સુરત: લોકો પોતાના જીવ બચાવે, ભાજપ મહિલા મોરચા મહેંદી કરાવે!: પૂર વચ્ચે ભાજપનું મહેંદીનો ઉત્સવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત હજુ પણ ભારે વરસાદ, ખાડી પૂર અને નદી પૂરની આફત માંથી બહાર આવ્યું નથી. હજારો પરિવારો પોતાના ઘરોમાંથી પાણી અને કાદવ કાઢવામાં વ્યસ્ત છે, વેપારીઓ કરોડો રૂપિયાના નુકસાનમાંથી ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને કારણે લોકોમાં ચિંતા યથાવત છે. આવી સ્થિતિમાં ભાજપ મહિલા મોરચા દ્વારા 27 જુલાઈએ મહેંદી સ્પર્ધાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સોશિયલ મીડિયા પોસ્ટમાં શહેરના પ્રથમ નાગરિક મેયર માયા માવાણીને પણ ટેગ કરવામાં આવ્યા છે. પરિણામે સોશિયલ મીડિયામાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે આખું શહેર આફત સામે લડી રહ્યું છે, ત્યારે શાસક પક્ષની પ્રાથમિકતા રાહત અને માનવસેવા હોવી જોઈએ કે મહેંદી નો ઉત્સવ?
પખવાડિયામાં બીજી વખત સુરત ખાડી પૂર નો ભોગ બન્યું છે હજી પણ સુરતની ખાડી છલોછલ છે એક ખાડી ઓવર ફ્લો છે અને બીજી મોટી ખાડી ડેન્જર લેવલથી થોડી જ દૂર છે તેવામાં સુરતીઓને ખાડી પુર ની ચિંતા સતાવી રહી છે. તો પુરના પાણી ઓસર્યા છે ત્યાં જીવન સામાન્ય કરવા માટેનો પ્રયાસ કરી રહ્યાં છે કેટલીક સામાજિક સંસ્થાઓ અસરગ્રસ્ત લોકોને બેઠા કરવા કે અન્ય રીતે મદદ કરી રહ્યાં છે આવી સંવેદનશીલ ઘડીએ ભાજપ મહિલા મોરચા દ્વારા 27 જુલાઈએ "અષાઢી મહોત્સવ" અંતર્ગત મહેંદી સ્પર્ધાનું આયોજન જાહેર કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મુકતા વિવાદ ઉભો થયો છે.
વિવાદને વધુ વેગ આપતી બાબત એ છે કે આ કાર્યક્રમની સોશિયલ મીડિયા પોસ્ટમાં સુરતના પ્રથમ નાગરિક મેયર માયા માવાણીને પણ ટેગ કરવામાં આવ્યા છે. શહેર હજુ પણ આફતના ઘાવ સહન કરી રહ્યું છે, ત્યારે મેયરને ટેગ કરીને મહેંદી સ્પર્ધા નો પ્રચાર કરવામાં આવતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું શાસક પક્ષને પૂર પીડિતોની પીડા કરતાં ઉત્સવી કાર્યક્રમ વધુ મહત્વના લાગે છે?
લોકોનું કહેવું છે કે જ્યારે હજારો પરિવારો ઘરમાંથી પાણી અને કાદવ કાઢવામાં વ્યસ્ત છે, વેપારીઓ નુકસાનનો હિસાબ કરી રહ્યા છે અને અનેક પરિવારોને ભોજન, દવા તથા જરૂરી સહાયની જરૂર છે, ત્યારે શાસક પક્ષના મહિલા મોરચા દ્વારા મહેંદી સ્પર્ધાનો પ્રચાર કરવો લોકોની લાગણીઓ સાથે સુસંગત નથી. આ કારણે લોકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આફતની ઘડીએ પ્રાથમિકતા રાહત કામગીરીને આપવી જોઈએ કે ઉજવણીને? જો મહેંદી સ્પર્ધા માટે કાર્યકરોને એકત્રિત કરી શકાય છે, તો એ જ કાર્યકરોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ, ભોજન વિતરણ, દવાઓ અને રાહત સામગ્રી પહોંચાડવા માટે પણ તૈનાત કરી શકાય.?
મેયરને ટેગ કરાયેલી પોસ્ટને લઈને પણ ચર્ચા તેજ બની છે. શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયર પાસેથી પૂરગ્રસ્તોની ચિંતા અને રાહત કામગીરીને પ્રાથમિકતા આપવાની અપેક્ષા હોય છે. તેથી આ પોસ્ટે એક નવો પ્રશ્ન ઊભો કર્યો છે—જ્યારે આખું શહેર આફત સામે લડી રહ્યું હોય, ત્યારે જાહેર જીવનના જવાબદાર હોદ્દા ધારકો સાથે જોડાયેલા ઉત્સવી કાર્યક્રમો ભાજપના પ્રચાર માટે થઈ રહ્યો છે.
હાલ આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ લોકો જીવન ફરી પાટા પર લાવવા સંઘર્ષ કરી રહ્યા છે, તો બીજી તરફ મહેંદી સ્પર્ધાના આયોજનને લઈને થયેલા સવાલો ભાજપ મહિલા મોરચા અને સ્થાનિક નેતૃત્વ માટે અસ્વસ્થ કરનારા બની રહ્યા છે. લોકોના મનમાં માત્ર એક જ પ્રશ્ન છે આફતની ઘડીએ હાથમાં મહેંદી હોવી જોઈએ કે મદદ? આ પ્રશ્નનો જવાબ લોકો માંગે છે સુરતના પ્રથમ નાગરિક એવા મેયર માવાણી તેનો જવાબ ક્યારે આપશે તેની સુરતીઓ રાહ જોઈ રહ્યા છે.
જે વિસ્તારમાં પાણી ભરાયા, તે જ વિસ્તારના હોદ્દેદારોની પોસ્ટ ચર્ચામાં
ભાજપના વોર્ડ નં. 2 મહિલા મોરચાના પ્રમુખ તથા મહિલા સુરક્ષા સમિતિ, સુરતના સભ્ય સંગીતા પરમાર દ્વારા મહેંદી સ્પર્ધાની સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે. નોંધનીય છે કે વોર્ડ નં. 2 અને આસપાસના વિસ્તારો પણ ભારે વરસાદ અને ખાડીપૂરની અસરથી બાકાત રહ્યા નહોતા. આવા સમયે રાહત અને સેવા કાર્યના બદલે મહેંદી સ્પર્ધાના પ્રચારને લઈને સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે આફતની ઘડીએ ઉત્સવનો નહીં, પરંતુ માનવસેવાનો સંદેશ જ સૌથી મોટી જવાબદારી ગણાય.









