સુરત પાલિકાના લેટલતીફ કર્મચારીઓની ખેર નહીં : કમિશનરના આદેશ બાદ વિજિલન્સની ટીમે મોડા આવનારા કર્મચારીઓના નામ નોંધ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાની કચેરીને પોતાની મરજી મુજબ આવવા-જવાનું સ્થળ સમજી બેઠેલા લેટલતીફ કર્મચારીઓ સામે હવે તંત્રએ સીધી કાર્યવાહીનો રસ્તો અપનાવ્યો છે. તાપી ભવનમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાની ફરિયાદો વચ્ચે કમિશનર રાજકુમાર બેનિવાલના આદેશથી વિજિલન્સે અચાનક તપાસ કરતાં મોડા આવનારાઓના નામ અને સમયની અલગ રજિસ્ટરમાં નોંધ કરવામાં આવી હતી. વિજિલન્સની હાજરીથી બચવા કેટલાક કર્મચારીઓએ કચેરીમાં પ્રવેશવાનો રસ્તો બદલ્યો હોવાની પણ ચર્ચા વચ્ચે હવે બાયોમેટ્રિક હાજરી સાથે ક્રોસ વેરિફિકેશન બાદ લેટલતીફ કર્મચારીઓ સામે મેમોથી લઈને સી.એલ. કાપવા અને શિક્ષાત્મક કાર્યવાહી સુધીના પગલાં ભરાશે.
પાલિકાની કચેરીમાં ફરજનો નિર્ધારિત સમય હોવા છતાં કેટલાક કર્મચારીઓ રાબેતા મુજબ મોડા આવતા હોવાની ફરિયાદો લાંબા સમયથી ચર્ચામાં હતી. સામાન્ય રીતે કર્મચારીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી નોંધાય છે, તેમ છતાં માત્ર બાયોમેટ્રિક પંચિંગના આધારે જ સમયપાલનનો હિસાબ રાખવાને બદલે હવે મેદાની ચકાસણી શરૂ કરવામાં આવી છે. વિજિલન્સની ટીમે તાપી ભવનના મુખ્ય પ્રવેશદ્વાર ઉપરાંત સિવિક સેન્ટર અને પાર્કિંગ તરફ પણ નજર રાખી મોડા આવનારાઓની વિગતો એકત્ર કરી હતી. વિજિલન્સની ટીમ કચેરીના ગેટ પર હોવાની જાણ થતાં કેટલાક લેટલતીફ કર્મચારીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો. વિજિલન્સની નજરથી બચવા કેટલાક કર્મચારીઓએ કચેરીમાં પ્રવેશવાનો રસ્તો બદલ્યો હોવાની પણ ચર્ચા કચેરીમાં જોવા મળી હતી.
જોકે, પાલિકા તંત્ર હવે માત્ર ગેટ પરની નોંધના આધારે જ કાર્યવાહી કરવાનું નથી, પરંતુ તૈયાર થયેલી યાદી અને કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરીનું ક્રોસ વેરિફિકેશન કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાનું છે.આ તપાસમાં મોડા આવનાર કર્મચારીઓની વિગતો એકત્ર કરી લેવામાં આવી છે. હવે સંબંધિત કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી, મોડા આવવાનું કારણ અને તેમની ફરજની સ્થિતિ ચકાસવામાં આવશે. ખાસ કરીને ફિલ્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને કચેરીમાં હાજર ન હોવા અંગે યોગ્ય કારણ દર્શાવવું પડશે. ફિલ્ડમાં ફરજ પર રહેલા કર્મચારીઓ માટે ગૂગલ લોકેશન સાથે ટાઇમ સ્ટેમ્પવાળો ફોટો મોકલવાની વ્યવસ્થા હોવાથી તેમની હાજરી પણ ચકાસવામાં આવશે.
પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સમયપાલનનો નિયમ માત્ર સામાન્ય કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ માટે પણ સમાન રીતે લાગુ પડશે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર સહિતના અધિકારીઓની પણ ફરજ અને હાજરી અંગે જરૂર પડ્યે ચકાસણી કરવામાં આવી શકે છે. આમ, કચેરીમાં સમયસર હાજર રહેવા અંગે હવે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેવો સંદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. મોડા આવનાર કર્મચારીઓ સામે તબક્કાવાર કાર્યવાહી કરવાની જોગવાઈ છે. પ્રથમ વખત મોડા આવનાર કર્મચારીને મેમો આપી ખુલાસો પૂછવામાં આવે છે. ત્યારબાદ ફરીથી મોડું આવવાનું બને તો સી.એલ. કાપીને ગેરહાજર ગણવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત વારંવાર મોડા આવવાની ટેવ ધરાવતા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. ગંભીર અથવા સતત ગેરરીતિના કિસ્સામાં સસ્પેન્શન સુધીનાં પગલાં લેવામાં આવ્યા હોવાના દાખલા પણ તંત્ર પાસે છે.
લેટલતીફ કર્મચારીઓને પહેલા મેમો, પછી સી.એલ. કપાશે : નિધિ સિવાચ
પાલિકાની વિવિધ કચેરીઓમાં કર્મચારીઓની હાજરીની તપાસ કરવી એ નિયમિત પ્રક્રિયાનો ભાગ હોવાનું ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તાપી ભવનમાં આજે મોડા આવનાર કર્મચારીઓની નોંધ કરવામાં આવી છે અને હવે આ વિગતોનું બાયોમેટ્રિક હાજરી સાથે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
નિધિ સિવાચે વધુમાં જણાવ્યું હતું કે, કર્મચારી પહેલી વખત મોડો આવે તો તેને મેમો આપી ખુલાસો પૂછવામાં આવે છે. બીજી વખત મોડું આવે તો સી.એલ. કાપીને ગેરહાજર ગણવામાં આવે છે. વારંવાર મોડા આવનાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ સસ્પેન્શન સુધીનાં પગલાં પણ લેવાઈ શકે છે. ફિલ્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગૂગલ લોકેશન અને ટાઇમ સ્ટેમ્પ સાથે ફોટો મોકલવાની વ્યવસ્થા હોવાથી તેમની હાજરીનું પણ વેરિફિકેશન કરવામાં આવે છે.
બે સફાઈ કામદારોના સસ્પેન્શન બાદ હવે લેટલતીફોમાં ફફડાટ
પાલિકામાં નોકરી મળ્યા બાદ ફરજના સમય અને કામગીરીને લઈને મનમાની ચલાવતા હોવાની ફરિયાદો ધરાવતા કર્મચારીઓ માટે આજે વિજિલન્સની કાર્યવાહી સીધી ચેતવણી બની હતી. તાપી ભવનના ગેટ પર જ મોડા આવનારાઓનાં નામ અને સમયની નોંધ શરૂ થતાં અત્યાર સુધી પોતાની મરજી મુજબ કચેરીમાં આવન-જાવન કરતા કર્મચારીઓમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો. વિજિલન્સની નજરથી બચવા કચેરીમાં પ્રવેશવાનો રસ્તો બદલાયાની ચર્ચાએ પણ સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવી હતી.
થોડા સમય પહેલાં સતત ગેરહાજર રહેતા બે સફાઈ કામદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ લાંબા સમયથી મનમરજી મુજબ ફરજ બજાવતા હોવાની ફરિયાદો ધરાવતા કર્મચારીઓમાં પણ શિસ્તનો માહોલ જોવા મળ્યો હતો. હવે લેટલતીફ કર્મચારીઓની હાજરીનું બાયોમેટ્રિક સાથે ક્રોસ વેરિફિકેશન કરવાના નિર્ણયથી માત્ર મેમો પૂરતી કાર્યવાહી નહીં, પરંતુ વારંવાર નિયમ તોડનાર સામે સી.એલ. કાપવાથી લઈને સસ્પેન્શન સુધીનાં પગલાં ભરવા માટે પાલિકા તંત્રએ તૈયારી કરી લીધી છે.




