Surat

VIDEO: ‘પ્લીઝ અમારી મદદ કરો...’કેદારનાથમાં ફસાયેલા સુરતના પરિવારનો વીડિયો વાઈરલ, 14 લોકોનું સફળ રેસ્ક્યૂ!

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ખરાબ હવામાનને કારણે ફસાયેલા સુરતના 14 યાત્રાળુઓને હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવાયા છે. અલથાણના આ ગ્રુપના 3 લોકો પહેલા બહાર આવ્યા હતા, જ્યારે બાકીના 11 ફસાયા હતા. રંજનબેન પંચાલના વાઈરલ વીડિયો બાદ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી. હાલ તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે અને ટૂંક સમયમાં સુરત પરત ફરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ‘પ્લીઝ અમારી મદદ કરો...’કેદારનાથમાં ફસાયેલા સુરતના પરિવારનો વીડિયો વાઈરલ, 14 લોકોનું સફળ રેસ્ક્યૂ!

Surat Family Stranded in Kedarnath: ઉત્તરાખંડના કેદારનાથ ધામ ખાતે ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે સર્જાયેલી કુદરતી આફતમાં ફસાયેલા સુરતના પરિવાર અંગે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતથી કેદારનાથ દર્શનાર્થે ગયેલા તમામ 14 યાત્રાળુઓનું હેલિકોપ્ટર મારફતે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે અને તમામ લોકો એકદમ હેમખેમ તથા સુરક્ષિત છે.

વાઈરલ વીડિયોથી મચી ગયો હતો હડકંપ

સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા 14 લોકોનું ગ્રુપ કેદારનાથ યાત્રાએ ગયું હતું. વરસાદી હોનારત જેવી સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન શરૂઆતમાં માત્ર 3 લોકો જ બહાર આવી શક્યા હતા. જે તે સમયે બાકીના 11 લોકો ફસાયેલા હોવાથી પરિવારના મહિલા સભ્ય રંજનબેન પંચાલે એક વીડિયો બનાવી સરકાર પાસે મદદની આજીજી કરી હતી. ગઈકાલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

તમામ 14 લોકોનું રેસ્ક્યૂ પૂર્ણ, વહીવટી તંત્રનો મળ્યો ત્વરિત સહયોગ

જોકે, આજે સોમવારે સમગ્ર મામલે રંજનબેન સાથે ટેલિફોનિક વાતચીત થતાં સ્થિતિ સ્પષ્ટ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી હતી અને અનિશ્ચિતતાનો માહોલ હતો ત્યારે તેમણે અસ્વસ્થ થઈને આ વીડિયો બનાવ્યો હતો. પરંતુ ત્યારબાદ ઉત્તરાખંડ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પ્રતિસાદ આપીને હેલિકોપ્ટર મારફતે બાકીના તમામ 11 યાત્રાળુઓને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે.

હવે દર્શન પૂર્ણ કરી સુરત પરત ફરશે

યાત્રાળુ પરિવારે વહીવટી તંત્રના સહયોગ બદલ આભાર માન્યો છે. હાલ તમામ 14 યાત્રાળુઓ સંપૂર્ણપણે સુરક્ષિત સ્થળે છે. તેમને યાત્રાનું એક ધામ કરવાનું બાકી છે, જે પૂર્ણ કર્યા બાદ તેઓ ટૂંક સમયમાં જ સુરત સુખરૂપ પરત ફરશે. તમામ સભ્યો હેમખેમ હોવાની જાણ થતાં સુરતમાં રહેતા તેમના સ્વજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.