Surat

સુરત: પાલિકાની જ જમીન પર દબાણ, નવો રોડ ખોદી વરસાદી લાઇનમાં ગેરકાયદે જોડાણઃ રાંદેર ઝોન બિલ્ડર સામે નતમસ્તક

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં પાલિકાના રાંદેર ઝોન હેઠળ પાલ G.E.B. ઓફિસ સામે આવેલા રિઝર્વ પ્લોટમાં બિલ્ડરે દબાણ કરી મજૂરો માટે ઝૂંપડા બનાવ્યા છે. નવા કાર્પેટ રોડનું ખોદકામ કરી વરસાદી પાણીની લાઇનમાં ગેરકાયદે જોડાણ કરાયું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે લેખિત ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અધિકારીઓ પર બિલ્ડર માટે કામ કરવાનો આક્ષેપ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: પાલિકાની જ જમીન પર દબાણ, નવો રોડ ખોદી વરસાદી લાઇનમાં ગેરકાયદે જોડાણઃ રાંદેર ઝોન બિલ્ડર સામે નતમસ્તક

Surat: શહેરમાં સામાન્ય નાગરિકના નાના દબાણ સામે બુલડોઝર ચલાવતું પાલિકા તંત્ર પોતાની જ જમીન પર થયેલા કબજા અને નવા રોડના ગેરકાયદે ખોદકામ સામે કેમ ચૂપ બની રહ્યું છે. પાલિકાના રાંદેર ઝોનમાં પાલ જીઈબી ઓફિસ સામે પાલિકાના રિઝર્વ પ્લોટ માં દબાણ, નવા કાર્પેટ રોડનું ખોદકામ અને વરસાદી પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ બિલ્ડર દ્વારા કરી દેવામાં આવ્યું છે તે પ્રકારનો ગંભીર આક્ષેપ ભાજપના પૂર્વ કોર્પોરેટરે કર્યો હતો. તેઓએ લેખિત ફરિયાદ કરી હોવા છતાં પણ અધિકારીઓએ કોઈ પગલાં નહીં ભરાતા પાલિકાના અધિકારીઓ બિલ્ડર માટે કામ કરતા હોવાના આક્ષેપ પણ શરુ થયા છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલિકાના પ્લોટ માં ગેરકાયદે બાંધકામ થતું હોવાની ગંભીર ફરિયાદ પુર્વ કોર્પોરેટર ઉષા પટેલે ઝોનના ઓફિસરને કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં પાલ જીઈબી ઓફિસ સામે આવેલા પાલિકાના રિઝર્વ પ્લોટ માં બિલ્ડરે મજુરો માટે ઝુંપડા બનાવી દીધા છે વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, થોડા સમય પહેલાં જ તૈયાર કરાયેલા નવા કાર્પેટ રોડને રવિવારની રજાનો લાભ લઈને ખોદી નાખવામાં આવ્યો અને વરસાદી પાણીની મુખ્ય લાઇનના મેનહોલમાં ગેરકાયદે જોડાણ પણ કરી દેવામાં આવ્યું છે.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સમગ્ર ઘટનાનો જીપીએસ લોકેશન સાથેના ફોટોગ્રાફિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકાની પોતાની જ જમીન પર દબાણ થાય, જાહેર નાણાં થી બનેલા રોડને નુકસાન પહોંચાડવામાં આવે અને વરસાદી પાણીની વ્યવસ્થામાં ગેરકાયદે હસ્તક્ષેપ થાય છતાં તંત્રનું મૌન અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.
પૂર્વ કોર્પોરેટરે માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, પાલિકાની જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવે, રોડ ખોદનાર અને ગેરકાયદે જોડાણ કરનાર જવાબદાર બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જાહેર સંપત્તિને થયેલા નુકસાનની વસૂલાત પણ કરવામાં આવે. જોકે, આવી ફરિયાદ બાદ પણ રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ન ભરાતા અધિકારીઓ બિલ્ડર માટે કામ કરી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.