Surat

સુરત નાસીર નગર ડિમોલિશન કેસ: હાઈકોર્ટની સુનાવણી પહેલાં ગાંધીનગરમાં તપાસની કવાયત તેજ, સસ્પેન્ડેડ કર્મચારીઓને તેડું

By GS Team
27 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતના નાસિર નગર ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની ટકોર બાદ તપાસનો ધેરો વધુ વિસ્તર્યો છે. 29 સપ્ટેમ્બરે સુનાવણી પહેલાં સરકારી ઉચ્ચસ્તરીય તપાસ કમિટીએ જવાબદારોને ગાંધીનગર બોલાવી તપાસ ઝડપી કરી છે. ડિમોલિશનના નિર્ણયથી જમીનના ભાગલા, મંજૂરી, પાલિકાની કાર્યવાહી સુધીના મુદ્દા ચકાસવા પાલિકાની તપાસ કમિટી, સસ્પેન્ડેડ 5 કર્મચારીઓ અને સિટી સર્વેના જવાબદારોને સોમવારે હાજર રહેવા ફરમાન કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત નાસીર નગર ડિમોલિશન કેસ: હાઈકોર્ટની સુનાવણી પહેલાં ગાંધીનગરમાં તપાસની કવાયત તેજ, સસ્પેન્ડેડ કર્મચારીઓને તેડું

Surat Nasir Nagar Demolition: સુરત જ નહીં સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા નાસીર નગર ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની આકરી ટકોર બાદ હવે તપાસનો ઘેરો વધુ વિસ્તર્યો છે. 29મી સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં પિટીશન પર સુનાવણી પહેલાં સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય તપાસ કમિટીએ પ્રકરણ સાથે સંકળાયેલા જવાબદારોને ગાંધીનગર બોલાવી તપાસ ઝડપી કરી છે.

હાઈકોર્ટની નારાજગી બાદ કમિશનરની બદલી થઈ હતી

ડિમોલિશનના નિર્ણયથી લઈને જમીનના ભાગલા, મંજૂરી અને પાલિકાની કાર્યવાહી સુધીના મુદ્દાઓની ચકાસણી માટે પાલિકાની તપાસ કમિટી, સસ્પેન્ડેડ પાંચ કર્મચારીઓ તથા સિટી સર્વેના જવાબદારોને સોમવારે હાજર રહેવા ફરમાન કરાયું છે. હાઈકોર્ટની નારાજગી બાદ તત્કાલીન કમિશનર એમ. નાગરાજનની બદલી થઈ ચૂકી છે. ત્યારે હવે સમગ્ર પ્રકરણમાં કોની ભૂમિકા અને જવાબદારી કેટલી હતી તે નક્કી કરવા ઉચ્ચસ્તરીય કમિટીની તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે.

સિટી સર્વે અને જમીન મંજૂરીના દસ્તાવેજોની ચકાસણી

વેડદરવાજા વિસ્તારમાં આવેલી નાસીરનગર વસાહતના ડિમોલિશનની કામગીરી સામે ભારે વિરોધ થયા બાદ આ મામલો કાનૂની વિવાદમાં ફેરવાયો હતો. ડિમોલિશનની કામગીરીમાં નિયમોનું પાલન થયું હતું કે નહીં અને સમગ્ર કાર્યવાહી કયા દસ્તાવેજો તથા મંજૂરીના આધારે કરવામાં આવી હતી તે અંગે શરૂઆતથી જ સવાલો ઊભા થયા હતા.

સસ્પેન્ડેડ ઈજનેર સુઝલ પ્રજાપતિ સહિત 5 કર્મચારીઓની પૂછપરછ થશે

મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી દરમિયાન પાલિકાની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને પ્રકરણમાં વાસ્તવિક રીતે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની દિશામાં સરકારને ટકોર કરવામાં આવી હતી. આ દરમિયાન પાલિકાએ પણ પ્રકરણમાં જવાબદારી નક્કી કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યપાલક ઈજનેર સુઝલ પ્રજાપતિ સહિત સેન્ટ્રલ ઝોનના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ પૈકી સુઝલ પ્રજાપતિએ સસ્પેન્શનને પડકારતાં હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર પ્રકરણમાં માત્ર ડિમોલિશનની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ જ નહીં, પરંતુ નિર્ણય પ્રક્રિયા સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ અને વિભાગોની ભૂમિકા પણ તપાસ હેઠળ આવી હતી.

હાઈકોર્ટની સુનાવણી અને સરકારના સ્તરે થયેલી કાર્યવાહી બાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રકરણની તપાસને વધુ વ્યાપક બનાવવા પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ કમિટી રચવામાં આવી હતી. કમિટી દ્વારા ડિમોલિશનનો નિર્ણય કયા આધારે લેવાયો, જમીન અંગેના દસ્તાવેજોની સ્થિતિ શું હતી, અગાઉની મંજૂરીઓ અને કાર્યવાહી વચ્ચે કોઈ વિસંગતતા હતી કે નહીં તેમજ પાલિકાના કયા અધિકારી કે વિભાગની શું ભૂમિકા રહી હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં પ્રશ્નવાળી જમીન અને લાગુ વિસ્તારમાં અગાઉ સમગ્ર એરિયા માટે આપવામાં આવેલી પીવીસી સહિતના દસ્તાવેજો પણ તપાસ કમિટી દ્વારા શહેર વિકાસ વિભાગ પાસેથી મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે તપાસને આગળ વધારતાં પાલિકાની અગાઉની તપાસ કમિટી, સસ્પેન્ડેડ પાંચ કર્મચારીઓ તેમજ પ્રશ્નવાળી જમીનના ભાગલા મંજૂર કરનાર સિટી સર્વેની ટીમના જવાબદારોને ગાંધીનગર ખાતે હાજર રહેવા જણાવાયું છે. આ સાથે પ્રકરણ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ પાસેથી પણ જરૂરી વિગતો અને દસ્તાવેજો મેળવવામાં આવી રહ્યા છે.

29મી સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં પિટીશન પર સુનાવણી થવાની હોવાથી તે પહેલાં તપાસના તારણો સાથેનો અહેવાલ તૈયાર કરવાની દિશામાં ઉચ્ચસ્તરીય કમિટીની કાર્યવાહી તેજ બની છે. ગાંધીનગરમાં સોમવારે થનારી પૂછપરછ દરમિયાન ડિમોલિશનના નિર્ણયની પ્રક્રિયા, જમીનના ભાગલા અને મંજૂરી સંબંધિત દસ્તાવેજો તેમજ પાલિકાના અધિકારીઓની ભૂમિકા અંગે સ્પષ્ટતા મેળવવામાં આવે તેવી શક્યતા છે. આ પૂછપરછ બાદ તપાસ કમિટીના તારણો કઈ દિશામાં જાય છે અને પ્રકરણમાં વધુ કોની જવાબદારી નક્કી થાય છે તેના પર હવે સૌની નજર મંડાઈ છે.

સુઝલ પ્રજાપતિએ સસ્પેન્શન સામે હાઈકોર્ટમાં અરજી

નાસીર નગર ડિમોલિશન પ્રકરણમાં પાલિકાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર સુઝલ પ્રજાપતિ સહિત પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડિમોલિશનની કામગીરીમાં નિયમોનું પાલન થયું હતું કે નહીં અને તેમાં કોની ભૂમિકા હતી તે અંગે જવાબદારી નક્કી કરવા આ કાર્યવાહી થઈ હતી. જોકે, સુઝલ પ્રજાપતિએ સસ્પેન્શન સામે હાઈકોર્ટમાં અરજી કરતા મામલો વધુ વિવાદમાં આવ્યો હતો.

હવે સરકારની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીએ પાંચેય સસ્પેન્ડેડ કર્મચારીઓને સોમવારે ગાંધીનગર બોલાવ્યા છે. બેઠકમાં ડિમોલિશન નો નિર્ણય કયા આધારે લેવાયો અને તેમાં કોની શું ભૂમિકા હતી તે અંગે સ્પષ્ટતા મેળવવામાં આવશે.