Surat

સુરત: પાલિકાની નાટ્ય સ્પર્ધામાં પ્રથમવાર પ્રેક્ષકો પાસેથી ટિકિટ લેવાશે

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકા દ્વારા ૫૨ વર્ષથી યોજાતી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે કતારગામના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં યોજાશે. 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન 10 નાટ્ય સંસ્થાઓ ભાગ લેશે. ખાસ વાત એ છે કે, પ્રથમવાર પ્રેક્ષકો પાસેથી ટિકિટ વસૂલવામાં આવશે. ટિકિટ વેચાણથી થતી આવક ભાગ લેનારી સંસ્થાઓને મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: પાલિકાની નાટ્ય સ્પર્ધામાં  પ્રથમવાર પ્રેક્ષકો પાસેથી ટિકિટ લેવાશે

Surat: સુરત પાલિકા દ્વારા ૫૨ વર્ષથી યોજાતી પ્રતિષ્ઠિત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે નવા રંગમંચ પર યોજાવા જઈ રહી છે. કતારગામના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્પર્ધામાં 10 નાટ્ય સંસ્થાઓ ભાગ લઈ રહી છે અને દરરોજ એક નાટકની રજૂઆત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ૫૨ વર્ષની સ્પર્ધામાં પ્રથમવાર પ્રેક્ષકો પાસેથી ટિકિટ વસૂલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરત પાલિકા દ્વારા વર્ષોથી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે. અગાઉ પ્રેક્ષકો માટે પ્રવેશ વિના મૂલ્યે રાખવામાં આવતો હતો. નાટ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારો અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ નાટક, અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શક સહિતની વિવિધ કેટેગરીમાં ઇનામ આપવામાં આવે છે. હવે પ્રથમવાર ટિકિટ વેચાણ થી થતી આવક નો લાભ પણ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાઓને આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષે પ્રથમવાર સ્પર્ધાનું આયોજન કતારગામના આધુનિક અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ માં કરવામાં આવ્યું છે. કુલ ૮૭૬ બેઠક ક્ષમતા ધરાવતા આ ઓડિટોરિયમમાં 600 બેઠકો માટે 20 રૂપિયાની ટિકિટ ઓનલાઈન વેચવામાં આવશે. દરેક નાટક માટે ટિકિટનું ઓનલાઈન બુકિંગ 21 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યાથી શરૂ થશે. પાલિકા દ્વારા નાગરિકોને અગાઉથી ટિકિટ બુક કરાવી નાટક નિહાળવા અપીલ કરવામાં આવી છે.

પ્રથમ અને અંતિમ નાટક રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે, જ્યારે અન્ય નાટકો રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. આ રીતે સતત 10 દિવસ સુધી કતારગામના નવા ઓડિટોરિયમમાં ગુજરાતી નાટ્યકળાની વિવિધતા જોવા મળશે. ટિકિટ વેચાણથી થનારી આવક સ્પર્ધામાં ભાગ લેનારી 10 ફાઇનલિસ્ટ સંસ્થાઓ વચ્ચે સરખા હિસ્સે વહેંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ આ સંસ્થાઓને ઇનામ ઉપરાંત ટિકિટની આવકનો લાભ મળતો ન હતો. હવે પાલિકાના આ નવા પ્રયોગથી નાટકના નિર્માણ, કલાકારો, સેટ, લાઇટ અને સાઉન્ડ સહિતના ખર્ચ વચ્ચે સંસ્થાઓને વધારાની આવક મળી શકશે.