સુરતમાં જળપ્રલય! કરંટ-ડૂબવા સહિતની દુર્ઘટનામાં 13ના મોત, 3416નું રેસ્ક્યૂ, 3862 લોકોનું સ્થળાંતર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Flood Situation Updates: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. જેમાં સુરત, જૂનાગઢના માંગરોળ, વલસાડ સહિતના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. 7 જુલાઈના રોજ સુરતના કામરેજ, પલસાણા સહિતના તાલુકામાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. જ્યારે સુરત શહેરમાં છેલ્લાં 38 કલાકમાં 19 ઈંચ વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિમાં સુરતમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં એક જ દિવસમાં 11 ડૂબવાથી, 1 કરંટથી મળીને કુલ 13 લોકોના મોત નીપજ્યાં હોવાનું જણાય છે. અતિભારે વરસાદી આફત બાદ સુરતમાં સ્થાનિક તંત્ર, NDRF-SDRFની ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 8 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીમાં 3,416 લોકોને રેસ્ક્યૂ કરાયા તેમજ 3862 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
કરંટ, ડૂબવા સહિતની દુર્ઘટનામાં કુલ 13ના મોત
સુરતમાં અતિભારે વરસાદી કહેરની સ્થિતિમાં એક દિવસમાં કરંટ, ડૂબવા સહિતની દુર્ઘટનામાં કુલ 13ના મોત નીપજ્યા હોવાનું જણાય છે. જેમાં ડિંડોલી, પુણાગામ, પાંડેસરા, રાંદેર સહિતના વિસ્તારોમાં બનેલી દુર્ઘટનામાં લોકોના મોત થયા છે.

સુરતમાં 3416 લોકોનું રેસ્ક્યૂ, 3862 લોકોનું સ્થળાંતર
સુરતના પલસાણા, કામરેજ, સુરત સિટી, બારડોલી, અંબિકા સહિતના વિસ્તારોમાં 10-10 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચારેય બાજું પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે પૂરની સ્થિતિથી જનજીવન ખોરવાયું છે. સુરતમાં જળબંબાકારની સ્થિતિમાં ફસાયેલા અનેક લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યા છે.
પાંડેસરામાં 230થી વધુ લોકોનું રેસ્ક્યૂ
સુરતના અનેક તાલુકામાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા SDRF, NDRF અને પોલીસની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે.
આ પરિસ્થિતિમાં સુરતના પાંડેસરા વિસ્તારના કૃષ્ણનગર અને ગઢા નગરના ગળાડૂબ પાણીમાં ફસાયેલા 150થી વધુ લોકો, SDRFની ટીમે અને પાંડેસરા સ્થિત શ્રીરામ નગર સોસાયટીમાં NDRFની ટીમ દ્વારા 36 પુરુષો, 27 મહિલાઓ, 22 બાળકો એમ કુલ 85 લોકોનું રેસ્ક્યૂ કર્યું.
મીઠી ખાડી વિસ્તારમાં 143થી વધુ લોકોને રેસ્ક્યૂ બાદ સુરક્ષિત સ્થળે ખસેડાયા
બીજી તરફ, સુરતના મીઠી ખાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 71 પુરુષ, 53 મહિલા અને 19 બાળકો સહિત કુલ 143થી વધુ લોકોને NDRFના જવાનો દ્વારા રેસ્ક્યૂ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
ગોડાદરા વિસ્તારમાં 313 લોકોનું રેસ્ક્યૂ
ભારે વરસાદના પગલે સુરતના ગોડાદરા વિસ્તારમાં NDRFની ટીમ દ્વારા 210 પુરુષ, 80 મહિલા, 23 બાળકો મળીને કુલ 313 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને તમામને સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડવામાં આવ્યા છે.
પલસાણા તાલુકામાં 19 લોકોને સ્થળાંતર
પલસાણામાં 18 ઇંચથી વધુ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાતા પૂરના પાણીમાં ફસાયા છે, તેવી સ્થિતિમાં હવે વરસાદી માહોલ શાંત છે ત્યારે તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિકોની રેસ્ક્યૂની કામગીરી લાગ્યા છે. જેમાં પલસાણા તાલુકામાં ફસાયેલા 19 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.

9563 ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરાઈ
સુરત શહેરમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, ત્યારે પૂરગ્રસ્ત સ્થિતિમાં રેસ્ક્યૂ કરાયેલા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકો માટે તંત્ર દ્વારા 9563 ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરાઈ.
ઓલપાડમાં કચરો દૂર કરવાની કામગીરી
08 જુલાઈ, 2026ના રોજ ઓલપાડ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારો દેલાડ, ટકારમા અને સિથાણ ગામે ખાડીમાં પાણીનો નિકાલ સુચારૂ બને તે માટે JCB દ્વારા કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
240 ટેક્સટાઈલ માર્કેટો બંધ
સુરતમાં ભારે વરસાદને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાતા 240 ટેક્સટાઈલ માર્કેટો બંધ રહી હતી. માર્કેટ બંધ રહેવાથી રૂ.200 કરોડનો વેપાર ઠપ રહ્યો હતો. વેપારીઓના માલ-સામાનના નુકસાનને ધ્યાનમાં રાખીને FOSTA(ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન) દ્વારા માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
સુરતમાં જળબંબાકારથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સુરતના વરસાદી કહેરના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે, ત્યારે સ્માર્ટ સિટી સુરતના મોટા દાવાની વાસ્તવિક્તા એક વરસાદમાં સામે આવતા યુઝર્સ કટાક્ષ કરી રહ્યા છે.









