Surat

સફાઈ કામદારોની સલામતી માટે સુરત પાલિકાનો કડક નિર્ણય : કામદારોને ભૂગર્ભ ગટરમાં ઉતારનારા સામે ફોજદારી પગલાં ભરવા પાલિકાની સુચના

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
સુરત કોર્પોરેશને ખાળકૂવા-સેપ્ટીક ટેન્કની મેન્યુઅલ સફાઈ પર કડક વલણ અપનાવ્યું છે. છેવાડાના વિસ્તારોમાં કામદારોને જોખમી રીતે ઉતારી સફાઈ કરાવનાર મિલકતદારો સામે પોલીસ ફરિયાદ સહિત ફોજદારી કાર્યવાહી થશે. કામદારનું મૃત્યુ થાય તો વળતરની જવાબદારી સંબંધિત જવાબદારની રહેશે. પાલિકા આવી ખાનગી કામગીરીની કોઈ જવાબદારી નહીં લે. નાગરિકોને મશીનરીથી સફાઈ કરાવવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સફાઈ કામદારોની સલામતી માટે સુરત પાલિકાનો કડક નિર્ણય : કામદારોને ભૂગર્ભ ગટરમાં ઉતારનારા સામે ફોજદારી પગલાં ભરવા પાલિકાની સુચના

Surat Corporation : સુરતના છેવાડાના વિસ્તારોમાં ખાળકૂવા અને સેપ્ટીક ટેન્કમાં કામદારોને ઉતારી જોખમી મેન્યુઅલ સફાઈ કરાવાતી હોવાની ફરિયાદો મળતાં પાલિકાએ હવે કડક વલણ અપનાવ્યું છે. પ્રતિબંધિત કામગીરી કરાવનાર મિલકતદારો, એકમો કે સંસ્થાઓ સામે પોલીસ ફરિયાદ સહિત ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે. કામગીરી દરમિયાન કામદારનું મૃત્યુ થાય તો વળતરની જવાબદારી પણ સંબંધિત જવાબદારની જ રહેશે, જ્યારે પાલિકાએ આવી ખાનગી કામગીરીની કોઈ જવાબદારી નહીં લે તેવી સ્પષ્ટતા કરી છે.

સુરત શહેરના છેવાડાના વિસ્તારોમાં ખાનગી ડ્રેનેજ લાઈનના મેઈન્ટેનન્સ તેમજ ખાળકૂવા અને સેપ્ટીક ટેન્કની સફાઈ માટે કેટલીક જગ્યાએ કામદારોને સીધા ચેમ્બર, મશીન હોલ કે ટેન્કમાં ઉતારીને કામગીરી કરાવાતી હોવાની ફરિયાદો સામે આવી છે. ભૂગર્ભમાં ઝેરી ગેસ અને ઓક્સિજનના અભાવ સહિતના જોખમો વચ્ચે કામદારને ઉતારવાની આ કામગીરી જીવલેણ સાબિત થઈ શકે છે. ભૂતકાળમાં આવી કામગીરી દરમિયાન કામદારોના મોતની ઘટનાઓ પણ બની ચૂકી છે. આ પ્રકારની મેન્યુઅલ સફાઈ પ્રતિબંધિત હોવા છતાં જો કોઈ મિલકતદાર અથવા સંસ્થા કામદારને ભૂગર્ભમાં ઉતારીને સફાઈ કરાવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આવી કામગીરી દરમિયાન અકસ્માત કે મૃત્યુ થાય તો જવાબદાર વ્યક્તિ પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. મૃત્યુ પામેલા કામદારના વારસદારોને વળતર ચૂકવવાની જવાબદારી પણ સંબંધિત જવાબદારની રહેશે. ખાસ વાત એ છે કે ખાનગી રીતે અને ગેરકાયદેસર રીતે કરાવવામાં આવતી આવી કામગીરીમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી પાલિકા સ્વીકારશે નહીં. વળતર ચૂકવવાની જવાબદારી પણ પાલિકા પર રહેશે નહીં તેવી સ્પષ્ટતા કરી મિલકતદારોને મેન્યુઅલ સફાઈની પ્રથા તાત્કાલિક બંધ કરવા તાકીદ કરવામાં આવી છે. સલામતીના નિયમોનું પાલન થાય તે માટે પાલિકાએ મશીનરીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં ખાનગી ડ્રેનેજ લાઈનના મેઈન્ટેનન્સ અથવા સેપ્ટીક ટેન્કની સફાઈ કરાવવાની હોય તો નજીકની ઝોન કચેરીમાંથી જરૂરિયાત મુજબ સીવર ક્લીનીંગ મશીનરી ભાડે મેળવી શકાય છે. કામદારોને જોખમમાં મૂકવાને બદલે મશીનરીથી સફાઈ કરાવવા પાલિકાએ મિલકતદારોને અપીલ કરી છે.

તૂટેલું ઢાંકણ દેખાય તો 14420 પર ફરિયાદ
જાહેર રસ્તા પર ડ્રેનેજ ચેમ્બર, મશીન હોલ કે સેપ્ટીક ટેન્કનું ઢાંકણ તૂટેલું, જર્જરિત કે ખુલ્લું જોવા મળે તો નાગરિકોએ જાતે તેને ખોલવાનો કે ચેમ્બરમાં ઉતરી તપાસ કરવાનો પ્રયાસ ન કરવો. આવા સ્થળે અકસ્માતનું જોખમ હોવાથી તાત્કાલિક પાલિકાના ઈમરજન્સી રિસ્પોન્સ સેનીટેશન યુનિટના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 14420 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ સંબંધિત સ્થળે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.