Surat

સુરત: ખાડીઓમાં ઊંચા જળસ્તરના કારણે શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ અટક્યો

By GS Team
24 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતમાં સતત બીજા દિવસે પણ ખાડી પૂરની સ્થિતિ યથાવત છે. મીઠી ખાડી 9 મીટરે પહોંચતા ડેન્જર લેવલની નજીક છે. સારોલી સહિત નીચાણવાળા વિસ્તારોમાં 5-6 ફૂટ પાણી ભરાયા છે, જેથી પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થયા છે. અનેક વાહનો ડૂબ્યા છે, જનજીવન પ્રભાવિત થયું છે અને તંત્ર હાઈ એલર્ટ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: ખાડીઓમાં ઊંચા જળસ્તરના કારણે શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ અટક્યો

Surat Rain: સુરતમાં સતત બીજા દિવસે પણ ખાડી પૂરની સ્થિતિ યથાવત રહી છે. મીઠી ખાડીની સપાટી વધીને 9 મીટરે પહોંચતાં તે હવે ડેન્જર લેવલથી ઘણું નજીક આવી ગયું છે. જ્યારે ખાડીઓમાં ઊંચા જળસ્તરના કારણે શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે. પરિણામે સારોલી સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં 5થી 6 ફૂટ પાણી ભરાયા છે. સારોલી પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્ર પાણીથી ઘેરાઈ ગયા છે, અનેક વાહનો ડૂબી ગયા છે અને અનેક રસ્તાઓ હજુ પણ જળબંબાકાર હોવાથી સુરત મહાનગરપાલિકા તથા નાગરિકોની ચિંતા વધી છે જનજીવનને ભારે અસર પહોંચી છે અને તંત્ર હાઈ એલર્ટ પર છે.

રાજ્યમાં ભારે વરસાદના એલર્ટ વચ્ચે સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે શહેરની ખાડીઓમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે મહાનગરપાલિકા દ્વારા ખાડીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને મીઠી ખાડીની વધતી સપાટીએ ફરી એકવાર ખાડી પૂરની આશંકા જીવંત કરી છે.ગઈકાલે મોડી રાત્રે મીઠી ખાડીની સપાટી 8.95 મીટર નોંધાઈ હતી, જે આજે સવારે વધીને 9 મીટર પર પહોંચી છે. મીઠી ખાડીનું ડેન્જર લેવલ 9.35 મીટર હોવાથી હવે ઘણો ઓચો તફાવત બાકી રહ્યો છે આગામી કલાકોમાં વરસાદ ખાબકે તો સુરત માટે જોખમી એવી મીઠી ખાડી ઓવર ફ્લો થઈ શકે છે. આવી સ્થિતિ સર્જાય તો ખાડી કાંઠાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ઘૂસી શકે છે.ભેદવાડ ખાડીની સપાટી અગાઉની સરખામણીએ ઘટીને ડેન્જર લેવલથી નીચે આવી છે, જે તંત્ર માટે થોડી રાહતરૂપ છે. જોકે સીમાડા ખાડીની સપાટી વધીને 4.80 મીટરે પહોંચી છે અને તે ડેન્જર લેવલથી ઉપર વહી રહી હોવાથી આસપાસના વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

શહેરમાં બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. ખાડી નજીકના વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ પર પાણી ભરાયેલા છે. ખાડીઓમાં પાણીનું જળસ્તર ઊંચું હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેના કારણે પાણી લાંબા સમય સુધી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં જમા રહી રહ્યું છે.સૌથી વધુ અસર સારોલી વિસ્તારમાં જોવા મળી રહી છે. સારોલી ગામ અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 5થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સારોલી પોલીસ સ્ટેશન ચારે તરફથી પાણીથી ઘેરાઈ ગયું છે, જ્યારે વિસ્તારનું આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રહેણાંક વિસ્તારો ઉપરાંત રસ્તાઓ પર પાર્ક કરાયેલા અનેક બે-ચક્રી અને ચાર-ચક્રી વાહનો પણ પાણીમાં ડૂબી જતાં લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરાછાના યોગીચોક વિસ્તારમાં મહાવીર સર્કલથી લક્ષ્મણનગર જતો માર્ગ પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા બંધ કરી ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક લોકો પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થતાં જોવા મળ્યા હતા, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગના એલર્ટ વચ્ચે આગામી કલાકો સુરત માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. જો વરસાદ સતત ચાલુ રહેશે અને મીઠી ખાડીની સપાટી ડેન્જર લેવલને વટાવશે તો ખાડી કાંઠાના વિસ્તારોમાં ફરી ગંભીર પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓના જળસ્તર પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ અને ખાડી નજીકના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે