સુરત પાલિકાનાં બેરિકેડ્સ હટાવી જર્જરિત પુલ પર વાહનવ્યવહાર : વરિયાવમાં ખાડી પુલનું ધોવાણ છતાં જોખમી અવરજવર, અકસ્માતની ભીતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : વરિયાવ-છાપરાભાઠા વિસ્તારમાં ખાડી પર આવેલા જર્જરિત કલવર્ટનું ભારે વરસાદમાં ધોવાણ થયા બાદ પાલિકા દ્વારા બેરિકેડ લગાવી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હોવા છતાં બેરિકેડ હટાવીને ફરી જોખમી પુલ પરથી અવરજવર શરૂ કરવામાં આવી છે. જર્જરિત પુલ પરથી સવારથી સાંજ સુધી બાઈક-મોપેડ સહિતનાં વાહનો પસાર થતાં હોવાથી ગમે ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાવાની ભીતિ વચ્ચે સ્થાનિકોએ પુલને કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ આ પુલનો ઉપયોગ કરતા હોવાથી વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.
શહેરમાં ગત 7મી જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ દરમિયાન વરિયાવ-છાપરાભાઠા વિસ્તારમાં ખાડી પર આવેલા કલવર્ટ બ્રિજનું ધોવાણ થયું હતું. બ્રિજ જોખમી બન્યો હોવાની જાણ થતાં રાંદેર ઝોન દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજની બંને તરફ બેરિકેડ લગાવી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિજ જોખમી હોવાની સૂચના પણ લગાવવામાં આવી હતી.
જોકે, વરસાદે વિરામ લેતાં જ થોડા દિવસોમાં પાલિકાનાં બેરિકેડ હટાવી દેવામાં આવ્યા હતા અને ફરીથી વાહનવ્યવહાર શરૂ થઈ ગયો હતો. રસ્તો ટૂંકો પડતો હોવાથી મોટી સંખ્યામાં બાઈક અને મોપેડ ચાલકો આ પુલનો ઉપયોગ કરી રહ્યા છે. પુલનું ધોવાણ થયેલું હોવા છતાં વાહનવ્યવહાર ચાલુ રહેતાં ગમે ત્યારે વાહનચાલક કે રાહદારી ખાડીમાં ખાબકે તેવી ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ માર્ગનો ઉપયોગ શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ પણ કરે છે. જર્જરિત પુલની જોખમી સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ પસાર થતા હોવાથી તેઓ અકસ્માતનો ભોગ બને તેવી દહેશત સ્થાનિકોમાં જોવા મળી રહી છે. આથી સ્થાનિકો દ્વારા નવો બ્રિજ તૈયાર ન થાય ત્યાં સુધી હાલના પુલ પરથી સંપૂર્ણપણે વાહનવ્યવહાર બંધ રાખવાની અને પુલની બંને તરફ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે.
પોલીસ બંદોબસ્ત મુકાયો છતાં બેરિકેડ હટાવાયા પુલનું ધોવાણ થયા બાદ રાંદેર ઝોન દ્વારા બંને તરફ બેરિકેડ મુકવામાં આવ્યા હતા. જોકે, બેરિકેડ હટાવી વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવતા ઝોન તંત્ર દ્વારા સ્થાનિક પોલીસ મથકને લેખિતમાં જાણ કરી પોલીસ બંદોબસ્ત મુકવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ પુલ પર પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો હતો. જોકે, પોલીસ બંદોબસ્ત હટતાં જ ફરી બેરિકેડ દૂર કરી વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પરિણામે જોખમી પુલ પર વાહનવ્યવહાર યથાવત રહેતાં અકસ્માતની ભીતિ વધુ ઘેરી બની છે.
ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ, ટૂંક સમયમાં નવો બ્રિજ બનશે વરિયાવ-છાપરાભાઠા પાસે ખાડી પર આવેલો આ નાનો બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતો. વરિયાવ વિસ્તારથી આઉટર રિંગરોડ તરફ જવા માટે આ પુલ મહત્વપૂર્ણ હોવાથી પાલિકા દ્વારા અગાઉ જ નવા બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં આ સ્થળે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
નવો બ્રિજ બનવા સુધી હાલના જર્જરિત પુલ પરથી વાહનવ્યવહાર ચાલુ રાખવો જોખમી હોવાથી પાલિકા અને પોલીસ તંત્રએ સંયુક્ત રીતે કડક વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને પુલ પર અવરજવર સંપૂર્ણપણે અટકાવવામાં આવે અને બેરિકેડ હટાવી ન શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.









