હાઇકોર્ટની લાલ આંખ બાદ સુરત પાલિકા એક્શનમાં: નાસિર નગરના 28 અસરગ્રસ્ત પરિવારો માટે આજે આવાસનો ડ્રો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : હાઇકોર્ટની લાલ આંખ બાદ આખરે પાલિકાની કવાયત નાસિર નગરના અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ ફાળવવાની પ્રક્રિયા શરૂ થતાં રાતોરાત બેઘર કરાયેલા પરિવારોમાં આશાનો સંચાર થયો છે. સેન્ટ્રલ ઝોન દ્વારા આજે 28 અસરગ્રસ્ત પરિવારોની હાજરીમાં આવાસ ફાળવણી માટે ડ્રો યોજવામાં આવશે. જ્યારે એક પરિવારને અગાઉ જ ભેસ્તાન આવાસ ખાતે મકાન ફાળવાયું હોવાથી તેનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જોકે, હજુ પણ આશરે 40 પરિવારો કતારગામ કોમ્યુનિટી હોલમાં રહેવા મજબૂર છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર નાસિર નગર ડિમોલીશન પ્રકરણમાં આખરે પાલિકા દ્વારા અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ ફાળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. હાઇકોર્ટની આકરી ટકોર બાદ સેન્ટ્રલ ઝોન દ્વારા આજે 28 અસરગ્રસ્ત પરિવારોની હાજરીમાં આવાસ ફાળવણી માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. એક પરિવારને અગાઉ જ ભેસ્તાન આવાસ ખાતે મકાન ફાળવવામાં આવ્યું હોવાથી તેનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ગત 30 મેના રોજ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં પાલિકા દ્વારા મોટા પાયે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે 100 જેટલા કાચા-પાકા મકાનો રાતોરાત જમીનદોસ્ત થતાં ગરીબ અને શ્રમજીવી પરિવારો બેઘર બન્યા હતા. સમગ્ર પ્રકરણને પગલે ભારે હોબાળો મચ્યો હતો અને પાલિકાની કામગીરી સામે ગંભીર આક્ષેપો થયા હતા. ડિમોલીશન બાદ અસરગ્રસ્ત પરિવારો માટે હંગામી ધોરણે કતારગામ કોમ્યુનિટી હોલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા કોર્ટે પાલિકા અને પોલીસ તંત્રની ભૂમિકા અંગે આકરી ટકોર કરી હતી તેમજ અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ આપવા અંગે પણ તંત્રને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હાઇકોર્ટની લાલ આંખ બાદ હવે પાલિકા દ્વારા આવાસ ફાળવણીની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે. આજે સાંજે સેન્ટ્રલ ઝોન ખાતે યોજાનારા ડ્રોમાં 28 પરિવારોને ઉપલબ્ધ આવાસમાંથી મકાન ફાળવવામાં આવશે. અગાઉ સને 2015માં જ ભેસ્તાન આવાસ ખાતે મકાન ફાળવાયેલા એક પરિવારનો આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ, લાંબા સમયથી આવાસની રાહ જોઈ રહેલા અસરગ્રસ્ત પરિવારોને હવે પોતાના માથે છત મળવાની આશા બંધાઈ છે. નાસિર નગર ડિમોલીશન બાદ આશરે 100 જેટલા પરિવારો અસરગ્રસ્ત બન્યા હતા. તે પૈકી કેટલાક પરિવારો અન્યત્ર ભાડાના મકાનમાં સ્થળાંતર કરી ગયા છે, જ્યારે આશરે 40 પરિવારો હજુ પણ કતારગામના કોમ્યુનિટી હોલમાં રહેવા મજબૂર છે. હાઇકોર્ટની ટકોર બાદ 28 પરિવારો માટે આવાસ ફાળવણીની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ બાકીના પરિવારોના પુનર્વસન અંગે હજુ પણ પ્રશ્ન યથાવત્ છે.




