્રેક કામગીરી તરીકે નોંધાઈ છે.

વરસાદી પાણી સીધું સિવરેજમાં પહોંચતા પંપિંગ સ્ટેશન પર અસાધારણ દબાણ સર્જાયુ

23 જુલાઈના અતિભારે વરસાદ અને ખાડીપૂરની સ્થિતિ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ લગભગ ઠપ થઈ ગયો હતો. ખાડીઓમાં જળસ્તર વધી જતાં વરસાદી પાણી આઉટફોલ મારફતે બહાર નીકળી શકતું ન હોવાથી રસ્તાઓ પર પાણી ભરાવા લાગ્યું હતું. આવી સ્થિતિમાં પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે અનેક સ્થળોએ ગટરના ઢાંકણા ખોલવાની કાર્યવાહી કરી હતી.

ગટરના ઢાંકણા ખોલાતા રસ્તા પર ભરાયેલું વરસાદી પાણી સીધું જ શહેરના સિવરેજ નેટવર્કમાં પ્રવેશવા લાગ્યું હતું. પરિણામે સામાન્ય રીતે માત્ર ગંદા પાણીનો પ્રવાહ સંભાળતી ડ્રેનેજ વ્યવસ્થાએ એકસાથે વરસાદી પાણી, ગંદા પાણી અને કેટલાક વિસ્તારોમાં ખાડીના પાણીનો પણ ભાર સહન કરવો પડ્યો હતો. તેના કારણે સિવરેજ પંપિંગ સ્ટેશન(SPS) અને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) પર અત્યાર સુધીનો સૌથી મોટો હાઇડ્રોલિક લોડ સર્જાયો હતો.