સુરત: ફોટો સેશનમાં વ્યસ્ત મેયરના પોતાના જ વિસ્તારમાં સફાઈ ગોકળગાય ગતિએ, દુર્ગંધ અને ગંદકીથી સ્થાનિકોમાં ભારે આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Mayor Ward Sanitation Issues: ખાડી અને વરસાદી પૂર બાદ સુરત મહાનગરપાલિકા સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન ચલાવી રહી હોવાના દાવા કરી રહી છે. અનેક કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારમાં અધિકારીઓ સાથે સંકલન કરીને ગંદકી દૂર કરાવવામાં વ્યસ્ત છે. પરંતુ શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના પોતાના જ વોર્ડમાં કચરાના ઢગલા, અસહ્ય દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે. એક તરફ મેયર પાલિકા કચેરીમાં મોડી રાત સુધી બેઠકો કરે છે અને નવા વરાયેલા હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાતો તથા ફોટો સેશનમાં વ્યસ્ત રહે છે, તો બીજી તરફ તેમના પોતાના વિસ્તારના લોકો ગંદકી અને રોગચાળાના ભય વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.
દુર્ગંધ અને ચેપી રોગચાળાનો ફાટી નીકળવાનો ભય
સુરતમાં પૂર બાદ પાલિકા તંત્ર દ્વારા સફાઈ અને આરોગ્ય વિષયક કામગીરી 'રાઉન્ડ ધ ક્લોક' કરવામાં આવી રહી છે. કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારમાં સફાઈ માટે તંત્ર સાથે સંકલન કરી રહ્યા છે. આ દરમિયાન મેયરના વોર્ડમાં આવેલા ઘનશ્યામ નગર, જગદીશ નગર, વાસુદેવ સોસાયટી અને ડાયા પાર્ક સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર સડી રહેલા કચરામાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. ચોમાસાની ઋતુમાં ગંદકીના કારણે મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના લીધે ડેન્ગ્યુ, મેલેરિયા તથા અન્ય ચેપી રોગચાળો ફાટી નીકળવાની આશંકાથી સ્થાનિકોમાં ભારે રોષ છે.

કચરાના ઢગલા વચ્ચેથી મોઢે રૂમાલ બાંધી શાળાએ જતા બાળકો
શહેરને સ્વચ્છ બનાવવાના દાવાઓ વચ્ચે મેયરના પોતાના જ વોર્ડમાં આવેલા ઘનશ્યામ નગર અને જગદીશ નગરની સ્થિતિ ચિંતાજનક બની છે. આ વિસ્તારના મુખ્ય રસ્તા પરથી દરરોજ સરકારી શાળા સહિત બે શાળાઓના સેંકડો વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. રસ્તા પર પડેલા કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધના કારણે બાળકોને મોઢા પર રૂમાલ રાખીને શાળાએ જવાની ફરજ પડી રહી છે. આવી ગંભીર સ્થિતિ બાળકોના સ્વાસ્થ્ય પર સીધી વિપરીત અસર કરી શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે બાળકો જે રસ્તેથી રોજ પસાર થાય છે, ત્યાં જ લાંબા સમયથી કચરો પડ્યો રહે છે છતાં તંત્ર દ્વારા સમયસર સફાઈ કરવામાં આવતી નથી. જ્યારે શહેરના પ્રથમ નાગરિકના પોતાના જ વિસ્તારમાં વિદ્યાર્થીઓને આવી પરિસ્થિતિમાં શાળાએ જવું પડતું હોય, ત્યારે સ્વચ્છતા અને જાહેર આરોગ્ય અંગેના પાલિકાના દાવાઓ તેમજ મેયરની કાર્યશૈલી સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
તંત્રની નિષ્ક્રિયતા અને સ્થાનિકોનો વધતો આક્રોશ
સ્થાનિક રહીશોનો આરોપ છે કે ઝોન કચેરી, સફાઈ વિભાગ અને સંબંધિત અધિકારીઓને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. કચરો દિવસો સુધી પડ્યો રહે છે, પરંતુ તેને ઉપાડવાની બાબતે તંત્રમાં કોઈ ગંભીરતા દેખાતી નથી. લોકોનું કહેવું છે કે પાલિકા તંત્ર માત્ર કાગળ પરની કામગીરી અને દાવાઓમાં જ વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિક સ્થિતિ તેનાથી સાવ વિપરીત છે. અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સતત સફાઈ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને પોતાના વિસ્તારમાં કામગીરી કરાવી રહ્યા છે અને અનેક સ્થળોએ જાતે હાજર રહીને દેખરેખ પણ રાખે છે, પરંતુ મેયરના પોતાના જ વોર્ડમાં આવી કોઈ સક્રિયતા જોવા મળતી નથી.

મેયરની પ્રાથમિકતાઓ સામે શહેરમાં ઉઠતા સવાલો
એક તરફ પાલિકા કચેરીમાં મોડી રાત સુધી બેઠકો, નવા હોદ્દેદારોના સન્માન અને ફોટોસેશન ચાલી રહ્યા છે, જ્યારે બીજી તરફ મેયરના વોર્ડના લોકો દુર્ગંધ, ગંદકી અને રોગચાળાના ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે. આ સ્થિતિએ મેયરની પ્રાથમિકતાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે અને હાલ આ મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક વિશેષ સફાઈ અભિયાન ચલાવીને કચરાનો કાયમી નિકાલ કરવાની, બેદરકાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે કડક કાર્યવાહી કરવાની તેમજ મેયરના વોર્ડને સ્વચ્છ બનાવવાની કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની માંગ ઉઠાવી છે.









